– પીએમ મોદી 21થી 24 જૂન સુધી અમેરિકાની મુલાકાતે જવાના છે
– સંસદમાં આ બિલ પસાર થાય અને રાષ્ટ્રપતિ સંમતિ આપે તો અમેરિકામાં દિવાળી 12મી ફેડરલ રજા બની જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. અમેરિકામાં દિવાળીના દિવસને સંઘીય રજા તરીકે જાહેર કરવા માટે અમેરિકી કોંગ્રેસ (સંસદ)માં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. અમેરિકી મહિલા સાંસદ ગ્રેસ મેંગે શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં દિવાળી દિવસ બિલ રજૂ કર્યું હતું. તેમના આ પગલાને દેશભરના વિવિધ સમુદાયોએ આવકાર્યો છે. જો કોંગ્રેસ દ્વારા દિવાળી દિલ બિલ પસાર કરવામાં આવે તો તે રાષ્ટ્રપતિની સંમતિ બાદ કાયદો બની જશે અને અમેરિકામાં દિવાળી 12મી ફેડરલ રજા બની જશે.
આ બિલ લાવનાર સંસદ સભ્ય ગ્રેસ મેંગે શું કહ્યું
મીડિયા સાથે વાત કરતા સંસદસભ્ય ગ્રેસ મેંગે જણાવ્યું હતું કે દિવાળી વિશ્વભરના અબજો લોકોની સાથે અમેરિકામાં પણ અસંખ્ય પરિવારો અને સમુદાયો માટે વર્ષના સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક છે. તેમણે કહ્યું કે દિવાળીની ફેડરલ રજા પરિવારો અને મિત્રોને સાથે મળીને તહેવારની ઉજવણી કરવાની મંજૂરી આપશે. આ દિવસે રજા એ સાબિત કરશે કે સરકાર રાષ્ટ્રની વિવિધ સાંસ્કૃતિક તકોને મહત્વ આપે છે.
આ બિલને અમેરિકી કોંગ્રેસ દ્વારા પાસ કરાવવા આતુર
તેમણે કહ્યું કે ન્યુયોર્કના ક્વિન્સમાં દિવાળીના અવસરે અદભૂત સમારોહનું આયોજન થાય છે અને દર વર્ષે આવા આયોજન કરવામાં આવે છે. જે જણાવે છે કે આ દિવસ ઘણા બધા લોકો માટે કેટલું મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે અમેરિકાની તાકાત આ રાષ્ટ્રને બનાવનારા વિવિધ અનુભવો, સંસ્કૃતિઓ અને સમુદાયોથી છે. મેંગે વધુમાં જણાવ્યું હતું કે તેમણે જે દિવાળી ડે એક્ટ રજૂ કર્યો છે તે તમામ અમેરિકનોને આ દિવસના મહત્વ વિશે જણાવવા અને અમેરિકન વિવિધતાની ઉજવણી કરવા તરફનું એક પગલું છે. તેઓ આ બિલને અમેરિકી કોંગ્રેસ દ્વારા પાસ કરાવવા આતુર છે.
PM મોદી 21 જૂને અમેરિકાનો પ્રવાસ શરૂ કરશે
વડાપ્રધાન મોદી આવતા મહિને અમેરિકા જશે. તેઓ 21-24 જૂન સુધી અમેરિકાની સત્તાવાર મુલાકાતે જશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાયડેન અને તેમની પત્ની પીએમ મોદીના સન્માનમાં 22 જૂને વ્હાઇટ હાઉસમાં રાજકીય ભોજન સમારંભનું પણ આયોજન કરશે. પીએમ મોદી વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં રોકાશે, જ્યાં ભારતીય સમુદાય અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરશે. 22 જૂને જ્યારે પીએમ મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરવામાં આવશે ત્યારે તેમના સન્માનમાં 21 તોપોની સલામી આપવામાં આવશે.
Leave a Reply