– ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને પછાડી નીરજ ચોપરા બન્યો વિશ્વનો નંબર-1 જેવલિન થ્રોઅર
ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વિશ્વમાં ફરી એકવાર ધ્વજ લહેરાવવાનું કામ કર્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલી હાલની મેન્સ જેવલિન થ્રો રેન્કિંગમાં તે વિશ્વનો નંબર-1 ખેલાડી બની ગયો છે. નીરજ ચોપરાએ પોતાના કરિયરમાં પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી છે. નીરજ ચોપરાએ આ મામલે ગ્રેનાડાના દિગ્ગજ જેવલિન એથ્લીટ એન્ડરસન પીટર્સને પાછળ છોડી દીધો છે.
નીરજ ચોપરા રેન્કિંગમાં ટોપ પર
નીરજ ચોપરા હાલમાં 1455 પોઈન્ટ્સ સાથે નવીનતમ વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં ટોપ પર છે, જ્યારે એન્ડરસન પીટર્સ 1433 પોઈન્ટ સાથે વિશ્વના બીજા નંબરનો જેવલિન થ્રો કરનાર ખેલાડી છે. તે નીરજથી 22 પોઈન્ટ પાછળ છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ચેક રિપબ્લિકનો જેકબ વાડલેજ 1416 પોઈન્ટ સાથે વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે.
ડાયમંડ લીગ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો નીરજ
ગત વર્ષે 30 ઓગસ્ટના રોજ 25 વર્ષીય નીરજ વર્લ્ડ રેન્કિંગમાં બીજા નંબરે પહોંચ્યો હતો પરંતુ ત્યાર બાદ તે પીટર્સથી આગળ નીકળી શક્યો ન હતો. જો કે તેણે આગલા જ મહિને ઝુરિકમાં ડાયમંડ લીગ 2022ની ફાઇનલમાં જીત મેળવી અને ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો અને 5 મેના રોજ તેણે 88.67 મીટર જેવલિન થ્રો કરીને દોહા ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો. જેના કારણે તે નંબર-1 જેવલિન થ્રો કરનાર ખેલાડી બની ગયો છે.
Leave a Reply