– વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે
ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 25મી મેએ જાહેર થશે. સવારે આઠ વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://GSEB.ORG પર પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પરિણામ જોઈ શકશે. આ વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.
ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે
પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફ્તર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.પૂરક પરીક્ષા-2023ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. પૂરક પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષા કરવામાં આવશે
ગેરરીતિ રોકવા માટે બનાવવામાં આવેલી અધિકારીની ફ્લાઇંગ સ્ક્વોડ માત્ર 60 વિદ્યાર્થીને જ પકડી શકી છે.વર્ગખંડમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી બાદ બોર્ડે ગેરરીતિના કેસ અલગ તારવ્યા છે. જેના કારણે જે તે વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે. હવે પછી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીને નોટિસ આપીને બોર્ડના અધિકારીઓ સમક્ષ બોલાવાશે અને તેમનો ખુલાસો મેળવાયા બાદ તેમના જવાબના આધારે ગેરરીતિના કેસ માટે નિયત કરેલા નિયમોનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષા કરવામાં આવશે.
ધોરણ-10 અને 12ના વિદ્યાર્થી ઝડપાયા
ધો.10ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે 759 કેસ અને સ્ક્વોડ, સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક દ્વારા 29 કેસ કરાયા છે. ધો.12 સાયન્સમાં સીસીટીવી ફૂટેજના આધારે 26 અને સ્કવોડ, સ્થળ સંચાલક તથા ખંડ નિરીક્ષક દ્વારા નવ કેસ કરાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સીસીટીવી ફૂટેજના આધારે 345, અન્ય દ્વારા 22 કેસ કરાયા છે. તેમાં સ્ક્વોડ, સ્થળ સંચાલક કે ખંડ નિરીક્ષક દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતા ધોરણ-10 અને 12ના માત્ર 60 વિદ્યાર્થી પકડાયા છે. જ્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં, ગેરરીતિ કરતા 1130 ધોરણ-10 અને 12ના વિદ્યાર્થી ઝડપાયા છે. જોકે ગેરરીતિમાં પકડાયેલા કુલ 1190 વિદ્યાર્થીને શિક્ષણ બોર્ડ દ્વારા તેમને જવાબ રજૂ કરવાની તક આપવામાં આવશે.
Leave a Reply