ગુજરાતમાં અલકાયદા માટે દેશ વિરોધી પ્રવૃતિ કરતા ચાર બાંગ્લાદેશીઓ ઝડપાયા

આતંકી સંગઠનમાં યુવાનોની ભરતી અને ફંડ એકત્રિત કરાતુ હતું

બાંગ્લાદેશના અલ કાયદાના પ્રમુખની મદદથી ગુજરાતમાં આતંકી સંગઠન માટે કરવામાં આવતું હતું

રાજ્યમાં મોટા આતંકી હુમલાની યોજના ઘડવામાં આવી હોવાની શક્યતા

ગુજરાતમાં  ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી નાગરિકોની મદદથી અલ કાયદા નામના આતંકી સંગઠન માટે યુવાનોના માઇન્ડ વોશ કરવા તેમજ આતંકી પ્રવૃતિ માટે ફંડ એકત્રિત કરવાની દેશ વિરોધી પ્રવૃતિનો ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરાયો છે. જે સંદર્ભમાં એટીએસના અધિકારીઓએ ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરીને દેશ વિરોધી પ્રવૃતિને લગતા અનેક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. તેની પુછપરછમાં અલ કાયદા માટે કામ કરતા અન્ય બાંગ્લાદેશી નાગરિકોના નામ પણ બહાર આવ્યા છે.જે અંગે અનલૉફુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એટીએસના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે  ગેરકાયદેસર  રીતે રહેતા  કેટલાંક બાંગ્લાદેશી નાગરિકો  અમદાવાદ અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં આતંકી સંગઠન અલ કાયદા માટે કામ કરે છે. જે બનાવટી આધાર કાર્ડ બનાવીને ભારતના નાગરિક તરીકે નારોલ, રખિયાલ અને ઓઢવ વિસ્તારમાં રહે છે. જે બાતમીને આધારે રખિયાલ સોનીની ચાલી સુખરામ એસ્ટેટમાં રહીને નોકરી કરતા મોહમ્મદ સોજીબમિયા અહેમદઅલી (ઉ.વ.૨૮)ને ઝડપી લેવાયો હતો. તેની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે  તે મુળ બાંગ્લાદેશના મ્યેમનસિંહ જિલ્લાના ખુદરો ગામનો રહેવાસી છે. જે બાંગ્લાદેશમાં અલ કાયદા માટે કામ કરતા આતંકીઓ સાથે સંપર્કમાં આવ્યા બાદ આતંકી તરીકે સક્રિય થયો હતો. જેમાં તેને અલ કાયદા માટે કામ કરતા હેન્ડલર શરીફુલ  ઇસ્લામ નામના વ્યક્તિની મદદથી અલ કાયદાના બાંગ્લાદેશના મોટા આતંકી શાયબાના સંપર્કમાં આવ્યો હતો. શાયબાએ તેને અન્ય ત્રણ બાંગ્લાદેશીઓ સાથે મળીને ગુજરાતમાં અલ કાયદા માટે કામ કરવાની કામગીરી સોંપી હતી. જેમાં તેને યુવાનોને બ્રેઇન વોશ કરીને અલ કાયદામાં જોડાવવા અને ફંડ એકત્ર કરવાનું મહત્વનું કામ સોંપવામાં આવ્યું હતું. જે બાદ આશરે બે વર્ષ પહેલા બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશીને ગુજરાતમાં આવ્યો હતો. જ્યાં તેને બનાવટી આધાર કાર્ડ અને પાન કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવી આપવામાં આવ્યા હતા. તેની સાથે બાંગ્લાદેશના  ખાલિદ અંસારી ઉર્ફે મુુન્ના ખાન, અઝારૂલ ઇસ્લામ અંસારી અને  અબ્દુલ લતીફની પણ અટકાયત કરવામાં આવી હતી.

એટીએસના અધિકારીઓએ મોહમ્મદ સોજીબ પાસેથી અલ કાયદાના મિડીયા વિંગ દ્વારા છાપવામાં આવેલું  કટ્ટરવાદી સાહિત્ય, બોગસ પાન કાર્ડ, પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

એટીએસની સઘન પુછપરછમાં એવી પણ ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી કે ગુજરાતમાં અલ કાયદા માટે કામ શરૂ કરાવતા પહેલા તમામને બાંગ્લાદેશમાં ગુપ્ત સંદેશા વ્યવહાર કરવા, ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરીને વિગતો મોકલવી અને વર્ચુઅલી પ્રાઇવેટ નેટવર્ક દ્વારા બાંગ્લાદેશમાં અલ કાયદાના પ્રમુખને વિગતો આપવા માટે તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, શાહિબાએ ત્રણેયને  જેહાદ, કિતાલ (કત્લ), અસ્લીયા ( શસ્ત્રો),  હિજરત, સમય અને પૈસાનું બલીદાન આપવું અને ઇસ્લામ માટે શહાદત વહોંરવા જેવી ઉશ્કેરણીજનક બાબતોના પાઠ પણ ભણાવ્યા હતા. જે પાઠ તેમને અન્ય યુવાનોને ભણાવીને તેમને આતંકી સંગઠનમાં સામેલ કરવા તેમજ આતંકી પ્રવૃતિ માટે ફંડ એકત્ર કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. જે અનુસંધાનમાં તેમણે અનેક યુવાનોનો સપર્ક કર્યો હતો અને લાખો રૂપિયાનું ફંડ હવાલા મારફતે બહાર મોકલાયું હતું.

રાજ્યમાં મોટા આતંકી હુમલાની યોજનાનો પર્દાફાશ પણ કરાયો

રાજ્યમાં અલ કાયદા માટે કામ કરતા આતંકીઓને જેહાદ માટે યુવાનોની મોટી ટીમ તૈયાર કરવા તેમજ ફંડ એકત્ર કરવાની સાથે ગુજરાતમાં મોટા આતંકી હુમલો કરવાનું કાવતરૂ ઘડવા માટે પણ કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં દેશમાં હાલ કેરાલા સ્ટોરી તેમજ વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ સહિતની ઘટનાઓ સમજાવીને ઉશ્કેરવામાં આવ્યા હતા. જેથી તેઓ આગામી સમયમાં મોટાપાયે કોઇ આતંકી હુમલાની ઘટના અંજામ આપવાની યોજના બનાવતા હોવાનું એટીએસના સુત્રોને જાણવા મળ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: