– ચીનના સંરક્ષણ પ્રધાને કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો સ્થિર અને સામાન્ય
ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ હજુ પણ યથાવત જોવા મળે છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગઈકાલે જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિલ્હીમાં ચીની સમકક્ષને મળ્યા ત્યારે બંનેએ હાથ જોડીને એકબીજાનું અભિવાદન કર્યું હતું. ભારતના સંરક્ષણ મંત્રીએ અન્ય તમામ સમકક્ષો સાથે હાથ મિલાવ્યા, પરંતુ ચીનના પ્રધાન લી શાંગફુ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. જો કે આવું દ્રશ્ય જોવા મળ્યા બાદ પણ ચીનના સંરક્ષણ પ્રધાને કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો સ્થિર અને સામાન્ય છે.
અન્ય દેશોના મંત્રીઓ સાથે મિલાવ્યા હાથ
ભારતના સંરક્ષણ પ્રધાન સાથે હાથ ન મિલાવવો એ કોઈ સામાન્ય બાબત નથી. રાજનાથ સિંહ જ્યારે પણ કોઈ વિદેશી સમકક્ષને મળે છે ત્યારે તેઓ હાથ જોડીને તેમનું સ્વાગત કરે છે. ગઈકાલે ઈરાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાનના તેના સમકક્ષો સાથે પણ હાથ મિલાવ્યો અને તેની તસવીરો શેર કરી હતી.
જો સંબંધો બગડ્યા છે તો તેના માટે માત્ર ચીન જ જવાબદાર: રાજનાથ સિંહ
નોંધપાત્ર વાત એ છે કે દ્વિપક્ષીય બેઠકની શરૂઆત પહેલા જ ચીને બંને દેશોની સેનાઓ વચ્ચે ફરી સહયોગ શરૂ કરવાનો નવો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ચીનના આ પ્રસ્તાવને એમ કહીને નકારી દીધો હતો આવું ત્યારે જ સંભવ થશે જયારે બોર્ડર પર શાંતિપૂર્ણ માહોલ રહેશે. સરહદ વિવાદને બાજુ પર રાખીને ચીનના રક્ષા મંત્રી બંને દેશો વચ્ચે નવી શરૂઆતની વાત કરી રહ્યા હતા. જ્યારે રાજનાથે સ્પષ્ટ કર્યું કે આગળ વધતા પહેલા સરહદ પર સ્થિતિ સામાન્ય હોવી જોઈએ. જો સંબંધો બગડ્યા છે તો તેના માટે માત્ર ચીન જ જવાબદાર છે.
બંને મંત્રીઓ ગઈકાલે મુલાકાત કરી હતી
રક્ષા મંત્રીએ ગુરુવારે તેમના ચીની સમકક્ષ લી શાંગફુ સાથે લગભગ 45 મિનિટ સુધી મુલાકાત કરી હતી. ભારતે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ચીન દ્વારા વર્તમાન સરહદ કરારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોના પાયાને નુકસાન થયું છે. રાજનાથે સ્પષ્ટપણે કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પરના તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય સમજૂતીઓ હેઠળ ઉકેલવા જોઈએ. સંરક્ષણ પ્રધાને લી શાંગફુને કહ્યું કે પૂર્વી લદ્દાખના બાકીના ઘર્ષણ બિંદુઓથી સૈનિકો પાછા ખેંચ્યા પછી, તણાવ ઘટાડવાની દિશામાં કામ કરવું જોઈએ.
Leave a Reply