– ગર્ભાવસ્થામાં માતાઓના વ્યવહાર – વિચારની સીધી અસર બાળકના માનસિક – શારીરિક વિકાસ ઉપર થાય
– મેડિ.કેમ્પમાં આહાર વિભાગ મારફતે બહેનોને ગર્ભસંસ્કાર અંગે માર્ગદર્શન અપાયું
લખપત તાલુકાના દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જી.કે. જનરલ અદાણી હોસ્પિટલ અને જિલ્લા વહીવટી તથા આરોગ્યતંત્ર દ્વારા યોજાયેલા નિશુલ્ક મેડિકલ કેમ્પમાં સ્ત્રીરોગના દર્દીઓ અને બાળકોને સારવાર આપવા ઉપરાંત આહાર નિષ્ણાંત (ડાયેટીશ્યન) મારફતે મહિલાઓને ગર્ભ સંસ્કારનું મહત્વ સમજાવી ગર્ભાવસ્થા દરમિયાન બહેનોને યોગ્ય ભોજન અને માનસિક રીતે ખુશ રહેવાની સલાહ આપવામાં આવી હતી.
આ મેડિકલ કેમ્પમાં 129 દર્દીઓની ચકાસણી, નિદાન અને સારવાર આપવાની સાથે જી.કે. જનરલ હોસ્પિટલના ડાયેટિશ્યન પૃથ્વીબેન લખલાણીએ બહેનોને માર્ગદર્શન આપતા કહ્યું કે, ગર્ભાવસ્થા દરમિયાન માતાઓ જે કંઈપણ વિચારે છે તેની સીધી અસર બાળક ઉપર થતી હોવાથી ગર્ભસ્થ માતાઓએ પોષણક્ષમ ભોજન અને ખુશ રહેવાની સાથે સારું વિચારવું, સારું સાંભળવું પ્રાર્થના,ધ્યાન,યોગ અને નિયમિત શારીરિક દેખભાળ રાખવાથી શિશુનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે.
આ પ્રસંગે ડાયેટ વિભાગ દ્વારા ગર્ભસ્થ શિશુની ગર્ભયાત્રા સંદર્ભે પોસ્ટર મારફતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગર્ભ સંસ્કાર અંગે બહેનોને વિસ્તૃત સમજ આપતા પૃથ્વીબેને કહ્યું કે, સંસ્કારનો અર્થ છે મનનું શિક્ષણ. ગર્ભ સંસ્કાર એટલે પેટમાં રહેલા બાળકના મગજને શિક્ષિત કરવાની પ્રક્રિયા, જે એક પ્રાચીન વિજ્ઞાન છે. જેમાં બાળકને જ કેન્દ્રિત નથી કરાતો, પરંતુ આ અભ્યાસ માતાનું સ્વાસ્થ્ય પણ સુનિશ્ચિત કરે છે. આ રીતે ગર્ભ સંસ્કાર એક સ્વસ્થ બાળકને જન્મ આપવા માટેનો ઉત્તમ ઉપાય છે.
દરમિયાન દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા કેમ્પમાં 129 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જે પૈકી સ્ત્રીરોગના ૪૭, બાળ રોગના ૧૫, મેડિસીનને લગતા ૨૭ અને રેડિયોલોજી સંદર્ભિત ૨૯ દર્દીઓ સાથે 10 દર્દીઓના ઈસીજી કરવામાં આવ્યા હતા. સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર નીલમ પટેલ, બાળરોગ વિભાગના ડો.જયપાલ સોલંકી ઉપરાંત ડોક્ટર અક્ષદિપ, ડોક્ટર દર્શન તેમજ નર્સિંગ સ્ટાફ જોડાયા હતા. આયોજન જી.કે.ના માર્ટિન જ્યોર્જે સાંભળ્યું હતું.
Leave a Reply