આગામી 16 અને 23 એપ્રિલે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.આખા રાજ્યમાં 2,76,411 ઉમેદવાર પરીક્ષા આપવાના છે.જેમાં કચ્છનાં 5656 ઉમેદવારનો સમાવેશ થાય છે પણ મહત્વનું છે કે,કચ્છના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે અમદાવાદ જવું પડશે.માંગણી કરવા છતાં કચ્છમાં પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું નથી જેથી ઉમેદવારોએ અન્યાયની ભીતિ વ્યક્ત કરી છે.
શિક્ષક યોગ્યતા કસોટી (TET) 1 ની પરીક્ષાનું આયોજન 16 એપ્રિલ અને TET-2 ની કસોટીનું આયોજન તા.23 એપ્રિલના કુલ 9 ઝોન અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જુનાગઢ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કરવામાં આવ્યું છે અને તે જિલ્લાના શિક્ષણતંત્રને પણ સૂચના આપી દેવામાં આવી છે.
સરહદી કચ્છ જિલ્લાનો સમાવેશ અમદાવાદ શહેરના ઝોનમાં કરવામાં આવ્યો છે.અમદાવાદ શહેર ઝોનમાં કચ્છની સાથે અમદાવાદ, મોરબી,સુરેન્દ્રનગર અને ગુજરાત બહારના ઉમેદવાર પરીક્ષા આપશે.જેથી કચ્છના 5656 ઉમેદવારમેં આ કસોટી આપવા માટે બે રવિવાર અમદાવાદનો ધક્કો ખાવો પડશે.તૈયારીઓની સાથે મુસાફરીનો થાક અને ખર્ચ ઉમેદવારોને માનસિક રીતે અસ્વસ્થ કરી નાખે છે. જો કચ્છમાં અન્ય સરકારી પરીક્ષા લેવાતી હોય તો આ પરીક્ષા પણ લેવી જોઈએ તેવો સુર ઉમેદવારો તરફથી વ્યક્ત કરવામાં આવ્યો છે.
એસટી બસોમાં શનિ અને રવિવારે ભારે ધસારો
ભુજ થી અમદાવાદ જવા માટે ખાનગી લક્ઝરી બસો દ્વારા રૂ.800 થી 900 તોતિંગ ભાડું વસૂલવામાં આવે છે.બે વખત પરીક્ષા આપવા માટે અમદાવાદ જવાનું હોઇ ઉમેદવારને મુસાફરી ખર્ચ જ ₹5,000 નો ફટકો લગાડી દે તેમ હોઇ મોટાભાગના ઉમેદવારો અમદાવાદ જવા માટે એસટી બસનો જ ઉપયોગ કરશે. જેથી શનિવારે કચ્છથી અમદાવાદ અને રવિવારે અમદાવાદથી કચ્છ આવવા માટે એસટી બસોમાં ભારે ધસારો રહેવાની શક્યતા છે ટ્રેનોમાં પણ પ્રવાહ વધુ રહેશે.જેથી નિગમ દ્વારા વધુ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવે તો સામાન્ય લોકોને હાલાકી નહીં પડે.
Leave a Reply