– MDR ટી.બી. સારવાર માટે સમયાંતરે જારી કરવામાં આવતા સુધારાથી હોસ્પિ.ને વાકેફ કરી તબીબોને અપાતી તાલીમ
– હઠીલા ટી.બી.ના લક્ષણ,સારવાર અને સાવધાની અંગે તબીબોએ આપી માહિતી
ટીબી.ને નાથવા અનેક દવાઓ ઉપલબ્ધ છે,પરંતુ આ દવાઓ જ્યારે ક્ષય રોગના જંતુઓ ઉપર પ્રભાવહીન બની જાય ત્યારે ટી.બી.માત્ર ટી.બી. જ નહીં પણ “હઠીલો” ટી.બી.નો રોગ બની જાય છે.મેડિકલ ભાષામાં કહીએ તો તે MDR (મલ્ટી ડ્રગ્સ રેઝિસ્ટંટ) બની જાય છે. આ MDR એટલે કે હઠીલા ટી.બી.ની સારવાર જિલ્લામાં જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.એમ હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ વિભાગ દ્વારા ૨૪મી માર્ચ વિશ્વ ટી. બી. દિવસ નિમિતે જણાવ્યું હતું.
જી.કે.જન.ના પલ્મોનોલોજિસ્ટ ડો. કલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર,અત્રે ટી.બી.ની સારવાર ઉપરાંત હઠીલા ક્ષયની ખાસ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ક્ષયના દર્દીઓ દવા લેતા હોય છતાં તેની અસર નાબૂદ થવા લાગે ત્યારે દર્દીને દાખલ કરી જરૂરી તમામ ટેસ્ટ કરાવી સારવાર શરૂ કરવામાં આવે છે.
ટી.બી.હઠીલો કેમ બન્યો અને તે કેવી રીતે જાણી શકાય તે અંગે ડૉ.પટેલ અને મેડિકલ ઓફિસર ડૉ.હિમ્મત કતિરાએ કહ્યું કે, MDR માટે બે ટેસ્ટ છે.એક ખૂબ અગત્યનો CBNAAT છે. જો કોઈ દર્દીને હઠીલો ક્ષય થયો છે એવા સંકેત જોવા મળે તો તેનો નમૂનો અત્રે લઈ જિલ્લા ક્ષય કેન્દ્રમાં મોકલવામાં આવે છે. જેથી દર્દીને હાલાકી ના થાય. જ્યારે બીજો ટેસ્ટ ટ્રુ નેટ છે.જે અંહી થાય છે.
MDR ટી.બી. ને નાથવા દેશમાં સંશોધનનો વ્યાપ વધ્યો છે. સતત સુધારાને અવકાશ રહે છે. સારવારના સુધારા મુજબ જ અત્રે અમલીકરણ થાય છે.છેલ્લા બે વર્ષથી અનેક પ્રકારના સુધારા થયા છે. કચ્છમાં એ સુધારાની જાણ જી.કે.માં થાય છે અને તબીબોને તે મુજબ તાલીમ પણ અપાય છે.
હઠીલો ટી.બી.કેવા સંકેત આપે છે એ અંગે અન્ય પલ્મોનોલોજિસ્ટ ડૉ.તૃપ્તિ ગઢવીએ જણાવ્યું કે.સતત ખાંસી, ગળફા આવવાં, ગળફામાં લોહી નીકળે,દર્દીને છાતીમાં પીડા થાય, ભૂખ ન લાગે. વિગેરે સંકેત હોય છે. જે જૂના દર્દીઓમાં વધુ દેખાય છે.આવું થવાનું કારણ શું એ સંદર્ભે તબીબોએ જણાવ્યું કે, સામાન્ય ટી.બી.ના દર્દીઓ અનિયમિત અને અપૂરતી સારવાર લે તો આવું થાય છે.દર્દીઓએ ખોરાકમાં પૌષ્ટિક અને પોષણયુક્ત આહાર લે એ જરૂરી છે.જ્યાં ત્યાં થુકવું નહીં,માસ્ક પહેરવું અને નિયમિત સારવાર લે એ જરુરી છે.
Leave a Reply