– કચ્છમાં ગુરૂવાર સુધી કમોસમી વરસાદની આગાહી જારી
કચ્છમાં સતત પાંચમા દિવસે ભુજ અને રાપર તાલુકાના અમુક ગામોમાં ઝાપટા પડ્યા હતા. જો કે, મોટા ભાગનો જિલ્લામાં માવઠું ન થતાં કિસાનોની સાથે લોકોએ પણ રાહતનો દમ લીધો હતો. દરમિયાન કાલે ગુરૂવાર સુધી કેટલાક સ્થળે કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા જારી રાખવામાં આવી હતી.
મોટા ભાગના કચ્છમાં સવારથી તડકો નીકળ્યો હતો પણ ભુજ તેમજ રાપર તાલુકાના કેટલાક વિસ્તારમાં બપોર બાદ રાબેતા મુજબ માહોલ ગોરંભાયો હતો. ભુજ તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના ઝુરા, જતવાંઢ સહિતના ગામોમાં સાંજે ઝાપટા પડતાં શેરીઓમાંથી પાણી વહી નીકળ્યું હતું તેવું ડો. હાબીબશા શૈયદે જણાવ્યું હતું. રાપર તેમજ તાલુકાના રવ, વ્રજવાણી, ગેડી, બેલાપર, આણંદપરમાં બપોર બાદ છાંટા અને ઝાપટારૂપે માવઠાની હાજરી રહી હતી. દરમિયાન હવામાન વિભાગે પાઠવેલી યાદીમાં હજુ પણ ગુરૂવાર સુધી કેટલાક સ્થળે ભારે પવન અને જાગવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના દર્શાવાઇ છે.
કચ્છભરમાં મહત્તમ પારો 33 ડિગ્રીથી નીચે
છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં આવેલા બદલાવને પગલે ગરમીમાં રાહત અનુભવાઇ રહી છે. મંગળવારે ભુજમાં મહત્તમ તાપમાન 33, નલિયા ખાતે 31.6, કંડલામાં 31.5 તો કંડલા એરપોર્ટ મથકે 32.2 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં ન્યૂનતમ 15.5 ડિગ્રી સાથે શિયાળો શરૂ થતો હોય તેવી ઠંડક અનુભવાઇ હતી. કચ્છભરમાં મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી.
Leave a Reply