કોઈપણ પરીક્ષા જિંદગીની આખરી કસોટી નથી
કરછમાં ધોરણ દસ અને બારની સાથે વિવિધ પરીક્ષાઓનો આજથી તબક્કાવાર પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,પરીક્ષાર્થીઓ એવું ના માને કે જીવનની આ આખરી કસોટી છે,જ્યારે વાલીઓ પણ બાળકની અભિરુચિ અને ક્ષમતા જાણ્યા વિના વધુ પડતી અપેક્ષા ન રાખે એ જ સમાજ અને દેશના હિતમાં છે.
જી.કે.ના મનોચિકિત્સક વિભાગના વડા ડો.મહેશ તીલવાણી અને અન્ય મનોચિકિત્સક ડૉ. શિવાંગ ગાંધીના જણાવ્યા અનુસાર,ક્યારેક કોઈ પરીક્ષામાં ઓછા માર્કસ આવ્યા બાદ પણ જીવનમાં અને કારકિર્દી ઉપર પૂર્ણ વિરામ આવી નથી જતું. આપણી પાસે મહાત્મા ગાંધી,ચર્ચિલ જેવા અનેક દાખલાઓ છે. મહાત્મા ગાંધીને મેટ્રિકમાં ઓછા માર્કસ આવ્યા હતા.છતાં દુનિયા તેમને નમન કરે છે.દરેક બાળકમાં એક ખાસ વાત હોય છે. તેમની તાકાત શક્તિ પિછાણી તેમની જિંદગીનું સંવર્ધન કરવામાં જ દરેકની ભલાઈ છે.
માતા પિતાએ પોતાના બાળકો સર્વશ્રેષ્ઠ બને એવી અપેક્ષા રાખતા હોય છે. વાલીઓ ઈચ્છે તે ફિલ્ડમાં બાળક કદાચ શ્રેષ્ઠ ના પણ બને.બની શકે કે તેમનો રસનો વિષય અલગ પણ હોઈ શકે.દેશને અને સમાજને માત્ર તબીબો કે ઇજનેરોની જ નહિ,સારા
અઘ્યાપકો,ધારાશાસ્ત્રીઓ, શિક્ષકો, રમતવીરો, લેખકો, પત્રકારો, સંગીતકારો, ગાયકો, ગીતકાર, અભિનેતાઓ, મેનેજરો, સનદી અને પોલીસ અધિકારીઓ અરે સારા નેતાઓની પણ જરૂર છે. વાલીઓ અને શિક્ષકોએ બાળકના વ્યક્તિત્વનું નિર્માણ કરવું જોઈએ, સારા સંસ્કાર આપવા જોઈએ તો જ તેઓ દેશ, સમાજ અને કુટુંબ માટે અમૂલ્ય સંપતિ બનશે.
વિદ્યાર્થીઓએ પણ કોઈ બીજા સાથે પોતાની તુલનાત્મક સરખામણી કરવી ના જોઈએ. ડો. તિલવાણીએ કહ્યું કે,જેમકે પરીક્ષામાં અન્ય બાળક પેપર લખે ત્યારે કેટલું બધું જાણે છે એવા ખ્યાલોમાં રહેવાને બદલે પોતાની જાત પર ભરોસો રાખવો જોઈએ.
લઘુતાગ્રથિમાં આવી જઇને ઉલટા નિર્ણયો લેવાની જરૂર નથી.દબાણ, બેરોજગારી, પરીક્ષામાં ફેઇલ થવાનો ભય, એકાકીપણું જેવી બાબતોને તિલાંજલિ આપી, બાળકને જ વાલીઓએ મહત્વ આપવું જોઇએ.
Leave a Reply