– નર્સિંગ સ્ટાફનો નમ્ર વ્યવહાર દર્દીને જલ્દી ઠીક કરે છે
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં આરોગ્યની વિપરીત પરિસ્થિતિ હોય તેવા સંજોગોમાં રાત દિવસ જોયા વગર નાની પાયરીથી લઈને તમામ આરોગ્ય મહિલા કર્મીઓ અને અધિકારીઓએ આપેલી સેવાને વિશ્વ મહિલા દિન નિમિતે બિરદાવતા વક્તાઓએ કહ્યું હતું કે, હોસ્પિટલમાં આવતાં દર્દીઓની આરોગ્ય સુખાકારી જ તેમનું લક્ષ્ય છે.
અદાણી મેડિકલ કોલેજના કોંફરન્સ ખંડમાં યોજયેલા કાર્યક્રમના પ્રારંભમાં બોલતા મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના નર્સિંગ અને હાઉસ કીપિંગ કર્મચારીઓની આરોગ્ય સેવામાં પાયાની ભૂમિકા હોય છે તેઓ તેમના નમ્ર અને સુચારુ વ્યવહારથી દર્દીઓને જલ્દી સાજા કરવાનો પ્રયાસ કરે છે.એટલેજ ચિકિત્સા વ્યવસ્થામાં તેમનું મહત્વનું સ્થાન છે.
આ પ્રસંગે હોસ્પિટલના ક્વોલિટી હેડ રેવતીમનીએ સમાજ ઘડતરમાં મહિલાઓની ભૂમિકા મહત્વની ગણાવી હતી. આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન ડો.એ.એન.ઘોષ, ચીફ મેડી.સુપ્રિ. ડો.નરેન્દ્ર હિરાણી, એડી.ચીફ.મેડી.સુપ્રિ. ડો.વિવેક પટેલ તેમજ વિવિધ વિભાગોના હેડ, તબીબો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ મહિલા દિન નિમિતે ઉપસ્થિત જાણીતા મોટીવેશનલ સ્પીકર લીપી ગોયલે પ્રેરણાત્મક સંદેશો આપતા મેડિકલ જગતને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, જીવનમાં નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવા સમર્પણ, આત્મવિશ્વાસ, ઉત્સાહ અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી.
વિશ્વ મહિલા દિન પૂર્વે સતત સાત દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિજિટલવર્કશોપ, તાલીમ, બચત, આરોગ્ય સંશોધન, પોલીસની સી ટીમ દ્વારા સ્વરક્ષણની તાલીમ ઉપરાંત રમત ગમતમાં ખો.ખો, ટેનિસ, બેડમિન્ટન, રસ્સા ખેંચ, ડ્રામા હરીફાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમો મુખ્ય હતા. આ પ્રસંગે હાઉસ કીપિંગ સ્ટાફ દ્વારા રજૂ થયેલો આરોગ્યલક્ષી ડ્રામા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો
Leave a Reply