– શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સમાપ્ત થઈ ગઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 2 વિકેટથી જીત મેળવી
– હવે ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ રમશે, લંડનના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન રમાશે
ઈતિહાસ રચતા ભારતીય ટીમે સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચથી આ સારા સમાચાર આવ્યા છે. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સમાપ્ત થઈ ગઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 2 વિકેટથી જીત મેળવી છે. તેની સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2023) ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.
ભારત હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારત હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જે પહેલાથી જ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યું છે. આ મેચ લંડનના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન રમાશે. 12 જૂનનો દિવસ આ મેચ માટે રિઝર્વ પણ રાખવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા તેને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો.
ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 2 વિકેટે હરાવ્યું
ઈન્દોર ટેસ્ટમાં ભારતની હારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનું સમીકરણ રસપ્રદ બની ગયું હતું અને ટીમ ઈન્ડિયાને ફાઈનલની ટિકિટ માટે થોડો સમય રાહ જોવી પડી હતી. ઈન્દોર ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાનું સ્થાન નિશ્ચિત થઈ ગયું હતું, પરંતુ ભારતની નિર્ભરતા શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ પર રહી હતી. શ્રીલંકા હાલમાં ન્યુઝીલેન્ડમાં બે ટેસ્ટ મેચની સીરીઝ રમી રહ્યું છે, તેને ફાઇનલમાં પહોંચવા માટે સીરીઝ 2-0થી જીતવી જરૂરી હતી, જે થઇ શક્યું નહીં.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં ટીમ ઈન્ડિયાનું પરફોર્મન્સ
ભારતે આ ચેમ્પિયનશિપમાં કુલ 18 મેચ રમી છે, જેમાં 10માં જીત અને 5માં હાર થઈ છે. જ્યારે 3 ટેસ્ટ ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર રહી, જ્યારે ઓસ્ટ્રેલિયા 19 મેચમાં 11 જીત સાથે નંબર-1 પર રહી . દરેક ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 6-6 સિરીઝ રમવાની હતી, જેમાં 3 ઘરઆંગણે અને 3 વિદેશમાં હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં ભારતીય ટીમનું પ્રદર્શન
– ઈંગ્લેન્ડ સામેની 4 ટેસ્ટ શ્રેણી 2-2 થી બરાબર થઈ હતી.
– 2 ટેસ્ટની ઘરેલુ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યું
– દક્ષિણ આફ્રિકા સામેની 3 ટેસ્ટ શ્રેણીમાં 1-2થી પરાજય
– 2 ટેસ્ટની ઘરેલુ સિરીઝમાં શ્રીલંકાને 2-0થી હરાવ્યું
– બાંગ્લાદેશને 2 ટેસ્ટ શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું
– ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી 4 ટેસ્ટની ઘરેલુ સિરીઝમાં 2-1ની લીડ
Leave a Reply