– સ્થૂળતા જીવનશૈલી અને દિનચર્યામાં ફેરફાર કરવાથી ઘટાડી શકાય
વધુ પડતો ખોરાક લેવાય અને તે મુજબ શ્રમ ન થાય તો શરીરમાં ચરબી જમાં થાય જે છેવટે શારીરિક વિકારમાં પરિણમે છે અને આગળ જતાં બીમારીનું જોખમ વધી જાય છે.પુરુષની માફક મહિલાઓ અને હવે તો બાળકો પણ આ રોગના શિકાર થઈ રહ્યા છે.
જી.કે.જન.અદાણી હોસ્પિટલના મેડિસન વિભાગના ડૉ.યેશા ચૌહાણે વિશ્વમાં ૪થી માર્ચના રોજ ઉજવાતા “વિશ્વ સ્થૂળતા દિવસ” નિમિતે જણાવ્યું કે, આ વિકારનું કારણ આરામદાયક જીવનશૈલી, અસંતુલિત ખાણી-પીણી, ક્યાંક દવાઓનો દુષ્પ્રભાવ, તેમજ આનુવંશિક પરિબળો જવાબદાર છે. ચરબી વધે એટલે વજન વધે જેથી વિભિન્ન અંગોની કાર્યપ્રણાલી ખોરવાઈ જાય પરિણામે ચયાપચય (મેટાબોલિઝ્મ),ઇન્સ્યુલીન તથા હોર્મોન્સમાં ફેરફાર થવાથી બીપી, ડાયાબિટીસ, હાર્ટ, કેન્સર, દમ અને ઊંઘની સમસ્યા તેમજ સાંધા અને હાડકાંની સમસ્યા સર્જાય છે.
સ્થૂળતા વધવાના કારણ અંગે તેમણે વાત કરતા જણાવ્યું કે, ફસ્ટફૂડ, કોલ્ડડ્રીંક, મીઠાઈ, તેલ, ઘી ઉપરાંત જીવનશૈલી જેમકે, બેઠાડુજીવન, શારીરિક પરેશાની જેમાં થાયરોઈડ અને હોર્મોન્સની અસમતુલાથી પણ વજન વધે છે. ચિંતા અને તણાવ પણ કારણભૂત ગણાય છે.
જીવનશૈલી અને દિનચર્યામાં ફેરફાર કરવાથી વજન ઘટાડી શકાય છે. સ્વાસ્થ્યપ્રદ ખોરાકથી અને નિયમિત વ્યાયામથી મોટાપણું ઘટી શકે છે. રોજ કમસેકમ ૩૦મિનિટ ઝડપી વોક કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. કોઈ એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવું જોઈએ નહીં, માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે રોજ ૬ થી ૮ કલાક સુધી ઊંઘ લેવી જરૂરી છે. આવું કરવા છતાં વજન ઘટે નહીં તો ચિકિત્સક અને ડાયેટિશ્યનની સલાહ લેવી જોઈએ. આવી કેટલીક બાબતોને જીવનશૈલીનો ભાગ બનાવી લેવાય તો ખુશહાલ જીવન જીવી શકાય.
Leave a Reply