– આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023ને સુસંગત કાર્યક્રમનું સફળ આયોજન
અદાણી ફાઉન્ડેશન, આત્મા અને જિલ્લા ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે મુંદ્રા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો. 2023ની આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી મબલખ કમાણી કરે અને લોકોને પોષકતત્વો સભર ખોરાક મળી રહે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના ખેતીવાડી વિભાગના અધિકારીઓ, સહિત મોટી સંખ્યામાં ગ્રામસેવકો અને ધરતીપૂત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આપણે સહુ જાણીએ છીએ કે, પ્રાકૃતિક ખેતી આરોગ્યપ્રદ અને પર્યાવરણમિત્રની ગરજ સારે છે. પ્રકૃતિને જેટલું ઝેર(રાસાયણિક ખાતર) ઓછું આપીશું એટલું જ માનવ હિત જળવાશે. આવા ઉમદા વિચારો સાથે શાંતિવિહાર ખાતે પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા ખેતીવાડી અધિકારી કે. ઓ. વાઘેલાએ જણાવ્યું હતું કે “દેશમાં પ્રાકૃતિક ખેતીને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે કચ્છ જીલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીને સમજશે તો તેનો વ્યાપ વધશે અને આ દિશામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા પ્રયત્નો પ્રસંશનીય છે”.
દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે તેવામાં જિલ્લા મદદનીશ ખેતી નિયામક પી.કે. પટેલે ચાલુ વર્ષે ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા હાંકલ કરી હતી. તો અદાણી ફાઉન્ડેશનના ગુજરાત એકમના સી.એસ.આર. વડા પંક્તિબેન શાહે પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનર્થે એડીચોટીનું જોર લગાવતા કાર્યકરોને બિરદાવી સમાજને તંદુરસ્ત ખોરાક પૂરો પાડવાની નેમ વ્યક્ત કરી હતી..
કાર્યક્રમના પ્રારંભે ગૌમાતાને તિલક કરીને આત્મા ભુજ ના પ્રોજેકટ ઓફિસર કલ્પેશભાઇ મહેશ્વરીએ ખેડૂતોને પ્રાસંગીક વક્તવ્ય આપ્યું હતું.અદાણી ફાઉન્ડેશન તરફથી સ્થાયી આજીવિકા કાર્યક્રમના વડા માવજીભાઈ બારૈયાએ પ્રાકૃતિક ખેતીમાં ગાયની ભૂમિકા, તેનું ધાર્મિક અને આર્થિક મહત્વ તથા પ્રાકૃતિક ખેતી શા માટે તે અંગે વિસ્તૃત માહિતી આપી ગૌસંવર્ધન માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ પણ બહુમૂલ્ય વિચારો થકી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
ખેતપેદાશોનું મૂલયવર્ધન કરી બજાર સુધી પહોચાડનાર હિતેષભાઇ વોરાએ અનુભવો સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી તેને ઘર આંગણે તૈયાર કરવાની તરકીબો સમજાવી હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રાકૃતિક ખેતી કેલેન્ડર અને પ્રાકૃતિક ખેતી માટે સર્વશ્રેષ્ઠ પ્રવાહી ખાતર જીવામૃતનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
Leave a Reply