અર્થકારણના ઉંડા અભ્યાસુ અને ભારતના પ્રસિધ્ધ કટાર લેખક શ્રી સ્વામિનાથન એસ.અંકલેશ્વરીયા ઐયરનો અદાણી ગૃપ સંબંધી શોર્ટ સેલર હિન્ડનબર્ગના રીપોર્ટ કેન્દ્રીત એક લેખ તા.23મીના ગુરુવારના ‘ઇકોનોમિકસ ટાઇમ્સ’ દૈનિકમાં પ્રસિધ્ધ થયો છે. આ રિપોર્ટની આડમાં ગુજરાતમાં ‘કોર્પોરેટ ખેલ’ પણ ખેલાઇ રહ્યો છે. આવા ખેલ અને તેની પાછળના ખેલૈયાઓથી શાણા ગુજરાતીઓ સારી રીતે વાકેફ છે એટલે શ્રી અંકલેશ્વરીઆ ઐયરે કરેલા આ રીપોર્ટના આકલનના મહત્વના અંશો બજારના જાણકારો અને રોકાણકારોના ઉચાટ અને ચિંતાના ઉભરાને હળવો કરશે તે આશયથી સાભાર પ્રસ્તુત કરવાનું ઉચિત માનીએ છીએ. લેખક શ્રી સ્વામિનાથને 2006માં બંદર આધારીત ગુજરાતના વિકાસની નવી વ્યુહ રચના વિશે કેટો ઇન્સ્ટિટયૂટ માટે સંશોધન પેપર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે સૌ પ્રથમવાર 1990ના વર્ષની શરુઆતમાં તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલે બંદર આધારીત ગુજરાતના વિકાસની વ્યુહ રચના અમલમાં મૂકી હતી ત્યારબાદ ભાજપની ઉત્તરોત્તર સરકારોએ તેને આગળ વધારી હતી. સ્વ.ચિમનભાઈ પટેલ પોતે અર્થશાસ્ત્રના પ્રોફેસર રહી ચૂક્યા હતા. સંશોધનના ભાગરુપે અંકલેશ્વરીયાએ ગૌતમ અદાણીના નવા મુંદ્રા પોર્ટની મુલાકાત લીધી હતી ત્યારે પોર્ટમાં ગોઠવવામાં આવેલી ઉચ્ચકક્ષાની સ્વયં સંચાલિત અને ઝડપી યાંત્રિક વ્યવસ્થા જોઇ તેઓ દંગ રહી ગયા હતા. તેમને એ સાંભળીને વધારે આશ્ચર્ય થયું કે અહીં આવતા શિપને સમયસર પ્રવેશ કે ખાલી કરવામાં ના આવે તો તે માટે નાણાંકીય વળતર આપવામાં આવે છે. તેઓ 1990માં જ્યારે મુંબઈમાં કામ કરતા હતા ત્યારે ઘણા શિપને પ્રવેશ માટે વીશ દિવસ રાહ જોવી પડતી હતી એ તુલનાએ મુંદ્રા પોર્ટ તો એક અન્ય પ્લેનેટ ઉપર હોવાનું લાગ્યું હતું.
અદાણીની કંપનીઓએ કિંમતની મોટા પાયે હેરાફેરી કરીને છેતરપિંડી કરી હોવાનો હિન્ડનબર્ગ રીસર્ચ રીપોર્ટમાં આક્ષેપ કર્યો છે. આરોપો ગંભીર છે. વિશ્વના રોકાણકારોએ અદાણીના શેરોમાંથી બહાર નીકળી જવા ધસારો કર્યો હતો. આપણે એક તલસ્પર્શી તપાસ કરવાની અને કસૂરવારને શિક્ષા થાય તે જરુરી છે.
હવે આ બાબતને અલગથી સાંકળતો મુદ્દો હું ઉઠાવું છું. અદાણીના ટીકાકારો કહે છે કે તેમણે કાબેલિયતથી નહીં પરંતુ ચાલાકી અને રાજકીય તરફેણ દ્વારા આરામદાયક એકાધિકારમાં નાણાની ટંકશાળ બનાવવાનો રસ્તો પસંદ કર્યો. આ વાત સાથે હું અસહમત છું. કારણ કે એક નમ્ર પરિવારમાંથી બે દાયકામાં વિશ્વના ત્રીજા નંબરના સ્થાન ઉપર પહોંચવું વેપારની અપવાદરુપ આવડત વિના અશક્ય છે. બંદરોથી ખાણો અને એરપોર્ટથી લઇ ટ્રાન્સમિશન લાઇનોની કિંમતી મિલકતો અદાણીને આપી રહી હોવાનો ભાજપ ઉપર ટીકાકારો આક્ષેપ કરે છે. ના, શરુઆતમાં સરકારે અદાણીને કચ્છના રણમાં નાનું સરખું રેલ્વે જોડાણ સિવાયના એક લઘુ બંદર ચલાવવાનો અધિકાર આપ્યો હતો. રણના આ એક ટુકડાને ભારતનાં સૌથી મોટા બંદરમાં પરિવર્તીત કરવો એ એક ચમત્કાર જેવું છે.
અદાણીએ પોર્ટ ક્ષેત્રના વિશ્વના દીગ્ગજ મર્કસ અને દુબઇ પોર્ટ વર્લ્ડ જેવી કંપનીઓને સ્પર્ધાત્મક હરરાજીઓમાં માત આપીને અન્ય એક ડઝન સ્થળોએ જેટીઓ અને બંદરો હસ્તગત કર્યા છે. કુલ ભારતીય ફ્રેઇટના અંદાજે ત્રીજા ભાગના કાર્ગોનું હેન્ડલિંગ કરનાર બેશક ભારતના ટોચના પોર્ટ ઓપરેટર છે. આ બાબત તેમને નેશનલ ચેમ્પિયન બનાવે છે.
આથી જ ભારત સરકાર તેમને શ્રીલંકા અને ઇઝરાયેલમાં વ્યુહાત્મક જેટીઓ અને બંદરો હસ્તગત કરવા ટેકો આપી રહી છે. ટીકાકારો તેને એક તરફેણ કહે છે. ખરેખર શ્રીલંકાના ટર્મિનલની કિંમત $ 750 મિલીઅન અને ઇઝરાયેલના હાઇફા પોર્ટની $ 1.18 બિલીઅન થશે. ભારતના કોઇ પ્રતિસ્પર્ધીને તાસકમાં આ જેટી કે પોર્ટ ઓફર કરવામાં આવ્યા હોત તો પણ આટલું મોટુ જોખમ લેવાની કોઇએ હિંમત કરી ના હોત. અદાણીની કૂનેહે જ તેમને માત્ર બિજનેસમેન નહી પરંતુ એક વ્યુહાત્મક ખેલાડી બનાવ્યા છે.
એક બંદર એ આરામદાયી એકાધિકાર નથી પરંતુ સ્થાપિત હરીફો પાસેથી લોજીસ્ટિક અને ભાવની દ્રષ્ટિએ શિપને આકર્ષવા માટે પણ હરીફાઈનો સામનો કરવો પડે છે. મુંદ્રાના લોજીસ્ટીકસે આ રણ પ્રદેશમાં ઔદ્યોગિક હબનું નિર્માણ કરવા હજારો કરોડો રુપિયાના વેપારી રોકાણો આકર્ષ્યા છે. આજે મુંદ્રામાં દુનિયાની સૌથી મોટી સ્વયં સંચાલિત કોલ હેન્ડલિંગ ફેસીલિટી છે એવું મોર્ગન સ્ટેન્લીના 2017ના અહેવાલમાં જણાવાયું છે. જે અનુસાર અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન દુનિયાની 25% પોર્ટ કંપનીઓમાં સ્થાન ધરાવે છે.
ટીકાકારોનું લક્ષ્ય માત્ર સરકારની અદાણીને તરફદારી ઉપર કેન્દ્રિત છે. ભારતમાં બિઝનેસની સફળતા માટે ફકત ફેકટરીઓનું જ નહી પરંતુ રાજકીય વ્યવસ્થાપન પણ જરુરી છે. તમામ બિઝનેસમેન રાજકારણીઓ સાથે ઉષ્માભર્યા સંબંધો ધરાવતા હોય છે. પરંતુ જ્યારે આ દરવાજાઓ ખુલે છે અને કેટલાક નિયમો ઓળંગાય છે તો પણ બિઝનેસની સફળતાની ગેરેન્ટી આપી શક્તા નથી. રાહુલ ગાંધીએ અનેકવાર અનિલ અંબાણીએ રક્ષા સોદાઓમાં €10000 કરોડ મેળવ્યાના આક્ષેપો કર્યા હતા. છતાં પણ તેઓ વ્યાપારિક નિષ્ફળ ગયા.
ભૂતકાળમાં એક વખત ધીરુભાઈ અંબાણી ઉપર પણ રાજકીય ચાલાકીના આક્ષેપો થયેલા ત્યારે તેમણે જવાબ આપેલો કે ” મેં જે કર્યું છે તેવું અન્ય કયા બિઝનેસમેને નથી કર્યું? “તેનો કોઈ જવાબ ન્હોતો. અનેક બિઝનેસમેન પૈકીના ઘણા મહારથીઓએ રાજકારણીઓ સાથે ઘરોબો રાખીને કામો કરાવ્યા હશે. ધીરુભાઈ જેવા નવા આગંતુકે જૂના મહારથીઓને તેમની જ રમતથી હંફાવીને પોતાની કાબેલિયત સાબિત કરી હતી. અદાણી માટે પણ કંઇક આવું જ કહી શકાય.
ધીરુભાઈના શંકાસ્પદ કૃત્યોની વિગતો હમીશ મેકડોનાલ્ડના 1996ના ‘ધ પોલીએસ્ટર પ્રાઇઝ’ પુસ્તકમાં છે. તેઓ માત્ર સફળ ચાલબાજ હતા તેવું વિચારતા ટીકાકારો સરાસર જૂઠા છે. લાયસન્સ પરમિટ રાજ દરમિયાન ચાલાકી એ ન છટકી શકાય તેવી વાત હતી. પરંતુ જ્યારે અર્થતંત્રનું ઉદારીકરણ થયું ત્યારે તેમણે દુનિયાની સૌથી મોટી નિકાસ પ્રેરીત તેલ રીફાઇનરીનું સિંગાપોરની ઓઇલ રીફાઇનરી કરતા ઉંચા ઓપરેટીંગ માર્જીન સાથે નિર્માણ કરીને પોતાની વિશ્વ કક્ષાની કાબેલિયત પુરવાર કરી. ટેલીકોમ ક્ષેત્રમાં પણ તેમણે તરફદારી મેળવી પરંતુ વિશ્વમાં સૌથી સસ્તું ટેલીફોન નેટવર્ક પણ સ્થાપ્યું. તેમની ચાલાકી ઉપર ફોકસ રાખનારા તેમના ટીકાકારો વૈશ્વિક સ્તરે તેમની અદભૂત કૂનેહ સામે અંધ બની જાય છે. અદાણી પણ આ માર્ગે ચાલી રહ્યા છે.
ટીકાકારો કહે છે કે અદાણી મુખ્યત્વે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સોદાઓ કરે છે કે જેમાં તેમની કૂશળતા કરતા સરકારની ભૂમિકા અહમ હોય છે. ના, પ્રાદેશિક સ્તરે મજબૂત રાજકીય સાંઠગાંઠ ધરાવતા નવા ડઝનબંધ ઉદ્યોગપતિઓ 2006-2008ના વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રકચર તરફના ઝૂકાવના ઉછાળામાં જોડાયા હતા. પરંતુ મજબુત રાજકીય ઓથ હોવા છતાં ઘણાં લોકો મુશ્કેલીમાં મૂકાવા સાથે બેંકો ઉપર જંગી દેવું છોડીને ભાગી ગયા હતા. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સફળતા માટે રાજકીય મિત્રોની નહીં પણ કૌશલ્યની જરૂર છે. વાચકને લાગશે કે હું અદાણીનો મહાન પ્રશંસક છું. પરંતુ ઊંચા ભાવ અને ઊંચા જોખમને કારણે મારી પાસે અદાણી કંપનીના કોઈ શેર નથી. અદાણી હરાજી અને એક્વિઝિશનમાં ખૂબ ઊંચા ભાવે ધિરાણ મેળવી લીધેલા નાણાનો બિડિંગમાં ઉપયોગ કરીને અસાધારણ ઝડપે વૈવિધ્યીકરણ અને વિસ્તરણ કરી રહ્યા છે. જે ઝડપી વિસ્તરણની સુવિધા આપે છે પરંતુ સાથે મસમોટું જોખમ પણ વહન કરે છે. ઇતિહાસમાં અનેક બિઝનેસ ટાઇટન્સનાં ઉદાહરણો છે કે જેમણે થોડા દાયકાઓ સુધી તાળીઓના ગડગડાટ વચ્ચે વિશાળ સમૂહ બનાવવા માટે ઉત્સાહથી વૈવિધ્યીકરણ કર્યું.
પરંતુ આખરે એક પછડાટ આવી (જેમ કે જેક વેલ્ચ હેઠળ જનરલ ઈલેક્ટ્રીક) તેથી મને લાગે છે કે હિંડનબર્ગ રિપોર્ટ કદાચ અદાણી સાથે બનેલી શ્રેષ્ઠ બાબત છે. તે તેના વિસ્તરણ અને વૈવિધ્યકરણની કામગીરીને ધીમી જરુર કરશે અને તેના ફાઇનાન્સરોને ભવિષ્યમાં મહેનતું અને સાવધ રહેવા દબાણ કરશે. આ રીપોર્ટ એક રીતે અદાણીના પોતાના ફાયદા માટે અત્યંત અને ઇચ્છનીય નાણાકીય શિસ્ત લાદી શકે છે.
હિંડનબર્ગ એ છૂપા વેશમાં આશીર્વાદ હોઇ શકે છે અથવા વિન્સ્ટન ચર્ચિલના શબ્દોમાં ’ તેની પત્નીએ યુદ્ધ પછીની ચૂંટણીમાં તેની હાર પછી તેને ઉત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું ‘એક આશીર્વાદ તદ્દન અસરકારક રીતે છૂપાયેલા હતા’
એક દિવસ હું ખરેખર કદાચ અદાણીના શેર ખરીદીશ.
Leave a Reply