– તાકિદના સમયમાં લાઇફ સપોર્ટની સ્કિલથી જીવનરક્ષાનો દર વધારી શકાય
ક્યારેક કોઈને હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેમજ બાળકો માટે એકાએક જીવન-મરણનો પ્રશ્ન ઊભો થાય ત્યારે તેમને જીવન આધાર અર્થાત્ લાઇફ સપોર્ટ તાત્કાલિક મળી રહે એ હેતુસર અદ્યતન તબીબી પ્રક્રિયા, ટેકનિક અને દવાનો ઉપયોગ સમયસર કરીને દર્દીને બચાવી લેવાની અમદાવાદના નિષ્ણાત તબીબ દવારા જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટર્સ, કન્સલટન્ટ તબીબો અને નર્સિંગ સ્ટાફને લાઇફ સપોર્ટ માટે તાલીમબદ્ધ કરાયા હતા.
અદાણી મેડિકલ કોલેજની આધુનિક સ્કિલ લેબમાં આયોજિત બે દિવસની આ તાલીમમાં બેઝિક લાઇફ સપોર્ટ, એડવાન્સ કાર્ડિયાક વાસ્કયુલર લાઇફ સપોર્ટ અને પીડિયાટ્રીક એડવાન્સ લાઇફ સપોર્ટની તાલીમ અમદાવાદના નિષ્ણાંત ડૉ.સંજય શાહે અને તેમની ટ્રોમા ટીમે આપી હતી.
તાલીમ દરમિયાન નિષ્ણાંત ટીમે કહ્યું કે, તબીબો અને નર્સિંગ સ્ટાફને વિકસિત અતિ આધુનિક ટેકનિક કૌશલનું જ્ઞાન પ્રાપ્ત થાય તો જીવન રક્ષાનો દર વધારી શકાય.નર્સિસની ભૂમિકા પણ તબીબ જેટલીજ મહત્વપૂર્ણ હોતાં આ ક્ષેત્રે તેમનું યોગદાન બેવડાઈ જાય છે.
જી.કે.ના ડાયરેક્ટર ડૉ.બાલાજી પિલ્લાઈ, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.નરેન્દ્ર હિરાણી અને અદાણી કોલેજના ડીન ડૉ. એ.એન. ઘોષના માર્ગદર્શન હેઠળ અને તેમની ઉપસ્થિતિમાં તાલીમ યોજાઈ હતી. મેડિકલ કોલેજની આધુનિક સ્કિલ પ્રયોગશાળામાં આ અંગેના ઉપકરણો મોજૂદ હોવાથી આ તાલીમ તબીબો માટે ઉપયોગી પુરવાર થવાની છે.
Leave a Reply