– બદલતા વાતાવરણમાં શરદી,ખાંસી ઉપરાંત સ્વાઇન્ફ્લ્યુથી પણ સાવધાની
– કફ સીરપ તબીબની સલાહ સિવાય ના લેવા માર્ગદર્શન
વાતાવરણમાં થોડું પણ તાપમાન વધે એ સાથે ગરમ કપડાં હડસેલી દેવામાં આવે છે, પરંતુ આ અસાવધાની સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી કારણ કે ઠંડી સંપૂર્ણપણે દૂર થઇ ન હોવાથી શરદી, ખાંસી સાથે વાયરલ ઉપરાંત સ્વાઇનફ્લૂ પણ દેખાતો હોવાથી બદલાતા મોસમમાં વધુ સાવચેત રહેવાની સલાહ અદાણી જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડો જયેશ ત્રિવેદીએ આપી છે.
ડો.ત્રિવેદીના જણાવ્યા મુજબ શિયાળો તેની ચરમસીમાએ હોય ત્યારે સૂર્યપ્રકાશમાં વિટામિન ડી નું પ્રમાણ વધુ હોય છે અને તાપમાન ઊંચકાય તો આ વિટામિનની માત્રા સૂર્ય પ્રકાશમાં ઘટે છે, એ હિસાબે પણ રોગપ્રતિકારક શક્તિ વિચલિત થાય છે. જેથી રોગનું પ્રમાણ વધે છે. એટલું જ નહિ, ઠંડા વાતાવરણમાં શરીરના પ્લેટલેટ્સ ચોંટી જવાની પ્રક્રિયા થતી હોવાથી અનેક વિસંગતતા ઉભી થાય છે.
આવા વાતાવરણમાં અને ખાસ કરીને સવાર સાંજ ઠંડકનું પ્રમાણ બપોર કરતાં વધુ હોવાથી મગજમાંથી નીકળતા કેટલાક ગ્રોથ હોર્મોનની માત્રા વધુ હોય છે. એવા સંજોગોમાં ઘણી વખત હૃદયરોગ, લકવા વિગેરેના બનાવો પણ જોવા મળતા હોય છે. આ ઉપરાંત આ ઋતુમાં ચરબીયુક્ત ખોરાક લેવાનું પ્રમાણ પણ વધી જતું હોય છે તેને લીધે પણ શરદી ખાંસી અને વાયરલ દેખાય છે.
જી.કે.જનરલ હોસ્પિટલના તબીબે કહયું કે, ઘણીવાર ખાંસીગ્રસ્ત દર્દી કોઈના કહેવાથી અગર જાતે જ કફ સીરપ લઇ સારવાર શરુ કરી દે છે, આ બાબત પણ તંદુરસ્ત નથી. કારણકે તેમાં રહેલા તત્વો, જો યોગ્ય નિદાન અને સમજ વગર લેવાય તો નુકસાન વધુ કરી શકે છે. આમ તબીબની સલાહ સિવાય જાતે કફ સીરપનો ઉપયોગ ના કરવા જણાવાયું છે , જોકે આ સીરપ જ નહિ કોઈપણ દવા ડો.ની સલાહ શિવાય લેવી હિતાવહ નથી.
Leave a Reply