રક્તપિત્ત પૂર્વ જન્મના પાપ કે શાપ નથી.વારસાગત પણ નથી.કોઈને પણ થઈ શકે.જો સમયસર નિદાન અને નિયમિત સારવાર લેવાય તો ચોક્કસ લેપ્રસી કે રક્તપિત મટી શકે છે, તેવા ઉદ્દેશ સાથે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૫૦દર્દીઓને નિયમિત સારવાર આપવામાં આવી હતી, એમ હોસ્પિટલના સ્કિન વિભાગના તબીબોએ વર્લ્ડ લેપ્રસી ડે(૩૦જાન્યુ.)નિમિતે જણાવ્યું હતું.
જી.કે.જન.હોસ્પિ.ના.સ્કિન વિભાગના આસિ.પ્રો.ડૉ. જુઈ શાહ તેમજ સિની.રેસી.ડૉ.ઐશ્વર્યા રામાણીએ જણાવ્યું કે,રક્તપિતથી પરેશાન થવાની જરૂર નથી.તેનું નિદાન જી.કે.જનરલ ઉપરાંત આરોગ્ય કેન્દ્રોમાં વિના મૂલ્યે થાય છે.જી.કે.માં ૫૦ દર્દીની સારવાર સાથે ૧૩ દર્દીઓને તો રાહત પછી મુક્ત પણ કર્યા છે(રિલિઝ ફ્રોમ ટ્રીટમેન્ટ).વ્યક્તિમાં રક્તપિતની માત્રા પ્રમાણે સારવાર થાય છે.ઓછું પ્રમાણ હોય તો પીબી અને વધુ હોય તો એમબી મુજબ દવા(બ્લિસ્ટર પેક) વિના મૂલ્યે આપવામાં આવે છે.
રક્તપિત્ત છે, એ કેમ જાણી શકાય એ અંગે તબીબોએ જણાવ્યું કે,ચામડી પર ચાઠું પડે છે.જે સામાન્ય ચામડી કરતા આછા રંગનું હોય છે.એકથી વધુ ચાંઠા હોઈ શકે.તેનો વિકાસ ક્રમશ: થાય છે. ચાંઠા ઉપર ખંજવાળ આવતી નથી. હાથ પગમાં વિકૃતિ હોઈ શકે. તેમજ હાથ પગના આંગળામાં સ્પર્શ અનુભવી ન શકાય.એમ ડૉ. દીપાલી વડુકુલ, ડો.કિંજલ પટેલ વીગેરેએ માહિતી આપી હતી.
રક્તપિત્ત એક પ્રકારના માયક્રો બેક્ટેરિયમ લેપ્રી જંતુ દ્વારા થાય છે.તે મુખ્યત્વે ચામડી અને ચેતાતંત્ર ઉપર અસર કરે છે.દુનિયાભરમાં દર વર્ષે લગભગ બે લાખ વ્યક્તિઓ આ રોગનો શિકાર બને છે.રક્તપિત વિષે અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે.માટે જ સમાજને ઉપયોગી બને તે રીતે તેમનો સ્વીકાર કરી,તેમને મદદ કરવાના ભાગરૂપે ૩૦મી જાન્યુઆરીના દિવસે આ ઉજવણી કરવામાં આવે છે. રક્તપિત્તની નાબૂદી માટે “એક્ટ નાઉ: ઍન્ડ (end) લેપ્રસી”થીમ અર્થાત્ લેપ્રસીના ખાતમા માટે અત્યારથી જ પહેલ કરો.
જી.કે.જનરલ હોસ્પિટલના ચામડી વિભાગના તબીબોએ આ દિવસ નિમિતે આયોજિત રાજ્યકક્ષાના વિવિધ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને જાગૃતિ માટે પાંચ મિનિટની એક સ્કીટ પણ તૈયાર કરી છે, એમ ડૉ.કૃણાલ, ડૉ.મીરા, ડો.માનસી અને ડૉ.પ્રેરકએ માહિતી આપી હતી.
Leave a Reply