– આ બ્લડ સ્ટોરેજ સેન્ટર સંકટ સમયની સાંકળ બનશે
– મુંદ્રાની આસપાસના 30 ગામોને ‘રક્ત સંજીવની’ની ભેટ
અદાણી ફાઉન્ડેશન અને CHC સંયુક્ત ઉપક્રમે મુંદ્રામાં રક્ત સંગ્રહ કેન્દ્રનો પ્રારંભ થયો છે. મુંદ્રા સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ સ્ટોરેજ સેન્ટરનું જીલ્લા આરોગ્ય અધિકારીના આર.આર. ફુલમાની વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બહુપ્રતિક્ષિત રક્ત સંગ્રહ કેન્દ્રનો પ્રારંભ થતા હવે મુંદ્રાની આસપાસ વસતા 30 ગામોને તેનો લાભ મળશે. વળી મેડિકલ ઈમરજન્સીના સમયે લોકોને ભૂજ સુધી લાંબુ થવુ નહીં પડે. આ નવતર સુવિધાથી જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે રક્ત સંજીવની મળી રહેશે.
રેફરલ હોસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે APSEZના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ અને સુપ્રિટેન્ડેન્ટ મંથન ફફલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલમાં નવા બ્લડ સ્ટોરેજ સેન્ટરમાં 40 યુનિટ સુધી સંગ્રહ કરી શકાય છે. વળી તેને આધુનિક બનાવવા માટે તમામ મશીનોના કેલિબ્રેશન ચોકસાઈપૂર્વક કરવામાં આવ્યા છે. ઈમરજન્સીના સમયે તાત્કાલિક રક્ત મળી રહે તે માટે આ સુવિધા 24x7 ચાલુ રાખવામાં આવી છે.
ઉદઘાટન પ્રસંગે અદાણી ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવતા સુપ્રિટેન્ડેન્ટ મંથન ફફલે જણાવ્યું હતું કે “ આ બહુપ્રતિક્ષિત સુવિધાથી મુંદ્રા અને આસપાસના લોકોને લાભ થશે, આપણે રક્તદાન મહાદાનની ઉપમા સાંભળતા આવ્યા છીએ, પરંતુ જો તે યોગ્ય સમયે ન મળે તો, દર્દીનો જીવ જોખમમાં મુકાય છે અને ક્યારેક પણ મોત પણ નીપજે છે તેવામાં આ રક્ત સંગ્રહ કેન્દ્ર લોકો માટે સંજીવની બની જીવ બચાવવાનું કામ કરશે”
મુંદ્રા તાલુકામાં એકમાત્ર એવા આ રક્ત સંગ્રહ કેન્દ્રમાં કોઈપણ વ્યક્તિ લાભ લઈ શકે છે. માનવ શરીરની યોગ્ય કામગીરી માટે લોહીની અત્યંત આવશ્યક છે. રોડ અકસ્માતમાં, શસ્ત્રક્રિયામાં, પ્રસૂતિ સમયે કે ગંભીર ઈજાગ્રસ્ત દર્દીઓ માટે આ કેન્દ્ર રક્ત સંજીવની કેન્દ્ર બની રહેશે. વળી હોસ્પિટલમાં કોઈપણ ક્ષણે રક્તની આવશ્યકતા ઊભી થાય કે કટોકટી સર્જાય તો રક્તની ઇમરજન્સીને પહોંચી વળવામાં મદદ મળશે.
Leave a Reply