– સાવધાન કે-ઔદ્યોગિક નગરીમાં સાયબર માફિયાઓ થયા સક્રિય
– ઘર સામાન ભરવા ટ્રક ભાડે મોકલ્યા બાદ ભાડા વસૂલી વખતે થઇ છેતરપિંડી
હાલ દેશમાં ચોમેર સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવાના ભરપુર પ્રયાસો જારી હોવા છતાં સમયાંતરે ઠગાઈના કિસ્સા સામે આવી રહ્યા છે.ત્યારે હવે આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા ઔદ્યોગિક નગર મુન્દ્રામાં પણ સાયબર માફિયાઓએ પગપેસારો કર્યો હોવાનો બનાવ ટ્રાન્સપોર્ટર ની થયેલ 1.60 લાખની ઠગાઈ પરથી સામે આવ્યો હતો.ઘટનાક્રમની વિગત મુજબ મુન્દ્રામાં પરિવહન ઉદ્યોગ સાથે સંકળાયેલા ઇબ્રાહિમ વોરા ના કર્મચારીને 31/12 ના રોજ એક મોબાઈલ કોલ આવ્યો હતો.અને સામેવાળાએ પોતાની ઓળખ આર્મી ઓફિસમાંથી બોલતો હોવાની આપી તેમને અમદાવાદ આર્મી કોલોનીમાંથી ઘર સમાન ભરી ભુજ ખાલી કરવાનું કહ્યું હતું.
ઓર્ડરના પગલે ઈબ્રાહિમે અમદાવાદ ટ્રક રવાના કર્યા બાદ તેને આર્મી કોલોનીમાં પ્રવેશ મળ્યો ન હતો.અંતે ફરી મોબાઈલ કરનારનો સંપર્ક સાધી 12000 રૂ ભાડાની ઉઘરાણી કરતાં સામેથી પોતાના માણસનો નંબર આપી તેનો સંપર્ક કરવા જણાવાયું હતું.સૂચિત વ્યક્તિનો સંપર્ક સાધતા તેણે બારકોડ મોકલાવી ખાતાની ખરાઈ માટે 5 રૂ ટ્રાન્સફર કરવાનું કહી બાદમાં તેના પર ભાડાની રકમ મોકલવાનો જાસો આપ્યો હતો.ઇબ્રાહિમે પાંચ રૂ ટ્રાન્સફર કર્યા બાદ થોડી વારમાંજ ખાતામાંથી મર્યાદા મુજબ 80000 રૂ ઉપડી ગયા હતા.
જેને લઇ ઠગ સાથે બોલચાલ થયા બાદ તેણે રકમ પરત મેળવવા ફરી બારકોડ મોકલ્યો હતો.ત્યારે ઇબ્રાહિમે સાવચેતી વર્તવા ને બદલે ફરી મિત્ર ના ખાતામાંથી પાંચ રૂ ટ્રાન્જેક્શન કરતાં તેના એકાઉન્ટ માંથી પણ 80000 ઉપડી ગયા પછી બંન્ને ને છેતરાઈ ગયા હોવાનું ભાન થતાં હવે સમગ્ર મામલો સાયબર ક્રાઇમ ના દ્વારે પહોંચ્યો છે.સમગ્ર કિસ્સામાં નોંધનીય બાબત એ છે કે હજી પણ છેતરપિંડી કરનાર નો મોબાઈલ નંબર રણકી રહ્યો છે.
Leave a Reply