– બી.આર.સી ભવન દ્વારા મુન્દ્રા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં 51શાળાઓ એ ભાગ લીધો
આજના સમયમાં બાળક મોબાઈલની દુનિયામાં ધીરે ધીરે વ્યસ્ત બની રહ્યો છે. તેની આસપાસ શું થઈ રહ્યું છે કદાચ તેનો ખ્યાલ પણ નથી.આવા સમયે બાળકોને નવી દિશા આપવી ખુબ જરૂરી છે. બાળકો અવનવું શીખે, અજમાયશ કરે, નવું તારણ ખોળી બતાવે એ હેતુસર નાના મોટા આયોજન થતા રહે એ આવશ્યક છે. એ સંદર્ભે મુન્દ્રા તાલુકા કક્ષા એટલે કે બી.આર.સી કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન ધ્રબ હાઈસ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. આ આયોજન જી.એસ.આર.ટી.સી ગાંધીનગર અને ડાયટ કોલેજ ભુજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ચાલતા પ્રોજેક્ટ ‘ઉત્થાન‘ દ્વારા આયોજન માટે ફાળો આપવામાં આવ્યો હતો.
આજના વિજ્ઞાન મેળાનો મુખ્ય વિષય ટેકનોલોજી અને રમકડાં હતો, તેમ જ તેમાં અન્ય પાંચ પેટા વિભાગો પૈકી અનુક્રમે માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતિ/નાવીન્ય, ઈકો ફ્રેન્ડલી સામગ્રી અને પર્યાવરણ સંબંધી ચિંતા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, પરિવહન અને નાવીન્ય, વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ તથા ગણિત જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ મેળામાં ૫૧ શાળાના ૧૦૨ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. જેમાં સી.આર.સી કક્ષાએ પ્રથમ ક્રમે આવેલ શાળાઓ વતી બે બાળકો અને એક માર્ગદર્શક વિષયના પરિઘમાં રહી શ્રેષ્ઠ નમૂનાઓ તેમજ બેનર ચાર્ટ લઈને વિજ્ઞાન મેળામાં હાજર રહ્યા હતા. આખા દિવસ દરમિયાન નિર્ણાયકોએ બધી કૃતિઓ નિહાળી અને પ્રથમ ત્રણ નમુનાઓનું ચયન કર્યું. બધી જ કૃતિઓ એટલી સરસ હોવાથી નિર્ણાયકો માટે પણ એક ચોક્કસ નિર્ણય લેવો અઘરો નીવડ્યો હતો, તથા નજીકની સ્કૂલના બાળકો પણ કૃતિઓ જોવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા.
આ રીતના આયોજન થકી વિદ્યાર્થીઓને પોતાની કળાને ખીલવવા માટેની તક સાંપડે છે. વિજ્ઞાન મેળાના દ્વારા જટિલ એવા વિષય તેના નિયમો, સિદ્ધાંતોને રમતા રમતા સમજી, શીખી, જાણી અને માણી શકાય છે. માર્ગદર્શક તરીકે આવેલા શિક્ષકો પાસેથી એવું સાંભળવા મળ્યું કે તેઓ જ્યારે નાના હતા અને અભ્યાસકાળમાં વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલો અને ત્યાર પછી વિજ્ઞાન અને ગણિત એટલા પ્રિય વિષય બની રહ્યા કે છેલ્લે એ જ વિષયના શિક્ષક બન્યા અને આજના વિજ્ઞાન મેળામાં પોતાના વિદ્યાર્થીઓ સાથે આવ્યા અને વિજેતા પણ થયા. છેલ્લે વિજેતા થયેલ શાળાના પ્રયોગોને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત ભાગ લીધેલા બધા જ બાલ વૈજ્ઞાનિકોને પણ પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર, પેડ અને કંપાસબૉક્સ આપી અભિવાદીત કરાયા હતા. તેમના માર્ગદર્શક શિક્ષકને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કે જેમના અથાગ પ્રયાસ અને માર્ગદર્શન થાકી બાળકોએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો.
આ વિજ્ઞાન મેળામાં મુન્દ્રા તાલુકાની શાળાના બાળ વૈજ્ઞાનિકો, તેમના માર્ગદર્શકશ્રીઓ, તાલુકા સી.આર.સી મેમ્બર્સ, બી.આર.સી. શ્રી સમીર ચંદારાણા તેમજ તેમની ટિમ, ટી.પી.ઈ.ઓ.શ્રી ઉમેશ રુગાણી, ડી.પી.ઈ.ઓ શ્રી જયંતિલાલ પ્રજાપતિ, મુન્દ્રા તાલુકા પંચાયતની ટિમ, ટી.ડી.ઓ, એસ.ડી.એમ મુન્દ્રા, ડાયટ કોલેજમાંથી સંજય ઠાકર, ધ્રબ ગામના સરપંચ અસલમભાઈ તુર્ક અને તેમની ટિમ, એસ.એમ.સીના સભ્યો તેમજ અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેકટની ટિમ તથા તાલુકાની શાળાના શિક્ષકો આચાર્યશ્રી અને ઉત્થાન સહાયકો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટય કરી વિજ્ઞાન મેળો ખુલ્લો મુકવામાં આવ્યો.
Leave a Reply