– આજે રાજયના શિક્ષણાધિકારીઓની મેરેથોન બેઠક
– શાળાઓના બિલ્ડીંગો, સીસીટીવી કેમેરા, એકશન પ્લાન સહિતની તૈયારીઓ કચ્છના શિક્ષણતંત્ર દ્વારા શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ ૨૦૨૩માં લેવાનાર ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા સુચારુરુપથી લેવાય તે માટે અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરુ કરી દેવામાં આવેલ છે. રાજયમાં ધો.૧૦-૧૨ના ૧૬ લાખથી વધુ છાત્રો પરીક્ષા આપનાર છે ત્યારે કચ્છમાં ધો. ૧૦-૧૨ના ૪૨ હજાર જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા છે. આ વર્ષે જેલના ૧૫ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે.
૧૪ માર્ચથી લેવાનારી બોર્ડની પરીક્ષા અંતર્ગત માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતુ કે, કચ્છમાં ધો. ૧૦માં ૩૧ હજાર, ધો. ૧૨માં ૧૦ હજાર તેમજ ધો. ૧૨ સાયન્સમાં ૧૫૦૦ ફોર્મ ભરાયા છે. ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા માટે ઉપયોગમાં લેવાનાર શાળાઓના બિલ્ડીંગો, સીસીટીવી કેમેરા, એકશન પ્લાન સહિતની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ઝોનલ અધિકારીઓની પણ નિમણુંક કરી દેવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા લેઇટ ફી સાથે ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાના આવેદનપત્રો સ્વીકારવાની અંતિમ તબક્કાની કામગીરી હાલ ચાલુ છે. આગામી તા. ૧૦ સુધી વિદ્યાર્થીઓની પરીક્ષાના આવેદનપત્રો શિક્ષણ બોર્ડ દ્વારા સ્વીકારવામાં આવનાર છે. દરમિયાન બોર્ડ પરીક્ષા સંદર્ભે રાજ્યના શિક્ષણાધિકારીઓની મેરેથોન બેઠક આવતીકાલે તા. ૪ થી ૭ દરમિયાન બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે આયોજીત કરવામાં આવી છે.
જેમાં જરૂરી માર્ગદર્શન બોર્ડના અધિકારીઓ દ્વારા શિક્ષણાધિકારીઓને પુરુ પાડવામાં આવનાર છે. બોર્ડની આ પરીક્ષામાં ગેરરીતિ અને પરીક્ષા ચોરીના બનાવોને ડામવા માટે દર વર્ષે ખાસ પ્રબંધો કરી એકશન પ્લાન અમલી બનાવવામાં આવે છે. જે મુજબ પરીક્ષાની કામગીરી કરવામાં આવે છે. બોર્ડની આ પરીક્ષામાં સીસીટીવી કેમેરાથી સજ્જ સ્કૂલ બિલ્ડીંગો જ ઉપયોગમાં લેવાનાર છે. જેમાં કચ્છ જિલ્લામાં ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા માટે ઉપયોગમાં લેવાનાર શાળાઓના બિલ્ડીંગોની ચકાસણી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પૂર્ણ કરી શિક્ષણ બોર્ડને અગાઉ રિપોર્ટ કરી દેવામાં આવેલ હતો.
Leave a Reply