– બ્લડબેંક ઇનહાઉસ વિવિધ કેમ્પ મારફતે આ જથ્થો પ્રાપ્ત
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને લોહીનો પુરવઠો પૂરો પાડવા દર મહિને કરાતા પ્રયત્નોના ભાગરૂપે વર્ષના અંતે ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન ૩.૪ લાખ સી.સી એટલેકે ૮૬૯ યુનીટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના બ્લડબેંક દ્વારા ઈન હાઉસ મારફતે તેમજ કચ્છના વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરી આ લોહી ભેગું કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલની બ્લડબેંક દ્વારા ડિસેમ્બરમાં ૭ જુદા જુદા કેમ્પનું આયોજન થયું, જેમાં ૪૧૨ યુનિટ અને હોસ્પિટલમાં જ સામે ચાલીને આવનાર રક્તદાતા મારફતે ૪૫૭ યુનિટ સાથે કુલ ૮૬૯ યુનિટ લોહી ભેગું થયું હોવાનું બ્લડબેંકના હેડ ડૉ.જીજ્ઞાબેન ઉપાધ્યાયે માહિતી આપી જણાવ્યું હતું.
ડિસેમ્બર દરમિયાન થયેલા કેમ્પમાં મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે મુન્દ્રા ભારત વિકાસ પરિષદ,ભુજ ખાતે આર્મી કેમ્પમાં,રાજપૂત સમાજ માધાપર ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેર, ભુજ ઔદિચ્ય બ્રહ્મસમાજ, જય ભીમ ચેરીટેબલ ટ્રસ્ટ અને કચ્છ યુનિવર્સિટી વીગેરેએ કેમ્પનું આયોજન કરી સહકાર આપ્યો હતો.
ઉપરાંત જાન્યુઆરી માસમાં જરૂરી રક્તનો જથ્થો હાથવગો રાખવા આગોતરા આયોજન દ્વારા વધુ કેમ્પનું આયોજન થયું છે.બેંકના કાઉન્સેલર દર્શન રાવલના જણાવ્યા અનુસાર, ૧લી જાન્યુઆરીના રોજ કેરામાં સ્વ.દમયંતી દેવરિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે પી.એચ.સી.માં કેમ્પ યોજાશે. ૬ઠીએ મુન્દ્રા રેડરોસિસ ૮મીએ સી.એસ.એફ.મુન્દ્રામાં અને ૨૪મીએ શ્યામ મેડિકેર દ્વારા કોટડા ચાંદરાણી ખાતે કેમ્પ યોજાશે.
Leave a Reply