આ રેન્કિંગ અને નંબરોથી મને બહુ ફરક નથી પડતો: ગૌતમ અદાણી

‘ઇન્ડિયા ટુડે’ના રાજ ચેંગપ્પાએ અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીની તાજેતરમાં મુલાકાત લીધી હતી. આ ઇન્ટરવ્યુની રસપ્રદ પ્રશ્નોત્તરી અહીં પ્રસ્તુત છે.

અદાણી ગ્રુપનો વિકાસ ખરેખર આશ્ચર્યજનક રહ્યો છે. એક દાયકાથી ઓછા સમયમાં, તમે ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના પાવર ઉત્પાદક, પોર્ટ ઓપરેટર, એરપોર્ટ ઓપરેટર, કન્ઝ્યુમર ગેસ બિઝનેસ અને ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન કંપની ઉપરાંત રિન્યુએબલ્સમાં પણ સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર  બન્યા છો.

આ વર્ષે તમારું ગૃપ દેશનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બન્યું છે અને તમે એરક્રાફ્ટ મેન્ટેનન્સ, મેન્યુફેક્ચરિંગ, ટેલિકોમ, ડેટા સેન્ટર્સ અને લોજિસ્ટિક્સ સહિતના અન્ય ક્ષેત્રોમાં ઝડપથી વૈવિધ્યીકરણ કરી રહ્યાં છો.

પરંતુ તમે ૨૦૨૨ માં હાંસલ કર્યું છે તેનાથી પણ વિશેષ ડોલર ૧૫૦ બિલિયનની વ્યક્તિગત નેટવર્થ સાથે તમે રિલાયન્સના મુકેશ અંબાણી અને અન્ય દિગ્ગજોને પાછળ છોડીને ટોચના સૌથી ધનિક ભારતીય બની ગયા છો.

વ્યાપાર અને વ્યક્તિગત સંપત્તિ બંનેની દ્રષ્ટિએ તમારી અસાધારણ વૃદ્ધિ અને સમગ્ર દેશમાં લાખો લોકો પર તમે જે પ્રભાવ પાડ્યો છે તે માટે  ઈન્ડિયા ટુડે મેગેઝીને તમને ‘ન્યૂઝમેકર ઓફ ધ યર’ જાહેર કર્યા છે તે માટે અભિનંદન.

પ્રશ્ન : જ્યારે તમે ૨૦૨૨ ઉપર નજર નાખો છો, ત્યારે તમારા માટે આ વર્ષ આટલું ખાસ કેમ છે?

ગૌતમ અદાણી: આભાર, રાજ

૨૦૨૨નું વર્ષ અનેક દ્રષ્ટીએ અસાધારણ વર્ષ હતું.

અમારી પાસે અદાણી વિલ્મરનો સફળ IPO હતો અને આમ ગૃપમાં અદાણી વિલ્મર સાતમી લિસ્ટેડ કંપની બની રહી છે. અમે એક બિઝનેસ મોડલ બનાવ્યું છે જેમાં અમે પાયામાંથી  જ વ્યવસાય શરૂ કરીએ છીએ, તેને નફાકારક બનાવ્યા બાદ જાહેર કરીએ છીએ. આ આઈપીઓ તેનું બીજું દ્રષ્ટાંત છે. જ્યારે અમે લગભગ ડોલર ૧૦.૫ બિલિયનમાં ACC અને અંબુજા સિમેન્ટ્સ હસ્તગત કર્યા ત્યારે અમે ભારતના બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક બન્યા. આ અમારા ૮ પૈકીનું બીજું સૌથી મોટું હસ્તાંતરણ છે. આટલું મોટું હસ્તાંતરણ કર્યું નથી અને તે પણ આંતરમાળખા અને સામગ્રીના ક્ષેત્રમાં મર્જર અને એક્વિઝીશનમાં ભારતનો આજ સુધીનો સૌથી વિરાટ સોદો છે.

પ્રશ્ન: સૌથી ધનિક ભારતીય અને સૌથી ધનિક એશિયન હોવા ઉપરાંત, તમે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ પણ છો. આટલા શ્રીમંત બનવાનું કેવું લાગે છે? પૈસાનો તમારે મન  અર્થ શું છે?

ગૌતમ અદાણી: જુઓ, આ રેન્કિંગ અને નંબરોથી મને બહુ ફરક નથી પડતો. આ બાબત  માત્ર મીડિયા પ્રસિદ્ધિ છે. હું પ્રથમ પેઢીનો ઉદ્યોગ સાહસિક છું જેણે એકડેએકથી બધું જ ઘુંટવું પડ્યું છે. પડકારોને હલ કરવાથી મને મારો રોમાંચ મળે છે. તેઓ જેટલા મોટા છે, તેટલી જ મને ખુશી છે. મારા માટે સંપત્તિ રેન્કિંગ અથવા મૂલ્યાંકનની સૂચિમાં હોવા કરતાં લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની અને રાષ્ટ્રના વિકાસ અને નિર્માણમાં યોગદાન આપવાની તક અને ક્ષમતા અનેકગણી વધુ સંતોષકારક અને મહત્વની છે. હું પરમાત્માનો આભાર માનું છું કે તેણે મને આંતર માળખાકીય નિર્માણ દ્વારા રાષ્ટ્રની સેવા કરવાની મોટી તક આપી છે

પ્રશ્ન: આથી કઇ બાબત તમોને ખુશ કરે છે?

ગૌતમ અદાણી: અંગત રીતે કહું તો આ વર્ષ મારા જીવનનું સૌથી મોટું વર્ષ હતું. આ વર્ષે  મેં મારો ૬૦મો જન્મદિવસ ઉજવ્યો. આ અંગત સીમાચિહ્ન સિવાય આ નિમિત્તે મારા પરિવારે મારા દીલની નજીકના અને જે  કોઈપણ રાષ્ટ્ર માટે પાયારૂપ છે એ ત્રણ સામાજિક કારણો-શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કૌશલ્ય વિકાસને સમર્થન આપવા માટે અદાણી ફાઉન્ડેશનને રૂ. ૬૦,૦૦૦ કરોડ આપવા સંકલ્પ કર્યો છે. આનાથી મને અપાર સંતોષ અને અઢળક ખુશી મળી છે જે કોઈપણ વ્યાવસાયિક ઉપલબ્ધિ ક્યારેય આપી શકતી નથી.

પ્રશ્ન: જીવનમાં તમને શું પ્રેરણા આપે છે?

ગૌતમ અદાણી: એક સામાન્ય માણસ તરીકે સરેરાશ ભારતીયની હિંમત, શક્તિ, સ્થિતિસ્થાપકતા અને મક્કમતા મારા માટે ખૂબ જ પ્રેરણાદાયી અને પ્રેરક છે. એ વાત  તમારી સાથે શેર કરુ કે  ગ્રીન ટૉક્સ શ્રેણીની અમારી બીજી આવૃત્તિમાં અરુણિમા સિંહા અને કિરણ કનોજિયાની વાર્તાઓથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું, આ બે અસાધારણ મહિલાઓએ કમનસીબે તેમના અંગો ગુમાવ્યા છતાં પણ જગત જીતી લીધું છે. અરુણિમા માઉન્ટ એવરેસ્ટ પર ચઢી અને એક બ્લેડ રનર કિરણ મેરેથોન દોડી રહી છે. આ બંને અતુલ્ય મહિલાઓ ભારતનું ગૌરવ છે. તેઓ નવા ભારતના સાચા રત્નો છે. તેમની ખુમારી અને શૌર્યની ગાથાઓએ મને એટલો પ્રભાવિત કર્યો કે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું  તેમની ભાવનાથી ખરેખર નમ્ર છું. પ્રતિકૂળ પરિસ્થિતિમાં આવી હિંમત, બહાદુરી અને નિશ્ચયથી વધુ પ્રેરણાદાયક બીજું કંઈ હોઈ શકે? તેમની કહાણી જોઈને મારી માન્યતા વધુ મજબૂત થઇ છે કે માનવથી વધુ બળવાન બીજું કોઈ યંત્ર નથી. આવી માનવ કથાઓ મારા માટે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત છે.

પ્રશ્ન: તમારા જૂથના વિસ્તરણ પછી તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં હોય અથવા નવા ક્ષેત્રોમાં તમારો પ્રવેશ પાછળનો તર્ક શું છે

ગૌતમ અદાણી: મારો જન્મ એક મધ્યમ-વર્ગીય પરિવારમાં થયો હતો અને હું ૧૯૭૦ અને ૮૦ ના દાયકામાં અમારે વીજળી, સડક અને પાણી માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. તે સમય હતો જ્યારે ભારતમાં બંદરો, એરપોર્ટ અને અન્ય ક્ષેત્રોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી ખોટ હતી. તેનાથી વિપરિત ચીન જે ભારતની આસપાસ જ સ્વતંત્ર થયું હતું અને ૧૯૯૦માં ભારત કરતાં નીચી માથાદીઠ આવક ધરાવતું હતું, તેણે વિકાસમાં ભારત કરતાં આગળ છલાંગ મારવાની શરૂઆત કરી હતી. ભારતમાં ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરક્ષેત્રમાં ભારતને મજબૂત બનાવવા માટે હું જે કંઈ કરી શકું તે કરવા માટે આ તમામ મુદ્દાઓએ મારામાં એક વિશાળ ઈચ્છા જગાડી.

દરમિયાન ૧૯૯૧થી નીતિગત ફેરફારોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખાનગી ક્ષેત્રના પ્રવેશ માટે સક્ષમ વાતાવરણ ઊભું કર્યું. આ જ કારણે ભારત અને ભારતીયો માટે વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓ ઊભી કરવા સંબંધી દરેક તકનો ઉપયોગ કરવા માટે હું કટિબદ્ધ છું.

પ્રશ્ન: તમારી મેનેજમેન્ટ શૈલી શું છે? તમારી સફળતાનો મંત્ર શું છે?:

ગૌતમ અદાણી: અમારા તમામ વ્યવસાય સક્ષમ પ્રોફેશ્નલ્સ સીઈઓ દ્વારા ચલાવવામાં આવે છે. હું તેમના રોજિંદા કામકાજમાં દખલ કરતો નથી. મારી ભૂમિકા વ્યૂહરચના ઘડવા, મૂડી ફાળવણી અને તેમની સમીક્ષા સુધી મર્યાદિત છે.

આ કારણે જ મારી પાસે આટલી મોટી અને વૈવિધ્યસભર સંસ્થાનું ફક્ત સંચાલન કરવાનો જ નહી પણ ઘણા નવા વ્યવસાયો શરૂ કરવા અને હસ્તાંતરણ માટેની નવી તકો શોધવાનો મને સમય મળે છે.

પ્રશ્ન:: તમે તાજેતરમાં એનડીટીવી મીડિયા જૂથ સંભાળ્યું છે. શું એનડીટીવીમાં પણ બિન-દખલગીરીની સમાન વ્યવસ્થાપન શૈલી ચાલુ રહેશે? શું એનડીટીવી તેની સંપાદકીય સ્વતંત્રતા ચાલુ રાખશે?

ગૌતમ અદાણી: રાજ, સંપાદકીય સ્વતંત્રતા પર હું સ્પષ્ટપણે કહું છું કે એનડીટીવી એક વિશ્વસનીય સ્વતંત્ર, વૈશ્વિક નેટવર્ક હશે જેમાં મેનેજમેન્ટ અને એડિટોરીયલ વચ્ચે સ્પષ્ટ લક્ષ્મણ રેખા હશે. હું જે કહું છું તેના દરેક શબ્દની તમે અવિરત ચર્ચા અને અર્થઘટન કરી શકો છો, જેમ કે ઘણા લોકોએ શરુ કર્યું છે, પરંતુ મારો મૂળભૂત મુદ્દો એ છે કે ખીરનો પુરાવો ખાવામાં છે. તેથી તમે અમારો ન્યાય કરવાનું શરૂ કરો તે પહેલાં કૃપા કરીને અમને થોડો સમય આપો.

પ્રશ્ન: એવી આશંકા છે કે અદાણી ગ્રૂપ પર ૨ લાખ કરોડ રૂપિયાનું ખૂબ જ મોટું  દેવું  છે. ઋણના આ સ્તરે જવા માટે તમારા આત્મવિશ્વાસ પાછળનું કારણ શું છે?

ગૌતમ અદાણી: મારે કબૂલ કરવું જ જોઈએ કે હું અમારા દેવા આસપાસની વાતચીતોથી બહુ જ આશ્ચર્યચકિત છું. અમે આર્થિક રીતે ખૂબ જ મજબૂત અને સુરક્ષિત છીએ. આવો શોર બે કેટેગરીમાંથી આવી રહ્યા છે. પ્રથમ કેટેગરી એવા લોકોની છે જેઓ કંપનીના દેવા અને નાણાકીય બાબતોના વિગતવાર શોરબકોરને સમજવા માટે ઉંડા ઉતરતા નથી. મને ખાતરી છે કે જો તેઓ નાણાકીય નિવેદનો સમજવાનો પ્રયાસ કરશે, તો દેવા અંગેની તમામ ગેરસમજો દૂર થઈ જશે. જો કે બીજો વર્ગ નિહિત રસ ધરાવતા લોકોનો છે જે જૂથની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે જાણી જોઈને મૂંઝવણ અને ગેરસમજ ઊભી કરે છે. આ અંગેની હકીકત એ છે કે છેલ્લા નવ વર્ષમાં અમારો નફો અમારા દેવાના બમણા દરે વધી રહ્યો છે, જેના કારણે અમારું દેવું અને EBITDA રેસિઓ ૭.૬ થી ઘટીને ૩.૨ પર આવી ગયો છે, જે મોટા ગૃપ માટે ખૂબ જ તંદુરસ્ત છે જ્યારે કે મોટાભાગની કંપનીઓ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે છે તે ઉત્પાદક કંપનીથી વિપરીત ખાતરીપૂર્વક અને અનુમાનિત રોકડ પ્રવાહ ધરાવે છે. આ જ કારણે  ફક્ત રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ અમને ભારતના સાર્વભૌમ રેટિંગની સમકક્ષ રેટિંગ આપ્યું છે. મારા માટે એ ખૂબ જ ગર્વની વાત છે કે ભારતમાં અન્ય કોઈ બિઝનેસ ગ્રુપ પાસે અદાણી ગ્રુપ જેટલી કંપનીઓ નથી જે સોવરિન રેટિંગ ધરાવે છે. તમને સારી રીતે ખ્યાલમાં છે કે રેટિંગ એજન્સીઓ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય, રેટિંગ આપવામાં ખૂબ જ રૂઢિચુસ્ત અને કંજૂસ છે અને તેમની પાસે નાણાકીય વિશ્લેષણની ખૂબ જ સખ્ અને મજબૂત સિસ્ટમ અને પ્રક્રિયા છે.

તમને જણાવું તો મારા જૂથની આ મૂળભૂત નાણાકીય શક્તિઓની તાકાતથી જ અમે માત્ર ત્રણ મહિનાના વિક્રમજનક સમયમાં ડોલર ૧૦.૫ બિલિયનના ACC અને અંબુજાના સોદાને સંપ્પન કરી શક્યા છીએ.

પ્રશ્ન: એવી પણ ચિંતા છે કે જાહેર ક્ષેત્રની બેંકો સહિતની બેંકો પાસે અદાણીના દેવાનું જંગી એક્સ્પોઝર છે. તમે આવી ચિંતાઓને કેવી રીતે પ્રતિભાવ આપો છો?

ગૌતમ અદાણી: આ એક સારો પ્રશ્ન છે. લોકો તથ્યોની ચકાસણી કર્યા વિના ચિંતાઓ કરે છે. હકીકત એ છે કે નવ વર્ષ પહેલાં અમારા કુલ દેવા પૈકી ૮૬% ભારતીય બેંકો પાસેથી ધિરાણ મળતું હતું. પરંતુ હવે અમારા કુલ ધિરાણમાં ભારતીય બેંકોનું એક્સપોઝર ઘટીને માત્ર ૩૨% રહ્યું છે. અમારું લગભગ ૫૦% ઋણ આંતરરાષ્ટ્રીય બોન્ડ દ્વારા છે. તમે એ વાતની  પ્રશંસા કરશો કે આંતરરાષ્ટ્રીય રોકાણકારો ખૂબ જ હોશિયાર છે અને યોગ્ય ખંત અને ઊંડા અભ્યાસ પછી જ આગળ વધે છે.

પ્રશ્ન: તમારી સફળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી હોવાનું કહેનારા ટીકાકારોને તમે કેવો જવાબ આપશો?

ગૌતમ અદાણી: વડાપ્રધાન મોદી અને હું એક જ રાજ્યના છીએ. જે મને આવા આધારહીન આક્ષેપો માટે સરળ નિશાન બનાવે છે.

જ્યારે હું મારી ઉદ્યોગસાહસિક યાત્રા પર નજર કરું છું, ત્યારે હું તેને ચાર તબક્કામાં વહેંચી શકું છું. ઘણાને જાણીને આશ્ચર્ય થશે કે આ બધું રાજીવ ગાંધીના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ થયું હતું જ્યારે તેમણે પ્રથમ વખત એક્ઝિમ નીતિને ઉદાર બનાવી હતી અને પ્રથમ વખત ઘણી વસ્તુઓને OGL સૂચિમાં લાવવામાં આવી હતી.

જેના કારણે મને મારું એક્સપોર્ટ હાઉસ શરૂ કરવામાં મદદ મળી. પરંતુ રાજીવ ગાંધી માટે એક ઉદ્યોગસાહસિક તરીકેની મારી સફર ક્યારેય શરૂ થઈ ન હોત.

મને બીજો મોટો ફાયદો ૧૯૯૧માં મળ્યો, જ્યારે નરસિમ્હા રાવ અને મનમોહન સિંહની જોડીએ વ્યાપક આર્થિક સુધારાની શરૂઆત કરી. અન્ય ઘણા ઉદ્યોગસાહસિકોની જેમ હું પણ તે સુધારાઓનો લાભાર્થી હતો. તેના વિશે વધુ વિગતવાર કહેવાનો કોઈ અર્થ નથી કારણ કે તેના વિશે ઘણું કહેવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે.

મારા માટે ત્રીજો વળાંક ૧૯૯૫માં આવ્યો જ્યારે કેશુભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ત્યાં સુધી ગુજરાતમાં તમામ વિકાસ માત્ર નેશનલ હાઇવે ૮ ની આસપાસ મુંબઈથી દિલ્હી થઈને વાપી, અંકલેશ્વર, ભરૂચ, સિલવાસા, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા શહેરો સુધી મર્યાદીત હતો. તે એક સ્વપ્નદ્રષ્ટા હતા અને તેમનું ફોકસ દરિયાકાંઠાના વિકાસ પર કેન્દ્રિત હતું અને તેમની એ નીતિમાં પરિવર્તન મને મુંદ્રા લઈ ગઇ અને મને અમારા પ્રથમ બંદરનું નિર્માણ કરવા માટે પ્રોત્સાહિત કર્યો. બાકી તેઓ કહે છે તેમ ઇતિહાસ છે.

૨૦૦૧માં ચોથો વળાંક આવ્યો, જ્યારે ગુજરાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ પર મોટા પાયે ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમની નીતિઓ અને તેમના અમલીકરણથી માત્ર રાજ્યના આર્થિક લેન્ડસ્કેપમાં જ પરિવર્તન આવ્યું નથી પરંતુ તેઓ સામાજિક પરિવર્તન અને અગાઉના અવિકસિત વિસ્તારોનો વિકાસ પણ લાવ્યા છે. તેમણે  અગાઉ ક્યારેય ના અપાઇ હોય એવા ઉદ્યોગો અને રોજગાર શરૂ કરવાની મંજૂરી આપી. આજે, તેમના સક્ષમ અને સમર્થ નેતૃત્વ હેઠળ આપણે તે જ જોઈ રહ્યા છીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થઇ રહેલા પુનરુત્થાનમાં જ્યાં એક નવું ભારત હવે પોતાનો દાવો કરી રહ્યું છે.

આ દુર્ભાગ્યપૂર્ણ છે કે મારી સામે આવી ટીકાઓ કરવામાં આવે છે. મેં સમજાવ્યું તેમ આ આક્ષેપો પાયાવિહોણા છે અને ટૂંકી દ્રષ્ટીએ જોનારાઓ અમારા જૂથની સફળતાને જોઇને પૂર્વગ્રહથી પીડાય છે. આ અંગેની હકીકત એ છે કે મારી વ્યાવસાયિક સફળતા કોઈ વ્યક્તિગત નેતાને કારણે નહી પરંતુ ત્રણ દાયકાથી વધુના લાંબા ગાળા દરમિયાન અનેક નેતાઓ અને સરકારો દ્વારા શરૂ કરાયેલ નીતિ અને સંસ્થાકીય સુધારાઓને કારણે છે.

પ્રશ્ન: વડા પ્રધાન મોદીની નેતૃત્વ શૈલી વિશે તમારો અભિપ્રાય શું છે?

ગૌતમ અદાણી: વડા પ્રધાન મોદીએ ભારતને સ્વપ્નદ્રષ્ટ અને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું છે. તેમણે માત્ર મહત્વપૂર્ણ નીતિગત ફેરફારો જ નથી કર્યા પરંતુ વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા દરેક ભારતીયના જીવનને સીધો સ્પર્શ કર્યો છે. શાસનનું ભાગ્યે જ એવું કોઈ પાસું હશે જેને તેમણે સ્પર્શ્યું ન હોય.

તેઓ માત્ર ભારતીય અર્થવ્યવસ્થામાં જ પરિવર્તનકારી ફેરફાર લાવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે એવું જ નથી પરંતુ સામાજિક પરિવર્તન અને સર્વસમાવેશક વૃદ્ધિ ઉપર પણ ભાર આપી રહ્યા છે. તેમણે ઘણી નવીન યોજનાઓ અને તેમના અસરકારક અમલીકરણ દ્વારા ભારતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ ઉપર જોરદાર ભાર  આપ્યો છે. આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઈન્ડિયા અને સ્ટાર્ટ-અપ ઈન્ડિયા જેવી યોજનાઓએ આર્થિક ગુણક તરીકે કામ કર્યું છે અને તેણે માત્ર અનંત વ્યાપાર અને ઉત્પાદનની તકો ઉભી કરી છે એટલું જ નહી પરંતુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની લાખો તકોનું પણ નિર્માણ કર્યું છે.

સામાજિક ક્ષેત્ર, કૃષિ અર્થવ્યવસ્થા અને ગરીબો માટે સલામતી જાળ બિછાવવા સાથે દેશના અવિકસિત વિસ્તારો પર વડા પ્રધાનનું સમાન મજબૂત ધ્યાન એ સુનિશ્ચિત કરે છે કે વૃદ્ધિ સમાવિષ્ટ અને ટકાઉ છે. તેમની સ્વચ્છ ભારત, જન ધન યોજના, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને આયુષ્માન ભારત જેવી યોજનાઓએ ભારતમાં પરિવર્તનકારી ફેરફાર લાવી છે.

પ્રશ્ન: મને કહો, એક વ્યક્તિ તરીકે તમે ઘણી પ્રતિકૂળતાઓ, પડકારો, વિરોધ, ટીકાઓનો સામનો કર્યો છે, પછી તે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અથવા ભારતના વિવિધ ભાગોમાં હોય. આ અંગે તમે કેવી પ્રતિક્રિયા આપો છો?

ગૌતમ અદાણી: આ એક રસપ્રદ પ્રશ્ન છે. ગૌતમ અદાણી એ લોકશાહી ભારતની પેદાશ છે. વિરોધ ટીકા અને આક્ષેપો એ જીવંત લોકશાહીના આવશ્યક અંગો છે. હકીકતમાં તેઓ લોકશાહીને વ્યાખ્યાયિત કરે છે. હું દ્રઢપણે માનું છું કે આપણી લોકશાહીએ આપણને આર્થિક સ્વતંત્રતા અને તકો આપી છે અને આપણે બધાએ તેનો લાભ લીધો છે. હવે અમે લોકશાહીના અન્ય પાસાઓ વિશે ફરિયાદ કરી શકતા નથી અને ચેરી-પિકિંગ કરી શકતા નથી જે કાયદાની સીમામાં તેમના પોતાના કાર્યાત્મક મૂલ્યો ધરાવે છે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં છીએ જે કામ કરવા માટે સૌથી મુશ્કેલ જગ્યા છે. તમે પ્રશંસા કરશો કે મેં ઘણી વખત આવા પડકારોનો સામનો કર્યો છે. ટીકા પ્રત્યે મારું મન ખૂબ ખુલ્લું હોય છે. મારા માટે સદાય સંદેશવાહક કરતાં સંદેશ વધુ મહત્વપૂર્ણ રહ્યો છે. હું હંમેશા આત્મનિરીક્ષણ કરું છું અને બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરું છું. હું સભાન છું કે ન તો હું સંપૂર્ણ છું અને ન તો હું હંમેશા સાચો છું. દરેક ટીકા મને મારી જાતને સુધારવાની તક આપે છે.

પ્રશ્ન: એ અદાણીના સંસ્કૃતિનો ભાગ છે?

ગૌતમ અદાણી: હા, હાર માનવું એ અદાણીની સંસ્કૃતિનો ક્યારેય ભાગ રહ્યો નથી. વર્ષોથી અદાણી જૂથે અમાપ ઉર્જા અને સમસ્યા-નિવારણ અભિગમ સાથે મજબૂત અને વ્યાવસાયિક ટીમ વિકસાવી છે. અમે હંમેશા ઉકેલો શોધીએ છીએ. ભારત જેવી ગતિશીલ લોકશાહીમાં મારી કુશળતાના માન સાથે મારા ગૃપ તેમજ મને વિશ્વાસ છે કે અમે વિશ્વના કોઈપણ ભાગમાં પહોંચી શકીએ છીએ અને વ્યવસાય કરી શકીએ છીએ.

મેં નાનપણથી જ પ્રતિકૂળતા અને સંકટનો સામનો કર્યો છે. આ દરેક પ્રસંગોએ મને ઘણા કીંમતી પાઠ શીખવ્યા છે અને મને મજબૂત બનાવ્યો છે. આના જ કારણે હું હંમેશા મારી ટીમને કહું છું: ‘ક્યારેય કટોકટીનો બગાડ ન કરો’.

પ્રશ્ન: ગ્રીન એનર્જી ખાસ કરીને સૌર અને હાઇડ્રોજન પર પણ તમે મોટો દાવ લગાવી રહ્યા છો. ગ્રીન હાઇડ્રોજનને ઇંધણમાં રૂપાંતરિત કરવાના ખર્ચને જોતાં નજીકના ભવિષ્યમાં આ સધ્ધર કારોબાર બની જશે તેવો તમને ભરોસો છે?

ગૌતમ અદાણી: ગ્રીન એનર્જી મારા દીલની ખૂબ નજીક છે અને ઉર્જા સંક્રમણ એ માત્ર એક વિશાળ વેપારી તક નથી પણ આવનારી ભાવિ પેઢીઓ માટે આપણી જવાબદારી પણ છે. ભારત સરકાર ખૂબ જ આકર્ષક એવી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (PLI) અમલી બનાવી છે જેણે ગ્રીન હાઇડ્રોજન બિઝનેસને સધ્ધર અને આકર્ષક બનાવ્યો છે. વાસ્તવમાં મને અતિ વિશ્વાસ છે કે આ સક્ષમ ટેકા સાથે અમે માત્ર સ્થાનિક માંગને જ સતોષશું નહી પરંતુ ટૂંક સમયમાં ગ્રીન હાઇડ્રોજનના નિકાસકાર પણ બનીશું

પ્રશ્ન: ધીરુભાઈ અંબાણીની જેમ તમે પણ પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક છો. શું કોઈ એવી વ્યક્તિ છે જેને તમે માર્ગદર્શક તરીકે જુઓ છો?

ગૌતમ અદાણી: ધીરુભાઈ અંબાણી ભારતના લાખો ઉભરતા ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે બતાવ્યું છે કે કેવી રીતે એક નમ્ર માણસ કોઈપણ પીઠબળ કે સંસાધનો વિના અને તમામ અવરોધો સામે ન માત્ર વિશ્વ કક્ષાનું બિઝનેસ ગ્રુપ સ્થાપી શકે છે પણ એક વારસો પણ છોડી શકે છે. પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક હોવાને કારણે અને નમ્ર શરૂઆતથી હું તેમનાથી ખૂબ જ પ્રભાવિત અને પ્રેરીત છું.

પ્રશ્ન: ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ શું છે અને આવનારા વર્ષોમાં તમે ભારતની વૃદ્ધિને કેવી રીતે જુઓ છો?

ગૌતમ અદાણી: આપણી આઝાદીના ૭૫ વર્ષમાં જીડીપીના પ્રથમ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં અમને ૫૮ વર્ષ, પછીના ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં ૧૨ વર્ષ અને ત્રીજા ટ્રિલિયનને આંબવામાં માત્ર પાંચ વર્ષ લાગ્યાં. પરંતુ હવે જો તમે સામાજિક અને આર્થિક સુધારાની આપણી રફતાર જોતા તો ભારત આગામી દાયકામાં દર ૧૨ થી ૧૮ મહિનામાં તેના જીડીપીમાં એક ટ્રિલિયન ડોલર ઉમેરશે.તેવું હું જોઉં છું.

હું ભારતના વિકાસ અને સમૃદ્ધિને લઈને ખૂબ જ આશાવાદી છું. આ આશાવાદનો આધાર એ હકીકત પરથી આવે છે કે ૨૦૫૦માં આપણી સમક્ષ ૩૮ વર્ષની સરેરાશ વય સાથે ૧.૬ અબજ લોકોનું યુવા ભારત હશે.આપણી પાસે વિશ્વની સૌથી મોટી મધ્યમ-વર્ગની વસ્તી પણ હશે. આ વસ્તી વિષયક ડિવિડન્ડ સૌથી મોટા મધ્યમ વર્ગ સાથે મળીને ભારતમાં વિકાસ અને સમૃદ્ધિને વેગ આપશે અને તેને ડોલર ૩૦ ટ્રિલિયન અર્થતંત્ર બનાવશે.તેથી સ્પષ્ટ રીતે આ સદી ભારતની છે

પ્રશ્ન: ઘણા નિષ્ણાતો માને છે કે ૨૦૨૩ માં વૈશ્વિક મંદીની સંભાવના છે. શું તમે આવી આગાહીઓથી ચિંતિત છો?

ગૌતમ અદાણી: હું જન્મજાત આશાવાદી છું અને ક્યારેય આશા ગુમાવતો નથી. મને યાદ છે કે ઘણા પંડિતોએ ૨૦૦૮ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન ભારત માટે આવૃું જ અંધકારમય ચિત્ર દોર્યું હતું. પરંતુ ભારત આગાહીને હરાવવામાં સફળ રહ્યું હતું..

મને આશા છે કે આગામી કેન્દ્રીય બજેટ આ બધી ચિંતાઓને દૂર કરવાની એક મોટી તક પૂરી પાડશે. મૂડી ખર્ચ, રોજગાર, સામાજિક માળખાકીય સુવિધાઓ અને સામાજિક સુરક્ષા પર મજબૂત ધ્યાન મંદીના વૈશ્વિક વાયરાનો સામનો કરવામાં મદદ કરશે અને ભારત વધુ મજબૂત બનશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: