– દેશમાં કોરોનાના નવા ૨૬૮ કેસ, એક્ટિવ કેસો વધીને ૩૫૫૨
– આગ્રામાં કોરોના પોઝિટીવ વિદેશી યાત્રી લાપતા ઃ યાત્રીએ ૨૬ ડિસેમ્બરે તાજ મહેલની મુલાકાત લીધી હતી
એક જાન્યુઆરીથી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઇલેન્ડમાંથી ભારતમાં યાત્રીઓ માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે તેમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે.
કોરોનાનો ટેસ્ટ ભારત પહોંચ્યાના મોડામાં મોડો ૭૨ કલાક પહેલા કરાવેલ હોવો જોઇએ. પોતાના દેશમાંથી ભારત નીકળતા પહેલા એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ કોરોના રિપોર્ટ અપલોડ કરવો પડશે.
આ દરમિયાન ઉત્તર પ્રદેશના આગ્રામાં કોરોના પોઝિટિવ વિદેશી યાત્રા લાપતા થઇ ગયો છે. આ વિદેશી યાત્રીએ ૨૬ ડિસેમ્બરે તાજ મહલની મુલાકાત લીધી હતી તેમ આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે.
આગ્રાના ચીફ મેડીકલ ઓફિસર (સીએમઓ) ડો. અરૃણ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે લાપતા વિદેશી યાત્રાએ આપેલ ફોન નંબર ખોટો હોવાથી અત્યાર સુધી તેને શોધી શકાયો નથી.
આ દરમિયાન દેશમાં કોરોનાના નવા ૨૬૮ કેસ નોંધવામાં આવ્યા છે. બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૩૫૫૨ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૬,૭૭,૯૧૫ થઇ ગઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ બે મોત નોંધાતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૬૯૮ થઇ ગયો છે. એક મોત કેરળમાં જે અગાઉનો નોંધવામાં આવ્યું છે જ્યારે અન્ય એક મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૨,૩૬,૯૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૮૪નો વધારો થયો છે. અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કુલ ૨૨૦.૦૮ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
Leave a Reply