– વીસથી વધુ સેલ્ફી પોઈન્ટ રખાશે,માસ્ક ફરજીયાત કરાયો
– ૩૫ લાખના ખર્ચથી શરુ કરાયેલ ફલાવરશો પાછળ આ વર્ષે ત્રણ કરોડનો ખર્ચ,દસ લાખથી વધુ મુલાકાતીઓ શોની મુલાકાત લેશે
બે વર્ષના સમય બાદ અમદાવાદમાં રીવરફ્રન્ટ ઉપર ઈવેન્ટ ગ્રાઉન્ડ અને ફલાવર ગાર્ડન ખાતે ૩૧ ડીસેમ્બરથી ૧૨ જાન્યુઆરી સુધી ફલાવરશો આયોજીત કરવામા આવશે.વર્ષ-૨૦૧૩મા પહેલી વખત ફલાવરશોના આયોજન પાછળ મ્યુનિ.તંત્રે ૩૫ લાખનો ખર્ચ કર્યો હતો.આ વર્ષે ત્રણ કરોડનો ખર્ચ કરાશે.અલગ અલગ વીસ સ્થળે સેલ્ફી પોઈન્ટ સાથે યોજનારા ફલાવરશોમા પહોંચનારા તમામ લોકો માટે માસ્ક પહેરવો ફરજીયાત કરાયો છે.૧૨ વર્ષથી ઉપરની વયના લોકો માટે ટિકીટનો દર ત્રીસ રુપિયા રાખવામા આવ્યો છે.આ વર્ષે દસ લાખથી વધુ મુલાકાતીઓ શોની મુલાકાત લે તેવી સંભાવના વ્યકત કરાઈ છે.
સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ૩૧ જાન્યુઆરીએ ખુલ્લા મુકવામા આવનારા ફલાવરશો અંગે મેયર કિરીટ પરમારે કહયુ,આ વર્ષે ફલાવરશો આઝાદી કા અમૃત મહોત્સવ અને જી-૨૦ના થીમ ઉપર આધારીત હશે.સવારે દસથી રાત્રિના દસ કલાક સુધીનો સમય ફલાવરશો માટે નકકી કરવામા આવ્યો છે.વિવિધ કલરની વીસ જેટલી ગ્રીન વોલ સેલ્ફી પોઈન્ટ તરીકે તૈયાર કરવામા આવી છે.ઉપરાંત જુદી-જુદી સાઈઝના ફલાવર ટાવર,મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિક રમતોના સ્કલ્પચરની સાથે બસો ફુટ લાંબી ગ્રીન વોલ,ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તેમજ અલગ અલગ રંગના ફલાવર રોલના સ્કલ્પચર,બોલ તથા ડોલ્ફિન પણ લોકો માટે આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે.ફલાવરશોમા વન્ય સૃષ્ટિ સંદર્ભમાં સ્કલ્પચરની સાથે સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ, ધન્વંતરી અને ચરકઋષિના સ્કલ્પચરની સાથે વેજીટેબલની વિવિધ જાતોની સાથે ઓર્કિડ,રેનેસ્કયુલસ,લિલિયમ,પીટુનીયા,ડાયન્થસ જેવી જાતોના દસ લાખથી વધુ પ્લાન્ટેશન પણ મુલાકાતીઓનુ આકર્ષણ બની રહેશે.ફુલોમાંથી આકર્ષક પ્રવેશદ્વાર અને સ્કાય ગાર્ડન પણ હશે.
અટલફુટઓવરબ્રિજ બે વાગ્યા બાદ બંધ કરાશે
ફલાવર શોમાં મોટી સંખ્યામા મુલાકાતીઓ પહોંચતા હોવાથી ભીડને નિયંત્રિત કરવા તેમજ સંભવિત દુર્ઘટનાને ટાળવા તકેદારીના ભાગરુપે રીવરફ્રન્ટ ખાતે આવેલ અટલફુટ ઓવરબ્રિજ ફલાવરશો દરમિયાન બપોરે બે વાગ્યા બાદ બંધ કરવાનો મ્યુનિસિપલ તંત્રે નિર્ણય કર્યો છે.
ઝોનના સિવિક સેન્ટર ઉપરથી પણ ટિકીટ મળી શકશે
ફલાવરશોના મુલાકાતીઓ માટે રીવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ સેન્ટર ઉપરાંત અટલબ્રિજની પૂર્વ તરફ તથા એલિસબ્રિજ નીચેના ભાગમા ટિકીટ માટેના કાઉન્ટર રાખવામા આવશે.આ ઉપરાંત શહેરના સાત ઝોનમા આવેલ ઝોનના સિવિક સેન્ટર ઉપરથી પણ લોકોને ટિકીટ મળી રહે એ માટેનુ તંત્ર દ્વારા આયોજન કરવામા આવ્યુ છે.
કાર્નિવલ-ફલાવર શો મામલે તંત્રના બેવડા વલણ
૨૫ ડીસેમ્બરથી કાંકરીયા ખાતે ૩૧ ડીસેમ્બર સુધી કાર્નિવલની શરુઆત થઈ છે.કાંકરીયા કાર્નિવલમા મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામા આવી રહયો છે.કાર્નિવલ માટે મ્યુનિસિપલ તંત્રે લોકોને માસ્ક પહેરવા માત્ર અપીલ કરી છે.બીજી તરફ ૩૧ ડીસેમ્બરથી શરુ થઈ રહેલા ફલાવરશો માટે ત્રીસ રુપિયા ટિકીટ રાખવાની સાથે મુલાકાતીઓ માટે માસ્ક પણ ફરજીયાત કરવામા આવ્યો છે.કાંકરીયા કાર્નિવલ ભીડભાડવાળા વિસ્તારમા યોજાયો છે.ફલાવરશો ખુલ્લા અને હરીયાળી ધરાવતા વિસ્તારમા યોજાવાનો છે.આમ છતાં ફલાવર શો માટે માસ્ક ફરજીયાત કરાતા આ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.
એલિસબ્રિજના છેડે ભીખાભાઈ ગાર્ડનમા ફરવા માટે દસ રુપિયા સુધીની ફી આપવી પડશે
શહેરના એલિસબ્રિજના છેડે આવેલા ભીખાભાઈ ગાર્ડનને રીનોવેટ કરવામા આવ્યા બાદ મેયર દ્વારા આ ગાર્ડનનુ લોકાર્પણ કરવામા આવ્યુ છે.એક જમાનામા શહેરના વિદ્યાર્થીઓ આ ગાર્ડનમા પરીક્ષા સમયે વાંચવા જતા હતા.બાદમા પ્રેમી યુગલો માટે આ ગાર્ડન હોવાનુ પણ લેબલ લાગ્યુ હતુ.સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા અંદાજે ૧૭ હજાર ચોરસમીટર જગ્યામા આ ગાર્ડનને રીડેવલપ કરવાની સાથે તેમા નવા વોકીંગ ટ્રેક અને રમતગમતના સાધનો સાથે વિકસિત કરાયો છે.અગાઉ આ ગાર્ડનમા લોકો વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકતા હતા.હવે દિવ્યાંગ અને પાંચ વર્ષ સુધીના બાળકોને જ વિનામૂલ્યે પ્રવેશ મળી શકશે.પાંચથી બાર વર્ષના બાળકોને માટે ટિકીટનો દર પાંચ રુપિયા,બાર વર્ષથી વધુની વયના લોકોને ગાર્ડનમા ફરવા દસ રુપિયા ટિકીટ ફી ચૂકવવી પડશે.સિનીયર સીટીઝન માટે પાંચ રુપિયા તથા સ્કૂલ ટ્રીપમા આવતા બાળકો જો પ્રિન્સિપાલનો પત્ર રજૂ કરે તો બાળક દીઠ એક રુપિયો ટિકીટફી પેટે વસૂલાશે.
Leave a Reply