– પુતિને ક્રૂડ ઓઈલની નિકાસ પર બેન મૂકવા માટે ડિક્રી પર હસ્તાક્ષર કર્યા છે
– આ પ્રતિબંધ 1 ફેબ્રુઆરી 2023થી લાગુ થશે અને 1 જુલાઈ 2023 સુધી અમલમાં રહેશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારના રોજ ક્રૂડ ઓઈલની નિકાસને અનુલક્ષીને મોટો નિર્ણય લીધો છે. રશિયન સરકારે યુક્રેન પર મોસ્કોના હુમલાના જવાબમાં પશ્ચિમી દેશોના પ્રાઈસ કેપને ટેકો આપકા દેશો અને કંપનીઓને ક્રૂડઓઈલની સપ્લાઈ રોકવાનું ફરમાન જારી કર્યું છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલ આદેશ પ્રમાણે વિદેશી સંસ્થાઓ અને વ્યક્તિઓ કે જેમના સપ્લાય કોન્ટ્રાક્ટ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રાઈસ કેપને ઉપયોગ કરે છે તેમને રશિયન ક્રૂડ ઓઈલ અને ક્રૂડ ઓઈલ ઉત્પાદનોનો સપ્લાય પ્રતિબંધિત છે.
રાષ્ટ્રપતિ પુતિને ક્રૂડ ઓઈલની નિકાસ પર બેન મૂકવા માટે ડિક્રી પર હસ્તાક્ષર કર્યા છે. આ ડિક્રી અનુસાર, આ પ્રતિબંધ 1 ફેબ્રુઆરી 2023થી લાગુ થશે અને 1 જુલાઈ 2023 સુધી અમલમાં રહેશે. જો કે, આ ડિક્રીમાં એક એવા ક્લોઝનો પણ સમાવેશ થાય છે જેના હેઠળ પુતિનને વિશેષ કેસોમાં પ્રતિબંધ હટાવવાનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે પુતિને થોડા દિવસો પહેલા સંકેત આપ્યા હતા કે રશિયા ક્રૂડ ઓઈલ ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે. ઉપરાંત, તે દેશોને ક્રૂડ ઓઈલની સપ્લાઈ બંધ થઈ શકે છે જેમણે તેના ક્રૂડ ઓઈલ પર પ્રાઈસ કેપ લગાવ્યો છે.
પ્રાઈસ કેપનો નિર્ણય કેમ લેવામાં આવ્યો હતો?
તમને જણાવી દઈએ કે, યુરોપિયન યુનિયને 5 ડિસેમ્બરના રોજ રશિયાના ક્રૂડની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ G-7 દેશો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટેન અને અમેરિકાના રશિયાના ક્રૂડ ઓઈલ પર 60 ડોલર પ્રતિ બેરલ પ્રાઈસ કેપ લગાવ્યો હતો. આ નિર્ણય પાછળ આ દેશોનો ઈરાદો રશિયાની અર્થવ્યવસ્થાને મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો.
પ્રાઈસ કેપને અનુલક્ષીને ભારતનું સ્ટેન્ડ
યુક્રેન પર રશિયાના હુમલા બાદ પશ્ચિમી દેશોએ તેના પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા હતા. ત્યારબાદ રશિયાએ રાહત દરે ક્રૂડ ઓઈલ વેચવાનું શરૂ કર્યું હતું. આવામાં ભારતે રશિયા પાસે મોટી માત્રામાં સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસ અગાઉ રશિયાએ G-7 અને તેના સહયોગીઓ વતી તેના ક્રૂડ ઓઈલ માટે પ્રાઈસ કેપનું સમર્થન ન આપવાના ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ રશિયાએ યુરોપીયન યુનિયન અને બ્રિટેન તરફથી વીમા સેવાઓ અને ટેન્કર લેવાની સુવિધાઓ પર પ્રતિબંધ વચ્ચે ભારતને લીઝ પર એક મોટું જહાજ લેવા માટે સહકારની ઓફર કરી હતી.
Leave a Reply