તબીબી જગતમાં પગ મુકનાર છાત્રોએ સફેદ કોટ ધારણ કર્યો
અદાણી મેડિકલ કોલેજ ભુજમાં વર્ષ ૨૦૨૨ના નવા સત્રથી એમ.એમ.બી.બી.એસ.અભ્યાસક્રમ અંતર્ગત ૧૫૦ છાત્રોએ પ્રવેશ સાથે સફેદ કોટ ધારણ કરી,મેડિકલ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો અને ચિકિત્સાના માન્ય ધોરણો જાળવવાનો સંકલ્પ કરવા ઉપરાંત હિપોક્રિટસના શપથ લીધા હતા.
મેડિકલ કોલેજના સભાખંડમાં યોજાયેલા સફેદકોટ પરિધાન સમારંભના મુખ્ય મહેમાન પદેથી કરછ યુનિ.ના વાઇસ ચાન્સેલર જયવિરસિંહ જાડેજાએ મેડિકલ જગતમાં પ્રવેશ કરતા ભાવિ તબીબોને આવકારતા મંત્ર આપ્યો હતો કે,ધારણ કરેલા આ સફેદ કોટમાં દાગ ન લાગે એનું ખાસ ધ્યાન રાખજો.તેમણે સફેદ કોટની ગરિમા સમજાવી તબીબોએ જાળવવાના મૂલ્યો ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ચેર પરસન પ્રીતિબેન અદાણીએ ગુજરાતના ચુનંદા છાત્રોએ અદાણી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે તે બદલ અભિનંદન આપતા ઉમેર્યું કે, મેડિકલ વિદ્યાનું આધુનિક જ્ઞાન આ કોલેજમાંથી મળશે જે દરેકને સક્ષમ બનાવશે. ગેમ્સના ડાયરેક્ટર ડૉ.બાલાજી પિલ્લાઈએ છાત્રોને આવકારતા કહ્યું કે, આ મેડિકલનો અભ્યાસ એવો છે કે,જેમાં સતત શીખતા રહેવું જોઈએ બસ આંખ, કાન અને હૃદય ખુલ્લું રાખશો તો તમારી પ્રગતિને કોઈ રોકી શકશે નહિ.
અદાણી હેલ્થકેર ગ્રૂપના હેડ ડૉ.પંકજ દોશીએ કાર્યક્રમમાં ખાસ નિમંત્રિત ગેમ્સના પાયાના પથ્થર સમાન પૂર્વ તબીબોને આવકારી તેમના યોગદાનને બિરદાવ્યું હતું. આ પ્રસંગે કચ્છ યુનીના રજીસ્ટ્રાર ડૉ.જી.એમ.બુટાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ચીફ મેડી.સુપ્રિ. ડોનરેન્દ્ર હિરાણીએ વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા.
પ્રારંભમાં મેડિકલ કોલેજના ડીન ડૉ. એ.એન.ઘોષે સ્વાગત પ્રવચનમાં કોલેજની શૈક્ષણિક અને રચનાત્મક ઇત્તર પ્રવૃત્તિની માહિતી આપી,વિગતવાર અહેવાલ આપ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ડીન ડૉ.ગુરુદાસ ખીલનાની,પૂર્વ ડાયરેક્ટર ડૉ જ્ઞાનેશ્વર રાવ, ડૉ.મહાદેવ પટેલ, ડૉ.અરુણ પરીખ, ડૉ. રૂપાલી મોરબીયા , ડૉ.અલ્કા રાવ તેમજ વર્તમાન આસિસ્ટન્ટ ડીન ડો. સગનિક રોય અને ડૉ.પારસ પરીખ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ૧૫૦ છાત્રો અને તેમના વાલીઓએ ખાસ હાજરી આપી હતી.ઉપરાંત સંસ્કૃતિ કાર્યક્રમ અને એમ.બી. બી.એસના શ્રેષ્ઠ છાત્રોનું વાઇસ ચાન્સેલરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આભાર દર્શન એનાટોમી વિભાગના પ્રો. ડૉ.નિવેદિતા રોયે કર્યું હતું.તેમજ ગેઇમ્સના ઉપસ્થિત પૂર્વ તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું.જુદી જુદી શાખાના વડાઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
Leave a Reply