~ ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં ઠંડીએ જોર નથી પકડયું
~ તાપમાન નીચું ન હોવાથી ઘઉંના દાણામાં ભરાવો થતો નથી અને આના કારણે ઘઉંના ઉત્પાદનમાં 10 ટકાનો ઘટાડો થઇ શકે છે
~ દશેક દિવસમાં ઠંડી નહીં પડે તો ઉતારા ઘટી જશે
અડધો ડિસેમ્બર માસ વીતવા છતા હજુ કચ્છ સહિત રાજયમાં કડકડતી ઠંડી અનુભવાતી નથી. આ દિવસોમાં ઘરોઘર તાપણા માંડવા પડે તેવી કાતીલ ઠંડી અનુભવાતી હોય છે. ઠંડીના અભાવે રવિપાક ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. હાડ થીજાવી દે તેવી ઠંડી પડતી ન હોવાથી શિયાળું પાકમાં રોગચાળો ફરી વળશે તેવું નિષ્ણાંતો કહી રહ્યા છે. કચ્છ જિલ્લામાં હાલે 26744 હેક્ટરમાઘઉંનું વાવેતર કરવામાં આવ્યુ છે. દેશમાં ઘઉંના ભાવ હાલ વિક્રમી સપાટીએ છે. પરંતુ ડિસેમ્બર પૂરો થવાની તૈયારીમાં છે છતા ઠંડીએ જોર નથી પકડયું. ગરમ વાતાવરણને કારણે ઘઉંના ઉભા પાક પર ખતરો જોવા મળી રહ્યો છે. અને ઉતારામાં ઘટાડો થાય તેવી સંભાવના છે. નિષ્ણાંતોના મતે તાપમાન નીચુ ન હોવાથી ઘઉંના દાણામાં ભરાવો થતો નથી. અને આના કારણે ઘઉંના ઉત્પાદનમાં 10 ટકાનો ઘટાડો થઇ શકે છે.
હાલમાં રાયડાના પાકમાં માહુ મચ્છરથી પાકને મોટુ નુકશાન પહોંચ્યું છે તેમ ઘઉંના પાકને પણ અસર થઇ શકે છે. સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડતી હોય છે. પરંતુ તેની તુલનાએ આ વર્ષે ડિસેમ્બરમાં નહીવત ઠંડી છે. પરિણામે ઘઉં સહિતના પાકને અસર થઇ રહી છે. કચ્છ જિલ્લા ખેતીવાડી વિભાગના આંકડા અનુસાર કચ્છ જિલ્લામાં 16 મી ડિસેમ્બર સુધીમાં ઘઉંનું કુલ વાવેતર 26744 હેક્ટર થયું હતું. કચ્છ જિલ્લામાં આ વર્ષે ઘઉંનું સૌથી વધુ વાવેતર રાપર તાલુકામાં 7845 હેક. જયારે સૌથી ઓછું વાવેતર ગાંધીધામ તાલુકામાં 70 હેકટરમાં થયું છે.
બીજી બાજુ ઘઉંના ભાવ રૂા. 2850 ની સપાટી પર પહોંચ્યા હતા. ઘઉંની બજારમાં પણ ભાવ નવી ટોચે પહોંચ્ંયા છે. ઘઉંમાં માલ જ નથી. સરકારી ગોડાઉનમાં પણ તળિયા દેખાય છે અને ખેડૂતો વેપારીઓ પાસે પણ નથી જે થોડો માલ બચ્યો છે તે મલ્ટીનેશનલ કંપનીઓના હાથમાં છે અને તેઓ ગુજરાતના ભાવ મુજબ રૂા. 3000ના ભાવની આશા રાખીને વેચાણ કરતા નથી. ઘઉંના વેપારીઓનું કહેવું છે કે ઘઉંની આવકો નથી અને અત્યારે ઉભા પાક માટે વાતાવરણ ખરાબ છે જો દશેક દિવસમાં ઠંડી નહીં પડે તો ઉતારા ઘટી જશે અને ઘઉંના ભાવમાં બીજા રૂા. 50 થી 100 વધી જશે.
Leave a Reply