~ ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ આપી દીધુ
ચીન સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં ફરી કોરોનાનો ફેલાવો શરૂ થયો છે. છેલ્લા એક અઠવાડીયામાં વિશ્વના મોટા દેશોમાં કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે. આ 7 દિવસમાં 10 હજાર લોકોના મોત થયા છે. ચીન સિવાય આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત સરકારે પણ કોરોના અંગે સમીક્ષા બેઠક બોલાવી છે.
છેલ્લા 1 અઠવાડિયામાં વિશ્વભરમાં 36 લાખ કેસ
છેલ્લા 7 દિવસમાં વિશ્વભરમાં કોરોનાના 3,632,109 કેસ નોંધાયા છે. ફક્ત જાપાનમાં 1055578 કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયામાં 460,766, ફ્રાન્સમાં 384184, બ્રાઝિલમાં 284,200, અમેરિકામાં 272,075, જર્મનીમાં 223,227, હોંગકોંગમાં 108577, ચીનના પડોશી તાઈવાનમાં 107381 કેસ મળી આવ્યા છે.
છેલ્લા 7 દિવસમાં 10 હજારના મોત થયા
જાપાનમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના કારણે 1670 લોકોના જ્યારે અમેરિકામાં 1607 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયામાં 335, ફ્રાન્સમાં 747, બ્રાઝિલમાં 973, જર્મનીમાં 868, હોંગકોંગમાં 226, તાઈવાનમાં 203, ઈટાલીમાં 397 લોકોના મોત થયા છે.
ભારત સરકાર દ્વારા પણ એલર્ટ અપાયુ
વિશ્વમાં વધી રહેલા કેસોને જોઈને ભારત સરકાર પણ એલર્ટ પર આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ આપી દીધુ છે. સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા કોવિડ-પોઝિટિવ દર્દીઓના સેમ્પલ INSACOG લેબોરેટરીમાં મોકલવા જણાવ્યું છે જેથી કોરોનાનું નવું સ્વરૂપ જો હોય તો તેને ટ્રેક કરી શકાય.
મનસુખ માંડવિયાએ આજે બેઠક બોલાવી
ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત સરકારની ચિંતા વધારી દીધી છે. ચીનથી આવતા કોરોનાના આંકડાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા કોરોના અંગે સમીક્ષા એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ મોટા અધિકારીઓ પણ રહેશે હાજર.
Leave a Reply