– GTU જીપેરી કોલેજમાં ૨૨, યુનિ. માટે પાંચ પ્રોફેસરની ભરતી કરશે : ડેપ્યુટી રજિસ્ટ્રારની ફરી ભરતી પ્રક્રિયા
– જીપેરી કોલેજ-યુનિ.માં કાયમી સ્ટાફ સરકારે ન આપતા
કાયમી સ્ટાફની સરકારે હજુ સુધી મંજૂરી ન આપતા રાજ્યની સૌથી મોટી સરકારી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એવી જીટીયુ દ્વારા જીપેરી કોલેજ અને યુનિ.ના વિભાગો માટે હવે અધ્યાપકોની કરાર આધારીત હંગામી ભરતી કરાશે અને જીટીયુ પોતાના ફંડમાંથી અધ્યાપકોની પગાર ચુકવશે.જીટીયુ દ્વારા મહેસાણાની જીપેરી કોલેજમાં વિવિધ વિષયો-બ્રાંચના ૨૨ અધ્યાપકોની અને જીટીયુના નવા વિભાગોમાં પાંચ અધ્યાપકોની કરાર આધારીત ભરતી કરવાની જાહેરાત કરવામા આવી છે.
સરકારે બે વર્ષ પહેલા મહેસાણાની ગુજરાત પાવર એન્જિનિયરિંગ રીસર્ચ ઈન્સ્ટિટયુટ એટલે કે જીપેરી કોલેજ જીટીયુને સોંપી હતી અને જીટીયુ દ્વારા બે વર્ષથી આ કોલેજ ચલાવવામા આવી રહી છે.જીટીયુ દ્વારા આ કોલેજ માટે અધ્યાપકો સહિતના કાયમી સ્ટાફની માંગણી કરવામા આવી હતી.૫૮ જગ્યાઓ માટે જીટીયુએ એક વર્ષ પહેલા માંગણી કરી હતી જો કે હજુ સુધી સરકારે મંજૂરી આપી નથી. આ ઉપરાંત જીટીયુની સ્થાપના થયાને ૧૫ વર્ષ બાદ પણ હજુ સુધી યુનિ.ના વિવિધ વિભગોમાં ટીચિંગ અને નોન ટીચિંગનો પુરતો સ્ટાફ નથી.મોટા ભાગની જગ્યાઓ કરાર આધારીત હંગામી છે. જીટીયુ દ્વારા યુનિ.માં પણ ૭૦થી વધુ ટીચિંગ અને નોન ટીચિંગ જગ્યાઓ માગવામા આવી હતી.પરંતુ જેની પણ હજુ મંજૂરી મળી નથી. સરકાર દ્વારા કાયમી સ્ટાફ-મહેકમની મંજૂરી ન અપાતા જીટીયુ હવે પોતાની રીતે હંગામી ભરતી કરશે. કારણકે જીપેરી કોલેજમાં અધ્યાપકો ન હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડી રહ્યુ છે.
જેથી જીટીયુ જીપેરી કોલેજમાં સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર સહિતના ચાર બ્રાંચમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતના ૨૨ અધ્યાપકોની ૧૧ માસના કરાર આધારીત ભરતી કરવામા આવનાર છે.આ ઉપરાંત યુનિ.માં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં અને નવા શરૃ કરાયેલા ઈન્ડિયન નોલેજ સીસ્ટમ ડિપાર્ટમેન્ટમાં કુલ મળીને પાંચ અધ્યાપકોની હંગામી ભરતી કરાશે. સરકારે કાયમી સ્ટાફ ન આપતા જીટીયુ આ હંગામી અધ્યાપકોને માસિક ૪૦ હજારથી ૫૫ હજાર સુધીનો પગાર પોતાના ફંડમાંથી આપશે. જ્યારે જીટીયુ દ્વારા ડેપ્યુટી રજિસ્ટ્રારની ફરીવાર ભરતી પ્રક્રિયા કરાશે. અગાઉ કરાયેલી ભરતી પ્રક્રિયામાં ડેપ્યુટી રજિસ્ટ્રાર માટે ઉમેદવાર ન મળતા ફરી વાર જાહેરાત કરવામા આવી છે અને આ ઉપરાંત જુનિયર કલર્કની બે અને ડેટા એન્ટ્રી ઓપરેટરની એક સહિત વહિવટી સ્ટાફની ત્રણ જગ્યાઓ પણ ભરવા માટે પ્રક્રિયા શરૃ કરાઈ છે.
Leave a Reply