– રમણીક સોમેશ્વરના કાવ્ય સંગ્રહ ‘શાહીનું ટીપું’, માવજી મહેશ્વરીની નવલકથા ‘સોનટેકરી’ને એવોર્ડ જાહેર
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વર્ષ 2018 અને 2019ના બે વર્ષનાં શ્રેષ્ઠ પુસ્તકોને તાજેતરમાં વિવિધ પારિતોષિક જાહેર કરાયા છે, જે પૈકી એક કવિતા માટે અને એક નવલકથા માટે એમ બે પારિતોષિક કચ્છના સર્જકોને મળ્યા છે. જાણીતા કવિ અને અનુવાદક રમણીક સોમેશ્વરના કાવ્ય સંગ્રહ ‘શાહીનું ટીપું’ ને 2019 માટે ઉમા-સ્નેહરશ્મિ’ એવોર્ડ તથા જાણીતા લેખક માવજી મહેશ્વરીની નવલકથા ‘સોનટેકરી’ને 2018ના વર્ષનું પ્રિયકાન્ત પરીખ એવોર્ડ જાહેર થયો છે. આ બંને એવોર્ડ 16થી 18 ડિસેમ્બર 2022ના રોજ સાયલા ખાતે યોજાનારા સાહિત્ય પરિષદના અધિવેશનમાં અર્પણ થશે.
કવિ રમણીક સોમેશ્વર આલા દરજ્જાના કવિ છે. તેમણે ‘તમે ઉકેલો ભેદ’ અને ‘શાહીનું ટીપું’ નામના બે કાવ્ય સંગ્રહો આપ્યા છે. ઉપરાંત તેઓ સારા અનુવાદક પણ છે. ‘ઝંઝાવાત વચ્ચે ફૂલ’, ‘જળગીત’ અને ‘સમયને સુવા નહીં દઉં’ એમ ત્રણ અનુવાદના પુસ્તકો આપ્યાં છે. જે પૈકી તેલુગુ કવિ એન. ગોપીના દીર્ઘ કાવ્યનો ગુજરાતી અનુવાદ ‘જળગીત’ને 2009ના વર્ષ માટે કેન્દ્રિય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યુ છે. એમણે ગુજરાતી કવિતા ચયન 2002, આનંદના આલોકમાં તથા પત્રલાભ નામના ત્રણ સંપાદનો પણ આપ્યા છે.
વાર્તાકાર અને નવલકથાકાર માવજી મહેશ્વરીના વિવિધ સ્વરૂપોના ચોવીસ પુસ્તકો પ્રગટ થયાં છે, જેને અકાદમી, પરિષદ તેમજ વિવિધ સાહિત્યિક સંસ્થાઓ તરફથી એવોર્ડ પ્રાપ્ત થયા છે. એમનું સાહિત્ય ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓમાં ભણાવાઈ રહ્યું છે. માવજી મહેશ્વરી દિવ્યભાસ્કરની રસરંગ પૂર્તિના કટાર લેખક છે ગુજરાતી સાહિત્ય પરિષદના એવોર્ડ મેળવનારા બંને સર્જકો અંજારના છે.
Leave a Reply