– ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી
ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમના મંત્રીમંડળના 4 સભ્યો પણ શપથ લીધા હતા. આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે પહોંચી ગયા છે.
કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર ત્રણ મોટાં સ્ટેજ બનાવાયાં હતા. આ ત્રણેય સ્ટેજ પૈકી બે સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ બિરાજ્યા હતા, જ્યારે એક સ્ટેજ પર સાધુ-સંતો હાજર રહ્યા હતા, તો સાથે સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લીધા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
શપથવિધિ માટે તૈયારી કરાઈ હતી
સવારથી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના પહેલાં તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે યોજાનારા શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વીવીઆઈપીના આગમનને પગલે માઇક્રો લેવલની સિક્યોરિટી તેમજ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
શપથવિધિના મંચ પર 25 ખુરસીઓ મુકાઈ
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લેવાના હતા, ત્યારે સચિવાલય સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પૂરી કરાઈ હતી. ત્રણ અલગ અલગ બનાવેલા મંચ પૈકી નિયુક્ત મંત્રીમંડળના સભ્યો માટે તૈયાર કરાયેલા મંચ પર 25 ખુરસીઓ ગોઠવવામાં આવી હતી. બીજી તરફ 20 હજાર જેટલા કાર્યકરો બેસી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
આદિવાસીઓ મંત્રી બનાવવાનું નક્કી કરાતાં ખુશ
મંત્રીમંડળ નક્કી થયા પહેલાં એમએલએ ક્વાર્ટરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. આદીવાસીઓને મંત્રી બનાવશે એવી જાણ થતાં આદિવાસીઓએ ગાંધીનગરના એમ.એલ.એ કવાર્ટર ખાતે આદિવાસી નૃત્ય કર્યું હતું.
પૂર્વસંધ્યાએ વડાપ્રધાન અને ગૃહમંત્રી ગુજરાતમાં
એક દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી ગયા હતા. એરપોર્ટથી ગાંધીનગર રાજભવન ગયા ત્યારે લોકો તેમને જોવા રોડની બંને સાઈડ ઊમટ્યા હતા. અમદાવાદ એરપોર્ટ વડાપ્રધાનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન રવાના થયા હતા. તેમણે રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. વડાપ્રધાનના આગમન પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા.
મંત્રીપદ માટે આ લોકોને ટેલિફોનિક જાણ કરાઈ
શપથની આગલી રાત્રે ગાંધીનગર કમલમમાંથી નેતાઓને ફોન કરવામાં આવ્યા હતા. આજે સોમવારે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લીધા હતા. જોકે કહેવામાં આવી રહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત આવ્યા બાદ ગાંધીનગર ખાતે મંત્રીમંડળના સભ્યોનાં નામ પર ચર્ચા કરવામાં આવી હતી. એ બાદ મોડી રાત્રે ગાંધીનગર કમલમમાંથી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, ભાનુબહેન બાબરિયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપૂત, બચુ ખાબડ, જગદીશ પંચાલ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર સહિતના નેતાઓને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના બંને ચહેરાઓને સ્થાન મળ્યું છે.
મંત્રીના લોબિંગ માટે ધારાસભ્યો પાટીલને મળ્યા
નવા મંત્રીમંડળની રચના થાય એ પહેલાં વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ ભાજપ-અધ્યક્ષ સીઆર પાટીલને મળવા તેમના ગાંધીનગરમાં આવેલા બંગલે મળવા પહોંચ્યા હતા. એ પછી અન્ય ઘણા ધારાસભ્યો પોતાના લોબિંગ માટે આવ્યા હતા. આ ધારાસભ્યોએ માત્ર ઔપચારિકતા માટે જ આવ્યા હોવાનું રટણ લગાવ્યું હતું. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણાએ પોતાને મંત્રી બનવું છે, તેવી ઇચ્છા વ્યક્ત કરી દીધી હતી, પરંતુ પાટીલે આ નિર્ણય માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ લેશે એમ કહી તેમને રવાના કર્યા હતા.
Leave a Reply