– પ્રોફેસરોની ઘટ અને માળખાકીય સુવિધાનો અભાવ સહિતના પડકારો
શૈક્ષણિક સત્ર 2023-24 થી સમગ્ર દેશમાં નવી શૈક્ષણિક નીતિ લાગુ કરવાની વિચારણા છે જો આ નીતિ ગુજરાતમાં ચાલુ વર્ષથી અમલી બની જાય તો કચ્છ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ બદલાશે જેને લઇને યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને આ માટે પ્રોફેસરો સાથે તેમજ કમિટી સાથે મીટિંગ પણ યોજવામાં આવી હતી. અભ્યાસક્રમ તો બદલાઇ જશે, પરંતુ આ નીતિ લાગુ થશે તો કચ્છની કોલેજોમાં પ્રોફેસરોની ઘટ તેમજ માળખાકીય સુવિધાના અભાવ સહિતના પડકારોનો પણ સામનો કરવો પડશે.
નવી શૈક્ષણિક નીતિની જો વાત કરીઅે તો કોલેજોને ગ્રેડ સ્વાયત્તતા આપવા માટે એક મિકેનિઝમ સ્થાપિત કરવામાં આવશે. અને થોડા સમય પછી એવું માનવામાં આવે છે કે દરેક કોલેજ સ્વ-સંચાલિત ડિગ્રી પ્રદાતા અથવા યુનિવર્સિટીના મધ્યસ્થી તરીકે વિકસિત થશે. તેમજ હાલ વિદ્યાર્થી કોઇપણ એક ફેકલ્ટીમાં અભ્યાસ કરી શકે છે પણ નવી શિક્ષણ નીતિથી અેક સાથે બે ફેકલ્ટીમાં પોતાના મનપસંદ વિષયો સાથે વિદ્યાર્થી અભ્યાસ કરી શકશે. જેમકે બી.કોમ.નો વિદ્યાર્થી બી.એ.ની ડિગ્રી પણ સાથે મેળવી શકશે. વિદ્યાર્થીઓની કારર્કીદી માટે આ નીતિમાં અનેકવિધ સુધારા કરાયા છે જે ઘણા ઉપયોગી સાબીત થશે.
યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ આવતા રાજ્યભરમાં કોમન કોર્સની દિશામાં ગતિવિધિ થઈ રહી છે જેથી રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં 60% કોર્સ કોમન રહેશે અને 40% કોર્સ સ્થાનિક રહેશે જે પ્રમાણે કચ્છ યુનિવર્સિટીએ 40 ટકા અભ્યાસક્રમ તૈયાર કરવાની ગતિવિધિ આગળ વધારી પ્રોફેસરોએ તે માટેનો કોર્સ પણ તૈયાર કર્યો છે. તેમજ 60 ટકા સમાન કોર્સમાં કચ્છનો પણ હિસ્સો રહે તે માટે પ્રોફેસરોની એક ટીમ બનાવવામાં આવી છે.
જેથી વિદ્યાર્થી ભુજ અને અમદાવાદ બે સ્થળોએ અભ્યાસ કરી શકે તેમ છે જો આવતા વર્ષથી નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે તો કોર્સ પણ બદલાઈ જશે, પરંતુ મહત્વની વાત એ છે કે નવી શિક્ષણનીતિના અમલીકરણ માટે સુવિધા જોઇશે જે કચ્છમાં અપૂરતી છે.
કારણ કે, 45 કોલેજમાં સરકારી કોલેજ આંગળીના વેઢે ગણાય તેટલી જ છે. તેમાં પ્રોફેસરોની ભારે અછત છે. પ્રિન્સિપાલ પણ ઇન્ચાર્જ છે. વર્ગ ખંડો અપૂરતા હોય છે. તેમજ ડિજીટલાઇઝેશનનો અભાવ છે. કચ્છની સરકારી કોલેજો સરકારી શાળા જેવી છે જો નવી શિક્ષણ નીતિ અમલમાં આવે તો ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવા ક્ષેત્રે પણ કામ કરવું પડશે જે મુદ્દાઓ ભારે અસર કરશે.
એક્સટર્નલ કોર્સ ત્રણ વર્ષથી છે બંધ
નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થી એક સાથે બે કોર્સ કરી તેવો વિકલ્પ અપાયો છે પણ કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષથી એક્સટર્નલ કોર્સ બંધ પડ્યા છે. એક તરફ સરકારી કોલેજોમાં અપૂરતી સુવિધા બીજી તરફ દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો તેમાં બી.એ. અને બી.કોમ. સહિતના અભ્યાસક્રમોમાં નિષ્ણાત પ્રોફેસરોની અછત વચ્ચે ખાનગી કોલેજો દ્વારા ફી તો વસૂલાય છે પણ પ્રોફેસરોનો પગાર ઓછો હોવાથી અભ્યાસમાં ગુણવત્તા જળવાતી નથી. જેથી ટ્યૂશન પર ભારણ વધે છે. જો એક્સટર્નલ કોર્સ શરૂ હોય તો વિદ્યાર્થીઓનો ઘણો ફાયદો થાય પણ તે બંધ છે.
Leave a Reply