– કોંગ્રેસ 26 જાન્યુઆરીથી દેશભરમાં ‘હાથ સે હાથ જોડો અભિયાન’ શરૂ કરશે
કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ સ્ટીયરિંગ કમિટીની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે તમામ પદાધિકારીઓને પોતપોતાના જિલ્લાનો હિસાબ આપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં લોકો માટે કામ કરવું પડશે. આ બેઠકમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, અશોક ગેહલોત સહિત અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પાર્ટીને લગતા ઘણા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. જેમાં ‘ભારત જોડો યાત્રા’ બાદ કોંગ્રેસ ‘હાથ સે હાથ જોડો અભિયાન’ શરૂ કરશે તેવું એલાન કરવામાં આવ્યું છે. આ સાથે જ પ્રિયંકા ગાંધીને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
ખડગેના અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ સ્ટીયરિંગ કમિટીની આ પ્રથમ મોટી બેઠક હતી. આ બેઠક બાદ જણાવવામાં આવ્યું હતું કે, 26 જાન્યુઆરીની આસપાસ ભારત જોડો યાત્રા શ્રીનગર પહોંચશે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે અને તેમાં સતત વ્યસ્ત રહેવાને કારણે રાહુલ ગાંધી માટે સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવો વ્યવહારુ રહેશે નહીં. કેસી વેણુગોપાલે કહ્યું કે ‘ભારત જોડો યાત્રા’ બાદ કોંગ્રેસ 26 જાન્યુઆરીથી દેશભરમાં ‘હાથ સે હાથ જોડો અભિયાન’ શરૂ કરશે. જે અંતર્ગત બ્લોક, પંચાયત અને બુથ કક્ષાએ જનસંપર્ક કરવામાં આવશે. વેણુગોપાલે જણાવ્યું કે, આ અંતર્ગત બ્લોક, પંચાયત અને બૂથ સ્તરે લોકોનો સંપર્ક કરવામાં આવશે. વેણુગોપાલે કહ્યું કે, બે મહિનાના આ અભિયાનમાં રાહુલ ગાંધીનો પત્ર પણ લોકોને સોંપવામાં આવશે જેમાં યાત્રાનો સંદેશ હશે અને તેની સાથે નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ ચાર્જશીટ સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવશે. ખડગે સહિત પાર્ટીના તમામ નેતા આ કાર્યક્રમમાં ભાગ લેશે. કોંગ્રેસે એલાન કર્યું છે, પ્રિયંકા ગાંધી દરેક રાજ્યમાં મહિલા માર્ચનું નેતૃત્વ કરશે.
જયરામે જણાવ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ તેમાં ભાગ લેશે. આ સિવાય કોંગ્રેસ પાર્ટી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં છત્તીસગઢના રાયપુરમાં ત્રણ દિવસનું પૂર્ણ સત્ર યોજવા જઈ રહી છે. જેમાં યુવા, બેરોજગારી દરખાસ્ત, આર્થિક દરખાસ્ત જેવા પ્રસ્તાવો લાવવામાં આવશે.
Leave a Reply