દિલ્હી એઈમ્સનું સર્વર એક સપ્તાહથી ડાઉન: અસંખ્ય દર્દીઓ પરેશાન

– હોસ્પિટલમાં મોટાભાગની સુવિધા મેન્યુઅલી શરૂ કરવી પડી  50 સર્વર અને 5000 કમ્પ્યુટર્સને સ્કેન કરવાની પ્રક્રિયા શરૂ

દિલ્હી એઈમ્સ પર સાઈબર એટેક થયો હતો. હેકર્સે એઈમ્સની કમ્પ્યુટર્સ સિસ્ટમ ખોરવી નાખીને ૨૦૦ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. સરકારી તપાસ એજન્સીઓ અને સાઈબર એક્સપર્ટ્સે સિસ્ટમ રિસ્ટોર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. એઈમ્સના ૫૦૦૦ કમ્પ્યુટર્સ અને ૫૦ સર્વરને સ્કેન કરવામાં આવી રહ્યાં છે. હેકર્સે ડેટાના બદલામાં ૨૦૦ કરોડ રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવવાની માગણી કરી છે. એઈમ્સના ત્રણથી ચાર કરોડ દર્દીઓના ડેટા લીકનો ખતરો મંડરાઈ રહ્યો છે. એમાં પૂર્વ વડાપ્રધાનોથી લઈને મંત્રીઓ અને ટોચના નેતાઓના ડેટાનો પણ સમાવેશ થાય છે.

દિલ્હી એઈમ્સની કમ્પ્યુટર સિસ્ટમ પર ખતરનાક સાઈબર એટેક થયો છે. તેના કારણે આખી એઈમ્સમાં કમ્પ્યુટર્સ સિસ્ટમ ખોરવાઈ ગઈ છે અને હોસ્પિટલનું સર્વર એક સપ્તાહથી સ્લો થઈ જતાં સેંકડો દર્દીઓ પરેશાન થઈ રહ્યાં છે. સાઈબર એક્સપર્ટ્સની સલાહ પછી હોસ્પિટલમાં ઈન્ટરનેટની સર્વિસ બ્લોક કરી દેવામાં આવી છે અને અત્યારે મોટાભાગની પ્રક્રિયા મેન્યુઅલી કરવામાં આવી રહી છે. સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે એઈમ્સની સિસ્ટમને રિસ્ટોર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. કુલ ૫૦ સર્વરમાંથી ૨૦ સર્વર સ્કેન કરી લેવાયા છે. ૫૦૦૦ કમ્પ્યુટર્સનું વિશાળ નેટવર્ક ધરાવતી સિસ્ટમને સ્કેન કરતાં દિવસો લાગી શકે છે. ૫૦૦૦ હજારમાંથી લગભગ ૧૨૦૦ જેટલાં કમ્પ્યુટર્સ સ્કેન થઈ રહ્યાં છે. એન્ટી વાયરસની સિસ્ટમ ઈન્સ્ટોલેશનની પ્રોસેસ હાથ ધરાઈ છે. આ પ્રક્રિયા ચાલશે ત્યાં સુધી હજુય થોડા દિવસ હોસ્પિટલનું તમામ ઓનલાઈન કામ બંધ રહેશે. એકાદ સપ્તાહ સુધી બધુ મેન્યુઅલ સિસ્ટમથી કામ થશે. ઈ-હોસ્પિટલની ઓનલાઈન સર્વિસ સત્વરે કાર્યરત કરવાની દિશામાં પણ કામ ચાલી રહ્યું છે.

આ સાઈબર એટેક બાબતે ગૃહ મંત્રાલયની ટીમ, દિલ્હી પોલીસનો સાઈબર વિભાગ અને ધ ઈન્ડિયન કમ્પ્યુટર્સ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સર્ન-ઈન)ના સાઈબર એક્સપર્ટ તપાસ કરી રહ્યાં છે. આ રેન્સમવેર એટેક બાબતે વધુ તપાસ કર્યા બાદ જ વિગતો જાહેર થશે.

એઈમ્સમાં અત્યાર સુધીમાં લગભગ ત્રણથી ચાર કરોડ દર્દીઓ એડમીટ થઈને સારવાર લઈ ચૂક્યા છે. એ તમામનો ડેટા ઓનલાઈન હતો. એ સંવેદનશીલ ડેટા આ સાઈબર એટેકથી જોખમમાં મૂકાયો છે. આવડું વિશાળ કમ્પ્યુટર નેટવર્કમાં શું ખામી રહી ગઈ તે સવાલ પણ ઉઠી રહ્યો છે. આટલો મહત્ત્વનો અને સંવેદનશીલ ડેટા હોવા છતાં હેકર્સ કેવી રીતે પહોંચી ગયા હશે એની તપાસ પણ ચાલી રહી છે. ત્રણથી ચાર કરોડ દર્દીઓમાં દેશના ટોચના નેતાઓ અને મહાનુભાવોના ડેટાનો પણ સમાવેશ થાય છે. દેશના પૂર્વ વડાપ્રધાનો, પૂર્વ મંત્રીઓ, વર્તમાન મંત્રીઓ અને વિવિધ પક્ષોના નેતાઓ એઈમ્સમાં સારવાર લેતા હોય છે. તે ઉપરાંત ઉદ્યોગપતિઓથી લઈને જાહેરક્ષેત્રના લોકો અને બંધારણીય હોદ્દો ધરાવતા મહાનુભાવો અને ટોચના અધિકારીઓ એઈમ્સમાં સારવાર લઈ ચૂક્યા છે. આ તમામનો ડેટા લીક થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.

ભારત સહિતના 84 દેશોના 50 કરોડ વોટ્સએપ યુઝર્સનો ડેટા લીક

– ઓનલાઈન વેચવા મૂકાયેલા ડેટામાં 62 લાખ ભારતીયોના ફોનનંબર હોવાનો દાવો સાઈબર ન્યૂઝના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો એ પ્રમાણે ભારત-રશિયા-અમેરિકા-સાઉદી અરેબિયા-ફ્રાન્સ-બ્રિટન સહિતના ૮૪ દેશોના વોટ્સએપ યુઝર્સનો ડેટા લીક થયો છે. આ દેશોના લગભગ ૫૦ કરોડ વોટ્સએપ યુઝર્સની વિગતો હેકર્સ પાસે પહોંચી ગઈ છે અને એ ડેટા હવે ઓનલાઈન વેચવા પણ મૂકાયો છે. અહેવાલમાં વધુ ચોંકાવનારી વિગતો એ હતી કે એ લીક થયેલા ડેટામાં ૬૨ લાખ ભારતીયોના ફોનનંબર પણ વેચવા મૂકાયા છે. ભારત આ લિસ્ટમાં ૨૫મા ક્રમે છે. સૌથી વધુ ૪.૪૮ કરોડ યુઝર્સના ડેટા સાથે ગ્રીસ આ યાદીમાં પ્રથમ ક્રમે છે. ઈટાલીના ૩.૫૬ કરોડ અને અમેરિકાના ૩.૨૩ કરોડ યુઝર્સનો ડેટા લીક થયો હતો. ૮૪ દેશોના ૫૦ કરોડ વોટ્સએપ યુઝર્સનો ડેટા હેકર્સે સાત હજાર ડોલરમાં વેંચવા કાઢ્યો છે. વોટ્સએપ નંબર, નામ સહિતની વિગતો એમાં સામેલ છે. આ ડેટા કેવી રીતે લીક થયો તે બાબતે વોટ્સએપ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. પરંતુ ફિશિંગ એટેકના માધ્યમથી હેકર્સે આ ડેટા એકઠો કરીને વેંચવા કાઢ્યો હોવાની શક્યતા છે. આ ડેટાનો ઉપયોગ ઘણી કંપનીઓ માર્કેટિંગ માટે કરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: