– દસ લાખમાં ૨-૩ દર્દીઓ જોવા મળતા હોય તેવા કેસમાં મેડિસિન વિભાગની આ દિશામાં સીમાચિહ્નરૂપ સફળતા
જી.કે જનરલ અદાણી હોસ્પિટલમાં મેડિસિન વિભાગની ટીમે માનવ શરીર રચનામાં જ્વલ્લે જ જોવા મળતા રક્તવાહિનીના રોગ (ટાકાયાસુ આર્ટરાઈટિસ)નું નિદાન કરી એક મહિલાની સારવારની દિશા સુનિશ્ચિત કરી હતી. મહાધમનીનો આ રોગ દસ લાખ દર્દીઓ પૈકી એક થી બે વ્યક્તિમાં જોવા મળે છે.
ગાંધીધામના મનીષાબેન(ઉ.વ.૨૭)જી.કે.માં આવ્યા ત્યારે તેમને ચક્કર આવતા હતા.પ્રથમ નજરે આવા કેસમાં તબીબનું ધ્યાન બીપી ઉપર જ કેન્દ્રિત થાય છે.અહીં પણ એવું જ થયું.બેનનું બીપી ચકાસતા ડો.ના અચંબા વચ્ચે હાથમાં ક્યાંય ધબકારા સંભળાતા જ નહોતા.ત્યાર બાદ પગમાં પ્રયત્ન કર્યો તો પલ્સ યાને કે ધબકારા સંભળાયા, તો બીપી ઓછું જણાયું.આ કેસ દુર્લભ છે, તેવો અહેસાસ મેડિસિનની ટિમના ડો.યેસા ચૌહાણ, ડો. જયંતિ સથવાર,.ડો શૈલ જાની,ડો મયુર પટેલ, ડો.સાગર સોલંકી અને ડો નીલમને આવી જતાં તેમણે રેડિઓલોજીનો સહારો લીધો.
સી.ટી. એંજિઓગ્રાફી કરતાં માલૂમ પડ્યું કે, હૃદયની સબ્ક્લેવિયન આર્ટરી(મહાધમની)જે હાથ તેમજ શરીરના ઉપરના ભાગને રક્ત પૂરું પાડે છે એ અત્યંત સાંકળી થઈ ગઈ હતી.જેથી હાથને લોહી ન્હોતું મળતું, પરંતુ નીચે લોહી પૂરી માત્રામાં જતું હોવાથી પલ્સ મળતા હતા.આમ ભાગ્યેજ દેખાતા આવા હૃદયરોગ જેવા કેસનું નિદાન કરી મેડિસિન વિભાગે નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. મનીષાબેનને દાખલ કર્યા છે અને તેમની સારવર માટે અન્ય નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે.
મહાધમનીના આ રોગના લક્ષણ:
શરીરમાં ધમનીને નુકસાન પહોંચાડતો આ રોગ હૃદયરોગ સબંધી સમસ્યા ઊભી કરી શકે.આ રોગના લક્ષણો અંગે તબીબોએ કહ્યું કે, થાક લાગે, ચક્કર આવે, વજન અચાનક ઓછું થાય, માથું દુખવા લાગે તેમજ હાઇ કે લો બીપી જણાય.સારવાર દવાથી થઈ શકે છે એમ તેમણે જણાવ્યું હતું
Leave a Reply