– સંતુલિત આહાર અને રમકડાથી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપી બને
અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં બાળરોગ વિભાગના જુદા જુદા વોર્ડમાં અને થેલેસેમિયાની સારવાર લેતા ચૌદ વર્ષ સુધીના બાળકોને ૧૪મી નવેમ્બરના રોજ ઉજવાતા બાળદિન નિમિતે પૌષ્ટિક આહારની વિશેષ ડિશ અને રમકડાંનું વિતરણ કરી તબીબોએ બાળકોના વાલીઓને બાળઉચ્છેર અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જી.કે.જનરલ હોસ્પિટલ અને કેન્દ્ર સરકાર પ્રયોજિત તથા જિલ્લા પંચાયત હસ્તક કાર્યરત બાલ સંજીવની કેન્દ્ર દ્વારા અનુક્રમે પૌષ્ટિક આહાર અને રમકડાંનું વિતરણ કરતાં હોસ્પિટલના ચીફ મેડી.સુપ્રિ. ડો નરેન્દ્ર હિરાણી અને બાળરોગ નિષ્ણાંત ડો. રેખાબેન થડાનીએ કહયું કે, જો બાળકોને પૌષ્ટિક અને સંતુલિત આહાર નિયમિત આપવામાં આવે તો નિશ્ચિતપણે શીશુ સ્વસ્થ રહેશે. તેમણે બાળકોના માનસિક વિકાસમાં રમકડાંનું મહત્વ પણ સમજાવ્યું હતું.
આ પ્રસંગે બાળરોગ વિભાગના ડો કરણ પટેલ, હોસ્પિટલમાં ચાલતા સંજીવની કેન્દ્રના આહારશાસ્ત્રી ભાવિનીબેન દવે, નેહાબા ઉપરાંત નર્શિંગ સ્ટાફ તેમજ એડમીન વિભાગના ડો.ડેન્સી ઠક્કર, કરણ ભટ્ટ, વિશાલ શાહ, નિશાંત જોષી વિગેરેએ આયોજનને સફળ બનાવવા જહેમત લીધી હતી.
Leave a Reply