G-20 ની આંતરરાષ્ટ્રીય સમીટ આયોજન માટે કેન્દ્ર સરકારની ટીમનો સફેદ રણમાં પડાવ

– ત્રિદિવસીય મુલાકાત દરમિયાન ટીમના સભ્યોએ પ્રથમ દિવસે ટેન્ટસિટી નિહાળી આજે ધોળાવીરા અને આવતીકાલે કાળા ડુંગરની મુલાકાત લેશે

– યજમાન દેશ ભારત સહિત 20 દેશના પ્રતિનિધિઓ આપશે હાજરી નમક સરોવરસમું રણ આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકશે

ડિસેમ્બર મહિનામાં ભારતને એક વર્ષ માટે G-20ની સમીટનું અધ્યક્ષપદ પ્રાપ્ત થશે ત્યારે દેશમાં વિવિધ સ્થળોએ બેઠકો યોજવાની હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે, કચ્છના સફેદ રણમાં પણ G-20 ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. જે ખરેખર જિલ્લા માટે મહત્વપૂર્ણ બાબત છે ત્યારે આ પરિષદના આયોજન સંદર્ભે કેન્દ્ર સરકારના વિવિધ અધિકારીઓએ ધોરડો ખાતે પડાવ નાખ્યો છે. હાલમાં આયોજન સમીક્ષા કરવામાં આવી રહી છે. મંગળવારે આ ટીમના સભ્યો ધોળાવીરા અને કાલે કાળો ડુંગરની મુલાકાત લઈ પરિસ્થિતિથી વાકેફ થશે.

G-20 સમીટના આયોજન સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ સેક્રેટરીયલ ટીમની રચના કરવામાં આવી છે. જેના સાત સભ્ય કંડલા એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ ધોરડો ખાતે પહોંચ્યા હતા. મંગળવારે કાર્તિકી પૂનમનો નજારો નિહાળ્યો હતો. દિવસ દરમિયાન G20 બેઠક માટે કોન્ફરન્સના સ્થળો, આવાસ સુવિધાઓ, પરિવહન અને અન્ય લોજિસ્ટિક્સ વ્યવસ્થાઓની ભૌતિક ચકાસણી કરી હતી. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી રાજીવ જૈન, સ્પેશ્યલ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સિંઘ,સિક્યુરિટીના બી.કે.શર્મા, પ્રવાસન વિભાગના ડાયરેક્ટર જશવિંદરસિંઘ, વેંકટ આરડી, થોમસ કુકના જનરલ મેનેજર અમૂલ્ય રતન સહિતના અધિકારીઓએ મંગળવારે ધોરડો ટેન્ટસીટી અને સફેદ રણની મુલાકાત લેવા સાથે ભુજથી ધોરડો હાઇવેની પણ સમીક્ષા કરી હતી.

આ ટીમના સભ્યો બુધવારે ધોળાવીરા ટેન્ટસીટી ખાતે રાજ્ય અને જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે કોનફરન્સ કરશે જ્યાં સમીટના જોઈન્ટ સેક્રેટરી એલ.રમેશ બાબુ ખાસ હાજર રહેશે તેવું પણ જાણવા મળ્યું છે. ગુરુવારે કાળો ડુંગર ખાતે પણ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય મુલાકાત દરમ્યાન વિવિધ બાબતોની સમીક્ષા કરી આયોજન કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે,ભારત ડિસેમ્બર 2022 થી ડિસેમ્બર 2023 સુધી G20 સમિટનું અધ્યક્ષ રહેશે અને સમગ્ર વર્ષ દરમિયાન 200 થી વધુ બેઠકો યોજાશે. ભારત અદભૂત ઈતિહાસ અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. જેથી સરકાર આ મહત્વપૂર્ણ બેઠક દેશના પ્રસિદ્ધ સ્થળોએ યોજીને આ વિરાસતને વિખ્યાત કરવા માગે છે. જેના થકી ઐતિહાસિક સ્થળોની જાળવણી પણ થશે.

નવા ધોરીમાર્ગ બનવા સાથે અેર કનેક્ટિવિટી વધે તેવા અણસાર
વિવિધ 20 દેશના પ્રતિનિધિઓ સફેદ રણમાં હાજરી આપવાના છે ત્યારે તેઓ સ્પેશ્યલ ચાર્ટડ પ્લેનથી આવવાના હોઇ કંડલા કે ભુજ એરપોર્ટ પર ઉતરાણ કરી પછી ધોરડો સુધી બાય રોડ જાય તેવી શકયતા છે. અથવા તો ખાસ ધોરડોમાં હેલિપેડ બનાવવામાં આવશે. જો તેઓ રસ્તા પરિવહનનો ઉપયોગ કરશે તો ભુજ-ખાવડા નેશનલ હાઇવે ફરી નવો બનશે તેવું સૂત્રો કહી રહ્યા છે. તેમજ અધિકારીઓ આવશે ત્યારે સફેદ રણને નિહાળી અહીંથી કચ્છી હસ્તકલા અને વસ્તુઓની ખરીદી પણ કરશે. જેનાથી સ્થાનિક માર્કેટ અને લોકલ ફૂડને વેગ બનશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. હાલમાં કંડલા ઍરપોર્ટ પર ફલાઇટ કનેક્ટિવિટી વધુ છે પણ ભુજ એરપોર્ટમાં નવી વિમાની સેવા મંજૂર થતી નથી. અહીં અઠવાડિયામાં માત્ર 4 જ દિવસ અમદાવાદ અને મુંબઈની સેવા છે ત્યારે આ બેઠકને લઈને વધુ ફલાઇટ સેવા શરૂ થાય તેવા સંજોગો પણ જોવા મળી રહ્યા છે.

રશિયા, ચીન, જાપાન સહિતના દેશના પ્રતિનિધિઓની હશે હાજરી
G20 એ વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું આંતર-સરકારી મંચ છે. તેમાં ભારત સહિત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની,ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસએ અને યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે.

પ્રવાસનના મુદ્દાઅો ઉપર સફેદ રણમાં થશે ચર્ચા
વર્ષ દરમ્યાન અલગ અલગ સ્થળોએ યોજાનારી આ બેઠકમાં આમ તો ગ્લોબલ પોલિસી,ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સ,ડિજિટલ અર્થતંત્ર,પર્યાવરણ અને આબોહવા, શિક્ષણ, ઊર્જા સંક્રમણ સહિતના મુદાઓ પર ચર્ચા થવાની છે ત્યારે ધોરડો ખાતે યોજાનારી પરિષદમાં પ્રવાસન વિષય પર ચર્ચા કરવામાં આવશે. કચ્છ હવે ટુરિસ્ટ હબ બની ગયું છે ત્યારે સફેદ રણમાં 20 દેશના પ્રતિનિધીઓ પ્રવાસન વિશે ચર્ચા કરશે જેથી કચ્છ ઉપરાંત ગુજરાતના પ્રવાસનને પણ મહત્વનો ફાયદો થઇ શકે છે.

G-20ની પરિષદ 8 થી 10 ફેબ્રુઆરી સુધી ચાલશે
સફેદ રણને વિશ્વફલક પર માન્યતા મળી છે ત્યારે આ રણ અને અહીંની ચાંદની દુનિયાના દેશોમાં પણ ચમકશે. જી-20ની પરિષદ આગામી 8થી 10 ફેબ્રુઆરી 2023 દરમિયાન રણ ખાતે યોજવામાં આવી છે તેવું સત્તાવાર રીતે વહીવટી તંત્ર તરફથી જાહેર કરાયું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: