– હુના ચીફ સાયન્ટિસ્ટ સ્વામિનાથનની ચેતવણી
– ઓમિક્રોનના 300થી વધુ સબ વેરિયન્ટ હાજર છે : એક્સબીબી ઇમ્યુનિટીને છેતરવામાં સફળ નીવડયો છે
કોરોના ફરીથી ડરાવવા લાગ્યો છે. ઓમિક્રોન વેરિયન્ટના સબ વેરિયન્ટે ચિંતા વધારી છે. હવે ઓમિક્રોનનો વધુ એક સબ વેરિયન્ટ એક્સબીબી સામે આવ્યો છે. તેના લીધે ફક્ત ભારત જ નહી વિશ્વના ઘણા દેશોમાં કોરોનાની લહેરનો ભય વધી ગયો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠનની ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામિનાથને ચેતવણી આપી છે કે એક્સબીબીથી વિશ્વના ઘણા દેશોમાં કોરોના લહેર આવી શકે છે. એક્સબીબી ઓમિક્રોનની સબ-લાઇનેજ બીજે ડોટ વન અને બીએ ડોટ ટુ ડોટ ૭૫ મળીને બન્યો છે.
તેથી તેને રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ કહેવાય છે. આમ એક્સબીબી વન એક્સબીબીનું સબ લાઇનેજ છે. બ્રિટન, અમેરિકા અને સિંગાપોરમાં કોરોનાના મામલા વધવા લાગ્યા છે. ચીનના પણ ઘણા શહેરોમાં લોકડાઉન ફરીથી લાદવા લાગ્યુ છે.
નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાનું કારણ એક્સબીબી હોઈ શકે છે. એક્સબીબી અને એક્સબીબી વન સિંગાપોર, બાંગ્લાદેશ, યુરોપ અને ઉત્તર અમેરિકામાં જોવા મળ્યો છે. ભારતમાં પણ એક્સબીબીની એન્ટ્રી થઈ ચૂકી છે.
સિંગાપોરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જ્યારે એક જ સમયે બે અથવા વધારે વાઇરસ કોઈ કોષને ચેપગ્રસ્ત કરે છે તો રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ બને છે. જો કે રિકોમ્બિનેન્ટનો ચેપ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ છતાં પણ તેનો ચેપ લાગી શકે છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના એક્સબીબી વેરિયન્ટના ૧૮ દર્દીઓ સામે આવી ચૂક્યા છે. તેમા ૧૩ દર્દી પુણેના છે. બે-બે દર્દી નાગપુર અને થાણેના અને એક અકોલાનો છે.
એક્સબીબી ઉપરાંત એક દર્દી બીક્યુ વન અને એક બીએ ટુ થ્રી ટ્વેન્ટીથી પણ ચેપગ્રસ્ત થયો છે. આ દર્દી ૨૪ સપ્ટેમ્બરથી ૧૧ ઓક્ટોબરના રોજના મળ્યા છે. ચિંતાની વાત એ છે કે ૨૦માંથી પંદરે કોરોનાની રસી લીધી હતી. જ્યારે પાંચનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે. પેકિંગ યુનિવર્સિટીના બાયોપિકના આસિસ્ટન્ટ પ્રોફેસરનું માનવું છે કે એક્સબીબી એન્ટી બોડીને છેતરતો વેરિયન્ટ નીવડી શકે છે.
ઓમિક્રોનનો સબ વેરિયન્ટ એક્સબીબી સામે આવ્યા પછી હવે નવી લહેરનો ભય સર્જાયો છે. હુના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને નવી લહેરની શક્યતા વ્યક્ત કરી છે. ડો. સ્વામીનાથને જણાવ્યું હતું કે ઓમિક્રોનના ૩૦૦થી વધુ સબ વેરિયન્ટ હાજર છે. આ પહેલા પણ ઘણા રિકોમ્બિનેન્ટ વાઇરસ જોવા મળ્યા છે. પણ એક્સબીબી ઇમ્યુનિટીને છેતરવામાં સફળ નીવડયો છે. તેના લીધે કેટલાક દેશોમાં નવી લહેર જોવા મળી શકે છે.
Leave a Reply