– હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો પાસે આતશબાજી પર રોક
– ધ્વનિ પ્રદુષણ અટકાવવા અને જનતાની સલામતી માટે કચ્છ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
દિવાળીના તહેવારોઅે પર્યાવરણના રક્ષણ સાથે ધ્વનિ પ્રદુષણ અટકાવવા માટે રાત્રિના 8થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે, જે સંબંધે કચ્છ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી અને અગવડ ન પડે તે માટે કચ્છમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવા કલેક્ટર દિલીપ રાણાએ તા.21/10થી તા.28/10 સુધીના સમયગાળા માટે જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના 8થી 10 દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.
હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર અધિકૃત બનાવટ વાળા, માન્ય ધ્વનિ સ્તર વાળા જ કાકડા વેચી/વાપરી શકાશે. અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્સ ઉપર પેસોની સુચના પ્રમાણેનું માર્કિંગ જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન ગણાશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી કે, કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.
લોકોને અગવડ ઉભી ન થાય, કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કચ્છ જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલપીજી, બોટલીંગ પ્લાન્ટ એલપીજી ગેસના સ્ટોરેજ, અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતશબાજ બલૂન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી.
લૂમમાં રહેલા ફટાકડા ફોડવા પર પાબંદી
સિરીઝમાં જોડાયેલા ફટાકડા(ફટાકડાની લૂમ)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ધન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લીપકાર્ટ એમેઝોન સહિતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહી કે, ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી.
Leave a Reply