– ગુજરાતમાં ચૂંટણી ટાણે રિક્ષા ચાલકો, ઉજ્જવલા યોજના હેઠળ 38 લાખ પરિવારોને રાહત
– સીએનજીના ભાવ રૂ.7, પીએનજીના રૂ. 5 સુધી ઘટશે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.1650 કરોડની રાહત અપાઇ
– સિલિન્ડરના રૂ.1050 ગ્રાહકનાં બેંક ખાતામાં માત્ર ત્રણ દિવસમાં જમા થશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી દિવાળી પહેલાં રાજ્ય સરકારે ગરીબ, શ્રમિક અને મધ્યમવર્ગના પરિવારોને વર્ષમાં એલપીજી ગેસના કુલ બે સિલિન્ડર વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે સીએનજી અને પીએનજીમાં ૧૦ ટકા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ઘટાડવામાં આવ્યો છે. આ બન્ને નિર્ણયમાં કુલ ૧૬૫૦ કરોડની રાહત આપવામાં આવી છે.
ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને બજેટમાં રાહત થાય તે માટે સરકારે બે મહત્વના નિર્ણય લીધા છે. રાજ્યના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજનામાં વર્ષ દરમ્યાન બે ગેસ સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનાનો લાભ ૩૮ લાખ પરિવારોને મળશે અને તેના થકી ૬૫૦ કરોડ રૂપિયાની બચત થશે.
રાજ્ય સરકારની એલપીજીપી અને પીએનજી સહાય યોજનાના અંદાજે ૨૦,૦૦૦ જેટલા લાભાર્થીઓ દ્વારા ગેસના સિલિન્ડરની રકમની ચુકવણી કર્યા બાદ રિફિલની પૂરેપૂરી ૧૦૫૦ની રકમ ગ્રાહકમાં બેંક ખાતામાં માત્ર ત્રણ દિવસમાં જમા કરવામાં આવશે.
બીજીતરફ સીએનજી અને પીએનજી ગેસમાં ૧૦ ટકા વેટ ઘટાડવાના કારણે સીએનજી ગેસમાં પ્રતિ કિલો અંદાજે ૬ થી ૭ રૂપિયા તેમજ પીએનજી ગેસમાં પ્રતિ ઘનમીટરે અંદાજે ૫.૦૦ થી ૫.૫૦ રૂપિયાનો ઘટાડો થશે. મંત્રીએ કહ્યું કે આજે ગુજરાતમાં ઘરેલુ ગેસ જોડાણની સંખ્યા ૨૪.૨૧ લાખ તથા સીએનજી સ્ટેશનની સંખ્યા ૮૫૫ છે.
ગુજરાતમાં ૧૪ લાખથી વધુ સીએનજી વાહનધારકો છે જેમાં માલવાહક વાહન, મુસાફર વાહન અને કારચાલકોના વાહનનો સમાવેશ થાય છે. અંદાજે ૪.૫૦ લાખ જેટલા માત્ર સીએનજી રીક્ષાચાલકોનો સમાવેશ થાય છે. પીએનજી અને સીએનજીમાં વેટના દર ઘટાડવાથી ૧૦૦૦ કરોડ રૂપિયાની રાહત થશે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં બદલાવના કારણે નેચરલ ગેસની કિંમતમાં વધારો થયો હોવાથી નાગરિકોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું ભાન સરકારને થયું છે. હકીકતમાં ચૂંટણી આવતી હોવાથી મોંઘવારીથી બચવા સરકારે આ બન્ને જાહેરાત કરી છે.
Leave a Reply