– દસ કોલેજના ૭૦ વિધ્યાર્થીઓએ ૨૧ ટિમ બનાવી સ્પર્ધામાં ભાગ લીધો
– અમદાવાદ બી. જે. મેડિકલ કોલેજ પ્રથમ જ્યારે અદાણી મેડિકલ કોલેજ બીજા અને ત્રીજા નંબરે
અદાણી મેડિકલ કોલેજમાં એનાટોમી અને બાયો-કેમેસ્ટ્રી વિભાગ અંતર્ગત “એનાબાયોસિસ ૨૨” રાજ્યની જુદી જુદી દસ મેડિકલ કોલેજ વચ્ચે આંતરરાજ્ય ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી જેમાં દસ કોલેજના ૭૦ મેડિકલ વિધ્યાર્થીઓ જોડાયા હતા. અને તેમણે ૨૧ ટિમ બનાવી હરીફાઈમાં જંપલાવ્યું હતું. આખો દિવસ ચાલેલી આ સ્પર્ધાને અંતે અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ પ્રથમ સ્થાને જ્યારે અદાણી મેડિકલ કોલેજ બીજા અને ત્રીજા સ્થાને રહેતા તેમને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મેડિકલ વિધ્યાર્થીઓએ એનાટોમી (શરીર રચના) અને બાયો-કેમેસ્ટ્રી (જીવ રસાયણ શાસ્ત્ર)ના મેળવેલા જ્ઞાનનું આદાન પ્રદાન કરી પરસ્પર પ્રેરણાના સ્ત્રોત બની શકે તેમજ પ્રત્યેક વિધ્યાર્થીના જ્ઞાનમાં વધારો થાય એ માટે આયોજીત આ ક્વિઝ કોમ્પિટિશન, કોલેજના ઓડિટોરિયમમાં યોજવામાં આવી તે પ્રસંગે વિડીયો કોન્ફરન્સથી પ્રેરક ઉદબોધન કરતા ગેઈમ્સના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઈએ કહ્યું કે આવી સ્પર્ધાઑ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન તબીબી અભ્યાસ માટે ઉપયોગી બને છે.
પ્રારંભમાં એનાટોમી વિભાગના હેડ અને આસી. ડીન ડો. સાગ્નિક રોયે આવકાર ઉદબોધનમાં ક્વિઝ સ્પર્ધાની વિગતો આપતા જણાવ્યુ હતું કે વિધ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ અને ક્લિનિકલ જ્ઞાનમાં વધારો થાય છે.
આ પ્રસંગે હોસ્પિટલ મેડિકલ એડમીનના ચીફ ડો. કર્નલ રાજેશ નાયરે કહ્યું કે એનાબાયોસિસ ક્વિઝ સ્પર્ધામાં જેમને શરીર રચના અને તેની જીવ રસાયણ પદ્ધતિનું ઊંડું જ્ઞાન હોય તેમનું તબીબી જ્ઞાન ઉત્કૃસ્ટ બને છે. કોલેજના બાયો-કેમેસ્ટ્રી વિભાગના હેડ ડો. અમિત મહેશ્વરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.પેથોલોજી વિભાગના હેડ ડો. ધનેશ્વર લાંજેવર, આસી. ડીન ડો. પારસ પારેખ, ઈ.એન.ટી. વિભાગના ડો. અજિત ખીલનાની તેમજ ફિજીઓલોજી વિભાગના હેડ ડો. હિતેશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામાં અદાણી મેડિકલ કોલેજ સાથે અમદાવાદ બી.જે. વડોદરા, જામનગર, દાહોદ, સુરત, સીલવાસા, પારૂલ યુનિવર્સિટી વગેરેના વિધ્યાર્થીઓ જોડાયા હતા. ભુજ કોલેજની ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો સફળ આયોજન ક્વિઝ માસ્ટર ડો. નિવેદિતા રોય અને એનાટોમી અને બાયો-કેમેસ્ટ્રી વિભાગના પ્રધ્યાપકોએ કર્યું હતું. આભારવિધિ એનાટોમી વિભાગના ડો. સચિન પાટિલે કરી હતી. કાર્યક્રમમાં અદાણી મેડિકલ કોલેજના વિધ્યાર્થીઓ તેમજ સ્ટાફ જોડાયા હતા. પ્રથમ ઈનામ પેટે રૂ. ૨૦૦૦૦ જ્યારે બીજા નંબરની ટિમને રૂ. ૧૫૦૦૦ અને ત્રીજા સ્થાને આવનારને રૂ. ૧૦૦૦૦ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
Leave a Reply