– શિક્ષકની ૧૫૧૨ જગ્યા ઉભી કરાશે
– એક વર્ગની સ્કૂલો માટે ૩ શિક્ષક-એક આચાર્ય મુજબનું મહેકમ
– બજેટમાં નવી જગ્યાઓ ભરવા જોગવાઈ થશે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અંતે સ્કૂલોની માંગણીને સ્વીકારી લેવાતા ગ્રાન્ટેડ સ્કૂલો માટે નવું મહેકમ મંજૂર કરી દેવામા આવ્યુ છે. સરકારે આજે કરેલા ઠરાવ મુજબ ધો.૯ અને ૧૦ની એક વર્ગ ધરાવતી સ્કૂલોમાં હવે ૩ શિક્ષક અને એક આચાર્યની જગ્યા મંજૂર કરાશે અને આ નવા મહેકમથી ગ્રાન્ટેડ મા.સ્કૂલોમાં શિક્ષકોની નવી ૧૫૧૨ જગ્યા ઉભી થશે.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલો માટે નવા મહેકમની રજૂઆતો કરવામા આવી રહી હતી.ધો.૯ અને ૧૦નો એક વર્ગ ધરાવતી ગ્રાન્ટેડ સ્કૂલોમાં હાલ માત્ર વર્ગ દીઠ ૧.૫ શિક્ષક તથા બે વર્ગ ધરાવતી શાળાને વર્ગદીઠ ૩ શિક્ષકની મંજૂરી અપાય છે. પરંતુ ઓછા મહેકમને લીધે પુરતા શિક્ષકો ન મળતા અને અભ્યાસને અસર થતા સ્કૂલ સંચાલક મંડળે એક-એક વર્ગ ધરાવતી સ્કૂલો સારી રીતે ચાલી શકે તે માટે ૩ શિક્ષક અને એક આચાર્ય મુજબનું શૈક્ષણિક સેટ આપવા દરખાસ્ત કરી હતી.
જે સરકારે સ્વીકારી લેતા આજે શિક્ષણ વિભાગે નવા મહેકમની મંજૂરી માટે ઠરાવ કર્યો છે.જે મુજબ હવે ધો.૯ અને ધો.૧૦ના એક-એક વર્ગની સ્કૂલોમાં ગ્રામ્ય વિસ્તારમાં ૫૦ વિદ્યાર્થી અને શહેરી વિસ્તારમાં ૭૫ વિદ્યાર્થી સંખ્યા સામે કુલ ૩ શિક્ષક અને એક આચાર્યના સેટઅપને મંજૂરી અપાશે. આ નવા શૈક્ષણિક સેટઅપના કારણે નવી ઉભી થનાર ૧૫૧૨ શિક્ષકોની જગ્યાઓ ઉભી કરવા માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં નવી બાબત સ્વરૃપે દરખાસ્ત રજૂ કરાશે અને આ નવી જગ્યાઓ ઉભી થતા જરૃરી ખર્ચની જોગવાઈ કમિશનર ઓફ સ્કૂલ કચેરીએ કરવાની રહેશે.
Leave a Reply