– આઠમના પણ લોકોએ ખરીદ્યા વાહન
– નવરાત્રી પર્વમાં હજાર જેટલા વાહન વેચાણનો અંદાજ
– દ્વિચક્રી અને ફોર વહીલર મળી અંદાજે 500 જેટલા વાહનોની ડિલિવરી અપાશે
આવતીકાલે દશેરા એટલે શુભ દિવસ, આ દિવસે શસ્ત્ર પૂજનની સાથે લોકો વાહનની પણ ખરીદી કરતા હોય છે ત્યારે કાલે કચ્છમાં વાહન વેચાણનો ઘોડો દોડશે અને એક જ દિવસમાં 500 જેટલા વાહનોની ડિલિવરી અપાય તેવો સુર વાહન ડિલરો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, છેલ્લા બે વર્ષથી કોવિડના કારણે લોકો દ્વારા બચત પર ખાસ ભારણ મુકવામાં આવ્યું છે પણ આ વર્ષે લોકો પણ ખરીદી કરી નવા વાહનો વસાવવાના મૂડમાં છે.
ખાસ કરીને એક્સચેન્જ ઓફરમાં જુના વાહનો આપીને નવા વસાવા સાથે ઇએમઆઈ પર ખરીદી કરી રહ્યા છે.ટુ વહીલરની સાથે ઇલેક્ટ્રોનિક મોપેડ અને ફોર વહીલર કાર માટે એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું ત્યારે આવતીકાલે ડિલિવરી મળશે.ઘણા વાહનો માટે 6 મહિનાનું બુકિંગ હોવાનું સામે આવ્યું છે આ સિવાય ધનતેરસ અને દિવાળીના ખરીદી માટે પણ એડવાન્સ બુકીગ થઈ ગયું છે.
વાહન ડિલરોના જણાવ્યા પ્રમાણે નવરાત્રીના પ્રથમ દિવસે અને આઠમના 250 થી 300 જેટલા દ્વિચક્રીની ડિલિવરી અપાઈ છે જ્યારે આવતીકાલે પણ 200 થી 300 વાહનોની ડિલિવરી અપાશે તો ફોર વહીલરમાં પણ 200 જેટલા વાહનોની ડિલિવરી આવતીકાલે અપાય તેવું જાણવા મળી રહ્યું છે.આ સિવાય ઇલેક્ટ્રોનિક મોપેડનું પણ વેચાણ ઘણું વધી ગયું છે તેમજ અન્ય માલવાહક વાહનો અને રીક્ષા,છકડા મળી આ નવરાત્રી મહોત્સવ દરમિયાન 1 હજાર જેટલા વાહનોની ડિલિવરી કચ્છમાં અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.આ સાથે દિવાળીના પણ નવા વાહનોનું ધૂમ વેચાણ થશે. આ તો નવા વાહનોની વાત થઇ પરંતુ જૂના વાહનોના વેંચાણમાં પણ ઉછાળો આવ્યો છે.
Leave a Reply