– સ્પે.એનઆઇએ કોર્ટ દ્વારા આરોપીના આઠ દિવસના રિમાન્ડ
અફઘાનિસ્તાનથી ભારતમાં થોડા અંશે પ્રોસેસ કરવાના બહાને ૨૦,૫૦૦ કિલો ડ્રગ્સ કલકત્તામા સુશાંત નારાયણ ચંદ્ર સરકારે નવેમ્બર-૨૦૨૦માં મગાવ્યુ હતુ. ડ્રગ્સના કુલ પાંચ કન્સાઇનમેન્ટ મુંદ્રા, કલક્તા સહિતના રૃટ થઇ ભારતમાં ઘૂસાડવામાં આવ્યા હતા, બાકીના કન્સાઇનમેન્ટ અંગે મહત્વની તપાસ હાથ ધરવાની છે એ મતલબનો ચોંકાવનારો ખુલાસો એનઆઇએ દ્વારા કરવામાં આવ્યો છે. રૃ.૨૧ હજાર કરોડના ચકચારભર્યા હેરોઇન કેસમાં પં.બંગાળના માલદામાં રહેતા સુશાંત નારાયણ ચંદ્ર સરકારને પકડી સ્પેશ્યલ એનઆઇએ કોર્ટમાં રજૂ કરતાં સ્પેશ્યલ જજ સુભદ્રા કે.બક્ષીએ આરોપીને તા.૭મી ઓકટોબર સુધી આઠ દિવસના રિમાન્ડ પર સોંપવા મહત્વનો હુકમ કર્યો હતો.
ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું કૃત્ય આચરી રહેલ આવી સીન્ડીકેટના આરોપીઓ વિશે સુશાંત નારાયણ પાસેથી જાણકારી મેળવી મહત્વની તપાસ કરવાની છે
એનઆઇએ દ્વારા આજે આરોપી સુશાંત નારાયણ ચંદ્ર સરકારને કોર્ટમાં રજૂ કરીને ૨૦ દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી. જેમાં એનઆઈએના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર અમીત નાયરે કોર્ટને જણાવ્યું હતું કે, રૃ. ૨૧,૦૦૦ કરોડના હેરોઈનના જથ્થા મામલે એનઆઈએની તપાસમાં બહાર આવ્યુ છે કે, આરોપી સુશાંત નારાયણે અફઘાનિસ્તાનથી ૨૦,૫૦૦ કિલોગ્રામ ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ ભારતમાં કલકત્તામાં મંગાવ્યું હતું. આ ડ્રગ્સ હરપીત સિંહ ઉર્ફે કબીર તલવાર અને પ્રિન્સ શર્માએ મેસર્સ મેગન્ટ ઈન્ડિયાનો માલિક છે તેને અપાયું હતું. સેમી પ્રોસેસ થયેલ ટાલ્ક પત્થરોના આવા ત્રણ કન્સાઈનમેન્ટ દિલ્હીના નેબ સરાઈમાં એક વેરહાઈસમાં મોકલાયા હતા. આ વેરહાઉસ નજીબુલ્લાહ ખાલીદે ભાડે રાખ્યો હતો. આ કન્સાઈનમેન્ટ અફધાનિસ્તાનથી કલકત્તા બંદરે આવ્યુ હતુ.ત્યાંથી સુશાંત સરકારે દિલ્હીના હરપીત સિંહ ઉર્ફે કબીર તલવારે તેના માલિક પ્રિન્સ શર્માના ગોડાઉનમાં પહોંચાડાયુ હતુ. આ ઉપરાંત આરોપી સુશાંત સરકાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અફઘાનિ નાગરિક હુસૈન દાદ અને જાવેદ નજફના સંપર્કમાં હતો. વિદેશમાં તેમ જ ભૂગર્ભમાં રહેલા કેટલાક અજાણ્યા આરોપીઓ સાથે આરોપી સુશાંત નારાયણ સંપર્કમાં હતો, જેઓ અનેક બાબતો અંગે જાણે છે. ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું કૃત્ય આચરી રહેલ આવી સીન્ડીકેટના આરોપીઓ વિશે આરોપી પાસેથી મહત્વની વિગતો કઢાવવાની છે. ઉપરાંત, વિદેશમાંથી ભારતમાં ડ્રગ્સનો ધંધો કરવાનુ ષડયંત્ર કરનારા શંકાસ્પદ અને અજાણ્યા લોકોની વિગતો પણ મેળવવાની છે. જેથી, તેને પકડી શકાય અને બે દેશો વચ્ચેના ગુનેગારોના જોડાણને બહાર લાવી શકાય. આ સંજોગોમાં આરોપીના પૂરતા રિમાન્ડ કોર્ટે મંજૂર કરવા જોઇએ.
ડ્રગ્સના વેચાણની રકમ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે પાકિસ્તાન મોકલાઇ
એનઆઈએએ મુન્દ્રા ડ્રગ્સ મામલે આંતરરાષ્ટ્રીય નવ ડ્રગ્સ માફીયાના સભ્યોેની સામે અમદાવાદની સ્પેશ્યલ એનઆઇએ કોર્ટમાં દાખલ કરેલા પુરવણી ચાર્જશીટમાં એવો ઘટસ્ફોટ કર્યો છે કે, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓ અફઘાનિસ્તાનથી હેરોઈનનો જથ્થો મંગાવીને પંજાબ, દિલ્હી, ગુજરાત, યુપી અને ભારતના અન્ય રાજયોમાં વિતરણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. ડ્રગ્સની દાણચોરીમાંથી મળેલી રકમને ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે વાપરવા માટે પાકિસ્તાનમાં મોકલવામાં આવતી હતી. આ સમગ્ર રેકેટમાં મુખ્ય અફઘાની આરોપી હસન દાદ અને હુસૈન દાદે અન્ય આરોપી જાવેદ સાથે મળીને કાવતરું ઘડયું હતું, જે ઈરાની નાગરિક છે અને ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરે છે. જાવેદે ડ્રગ-લોડ કન્સાઇનમેન્ટ્સ મોકલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હુસૈન અને હસન પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો હિઝબુલ મુજાહિદ્દીન અને તહરીક ઉલ મુજાહિદ્દીન સાથે પણ કથિત રીતે જોડાયેલા છે.
Leave a Reply