– ગેહલોત આજે દિલ્હીમાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે
ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બનશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. પાયલટ રાજસ્થાનમાં મુખ્યમંત્રી બની શકશે નહીં તે પણ હજુ સ્પષ્ટ નથી. પરંતુ એ વાત લગભગ નક્કી છે કે, રાજસ્થાનમાં મુખ્યમંત્રી બદલાવા જઈ રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાનના નજીકના અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, રાજસ્થાનને ટિંક સમયમાં નવા સીએમ મળવા જઈ રહ્યા છે. તેમણે એ પણ કહ્યું કે, 1-2 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ દિલ્હી પહોંચી ગયા છે જ્યાં તેઓ વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે.
જયપુર અને દિલ્હીના વ્યસ્ત પ્રવાસો અને હવાઈ મુસાફરી વચ્ચે કેરળના મલપ્પુરમમાં વેણુગોપાલે કહ્યું કે, રાજસ્થાનને ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રી મળશે. રાજસ્થાનમાં કોઈ ડ્રામો નથી. 1-2 દિવસમાં બધું સ્પષ્ટ થઈ જશે અને તમને ખબર પડશે કે, નવા મુખ્યમંત્રી કોણ બનશે. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નાટકીય રીતે આગળ વધી રહી છે. અગાઉ વેણુગોપાલે રાજસ્થાન સંકટ પર પણ કહ્યું હતું કે મીડિયામાં કમ સે કમ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની ચર્ચા તો થઈ રહી છે.
દિલ્હીમાં ગેહલોત, પાયલટ
સચિન પાયલટે બે દિવસથી દિલ્હીમાં ધામા નાખ્યા છે તો બુધવારે રાત્રે અશોક ગેહલોત પણ રાજધાનીમાં લેન્ડ કરી ચૂક્યા છે. ગેહલોત આજે વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. એવી ચર્ચા ચાલી રહી છે કે, ગેહલોત ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી લડવાની યોજના પર આગળ વધી શકે છે. તેઓ અધ્યક્ષની ચૂંટણી જીત્યા બાદ રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ છોડવા માંગતા હતા પરંતુ જે રીતે પાર્ટીએ રવિવારે વિધાનસભા પક્ષની બેઠક બોલાવવા અને હાઈકમાન્ડને અધિકૃત કરવાનો ઠરાવ પસાર કરવા માટે બે નિરીક્ષકોને મોકલ્યા તેના પરથી સંકેતો મળી રહ્યા છે કે નોમિનેશન પહેલા જ ગેહલોતને પદ છોડવા માટે કહેવામાં આવી શકે છે.
મુખ્યમંત્રીની ખુરશી છીનવવા તૈયાર, પ્રમુખ બનવા પર પણ સસ્પેન્સ
ગેહલોત જૂથ જે ત્રણ માંગો પર અડગ છે તેમાં પ્રથમ એ છે કે, રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીનો નિર્ણય 19 ઓક્ટોબર એટલે કે, અધ્યક્ષ ચૂંટણીના નિર્ણય બાદ થાય. એક ડિમાન્ડ એ પણ છે કે, સચિન પાયલટ અને તેમના જૂના કોઈ પણ ધારાસભ્યને મુખ્યમંત્રી ન બનાવવા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગેહલોત જૂથને એ આશંકા છે કે, ક્યાંક એવું ના થાય કે, ગેહલોત મુખ્યમંત્રી પદ પણ છોડી દે અને અધ્યક્ષની ચૂંટમી પણ ન જીતી શકે. રવિવારની ઘટનાઓ બાદ જે રીતે પરિસ્થિતિ બદલાઈ છે તે પછી આ આશંકા વધુ પ્રબળ બની છે.
Leave a Reply