– ગ્રાહક તકરાર નિવારણ પંચનો મહત્વનો ચુકાદો
ગ્રાહકની મેડિકલેઇમ પોલિસી ચાલુ હોવાછતાં સારવારના ખર્ચના રૂ.૨.૩૯ લાખનો કલેઇમ નામંજૂર કરવાના વીમા કંપની અને ટીપીએ ઓથોરીટીના સત્તાવાળાઓના નિર્ણય સામે વયોવૃધ્ધ નાગરિકે અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ(એડિશનલ) સમક્ષ ગુહાર લગાવવી પડી હતી. કરૂણતા તો એ છે કે, કેસ ચાલવા દરમ્યાન ૯૧ વર્ષીય વયોવૃધ્ધ નાગરિક ગુજરી ગયા હતા અને તેમના વારસોએ ફરિયાદી તરીકે જોડાઇ કેસ લડયા હતા, જેમાં આખરે પંચે ફરિયાદપક્ષને દાવાના રૂ.૨,૩૯,૦૦૦ની રકમ અરજી દાખલ થયા તા.૨૭-૨-૨૦૧૯થી વાર્ષિક સાત ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીને ફરમાન કર્યું છે.
પોલિસીમાં ઇન્સેપ્શન ડેટ નાંખવાની જવાબદારી વામા કંપનીની હોય છે તેથી ઇન્શ્યોરન્સ કંપનીની ભૂલ હોવાછતાં ખોટી રીતે કલેઇમ નામંજૂર કરાયો છે ફોરમે પોતાના ચુકાદામાં બહુ મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, ટીપીએ(થર્ડ પાર્ટી એજન્સી)એ ઇન્સેપ્શન ડેટ અને પ્રપોઝલ ફોર્મ ફરિયાદી દ્વારા પૂરા નહી પડાયા હોવાથી ફરિયાદીનો કલેઇમ નામંજૂર કર્યો છે. પરંતુ ઇન્સેપ્શન ડેટ અને પ્રપોઝલ ફોર્મ આ બંને વસ્તુઓ સામાવાળા વીમાકંપની પાસે ઉપલબ્ધ હોય છે તે સંજોગોમાં ટીપીએ આ માહિતી સામાવાળા વીમાકંપની પાસેથી મેળવી શકે તેમ હતા, તેમછતાં ખોટી રીતે ફરિયાદીનો કલેઇમ નામંજૂર કર્યો છે. એટલું જ નહી, નોકલેઇમ લેટર જોતાં ટીપીએ દ્વારા કલેઇમ નોકલેઇમ કરાયો છે પરંતુ ફરિયાદીએ વીમો સામાવાળા વીમા કંપની પાસેથી લીધેલ છે અને ફરિયાદીનો વીમાનો કરાર વીમા કંપની સાથે છે ત્યારે ટીપીએને કલેઇમ નામંજૂર કરવાની કોઇ સત્તા નથી.
ફરિયાદીની પોલિસી ઘણા લાંબા સમયથી ચાલતી આવેલ હોવાનું પોલિસી પરથી સ્પષ્ટ થાય છે. ફરિયાદીની પોલિસી જૂના સમયની હોય ત્યારે તેની ઇન્સેપ્શન ડેટ લખવાની વીમા કંપનીની ફરજ હોવાછતાં પોલિસી ઇશ્યુ કરતી વખતે તેમાં ઇન્સેપ્શન ડેટનું કોલમ ખાલી રાખેલ છે તે જોતાં કસૂર વીમા કંપનીની હોવા છતાં ફરિયાદીનો કલેઇમ ખોટી રીતે નોકલેઇમ કરાયેલ છે, આ સંજોગોમાં ફરિયાદી તેના કલેઇમની રકમ રૂ.૨,૩૯,૦૦૦ મેળવવા હકદાર છે.
Leave a Reply