– રવાનગીમાં વિલંબ થતાં નિકાસકારોએ ભારે ડિમરેજ ચૂકવવું પડે છે
દેશમાંથી ટૂકડા ચોખાની નિકાસ પર સરકારે ૮ સપ્ટેમ્બરના પ્રતિબંધ મૂકયો હતો, પરંતુ ચોક્કસ પ્રકારના કન્સાઈનમેન્ટસની ૧૫ સપ્ટેમ્બર સુધી નિકાસ કરવા છૂટ અપાઈ હતી. નિકાસકારોની વિનંતી બાદ આ છૂટ લંબાવીને ૩૦ સપ્ટેમ્બર કરવામાં આવી હતી.
ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે પરિવહનમાં રહેલા ટૂકડા ચોખાને ૧૫ ઓકટોબર સુધી તેમના નિકાસ મથકો ખાતે રવાના કરી શકાશે, એમ સ્થાનિક બજારના સુત્રોએ જણાવ્યું હતું. ભારત સરકારે ટૂકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે જ્યારે અન્ય કેટલીક જાતિના ચોખા પર વીસ ટકા ડયૂટી લાગુ કરી છે. દેશમાં વર્તમાન વર્ષે ચોખાનું ઉત્પાદન નીચું ઊતરવાની ધારણાં વચ્ચે સરકારનો આ નિર્ણય આવી પડયો છે.
દેશમાંથી ચોખાની નિકાસ પર પ્રતિબંધ તથા ડયૂટી લાગુ કરાવાને પગલે છ લાખ ટન્સ જેટલા ચોખા વિવિધ બંદરો ખાતે અટકી પડયા હતા.ચોખાની રવાનગીમાં વિલંબ થતાં નિકાસકારોએ ભારે ડિમરેજ (વિલંબ શુલ્ક) ચૂકવવું પડી રહ્યું છે.
પરિવહનમાં રહેલા ટૂકડા ચોખાની નિકાસ માટેની અંતિમ તારીખ સરકારે વધુ પંદર દિવસ લંબાવી ૧૫ ઓકટોબર સુધીની કરી છે. આ અગાઉ તારીખ ૧૫ સપ્ટેમ્બર પરથી લંબાવીને ૩૦ સપ્ટેમ્બર કરાઈ હતી.
Leave a Reply