ભારત સરકારે બોલીવુડના પીઢ અભિનેત્રી અને નિર્માતા આશા પારેખને 2020 નું રાષ્ટ્રીય દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સન્માન એનાયત કરવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે દિલ્હીમાં આ જાહેરાત કરી હતી.
આશા પારેખ બોલીવુડના સુવર્ણયુગ ગણાતા બ્લેક એન્ડ વાઈટ યુગથી માંડીને રંગીન ફિલ્મો સુધીના આધુનિક યુગના સાક્ષી રહ્યા છે. તેમની જાણીતી ફિલ્મોમાં કટી પતંગ, કારવા, તથા તીસરી મંજિલ સહિતની અનેક સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે તેમના જમાનાના તમામ ટોચના સ્ટાર અને બેનર સાથે કામ કર્યું હતું અને બોલીવુડની એક ટોચની અભિનેત્રી તરીકે સ્થાન મેળવ્યું હતું. એ સમયની સંખ્યાબંધ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો હતો.
1990માં તેમણે દુરદર્શન માટે કોરા કાગજ સીરીયલનું પણ નિર્માણ કર્યું હતું.
હિન્દી ફિલ્મોના ગુજરાતી અભિનેત્રી તરીકે આશા પારેખને મળેલા આ સન્માનથી સમગ્ર ગુજરાતના અને દેશ વિદેશના તેમના ચાહકોમાં આનંદ ફેલાયો છે. આ સમાચાર પ્રસરતા જ તેમને બોલીવુડમાંથી અભિનંદનનો નો સીલસીલો શરૂ થઈ ગયો હતો.
20 વર્ષ પછી કોઈ મહિલા કલાકારને મળ્યો પુરસ્કાર
આશા પારેખ ને 66 મો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળશે. આ પુરસ્કાર મેળવનાર તેઓ સાતમા મહિલા કલાકાર છે. આ પહેલા 1969 માં દેવિકા રાણી, 1973 માં સુલોચના, 1976 માં કાનનદેવી, 1983 માં દુર્ગાખોટે , 1989 માં લતા મંગેશકર અને સન 2000 માં આશા ભોંસલેને આ પુરસ્કાર મળ્યો હતો. આમ ૨૦ વર્ષ પછી કોઈ મહિલા કલાકારને આ સન્માન પ્રાપ્ત થયું છે.
Leave a Reply